પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૫૨

 

દોહા

જય જય જગજીવનને, જય જય જગપતિરાય ।

જય જય જગદીશને, જય જય કહી જન ગાય ॥૧॥

જય કૃપાળુ જય દયાળુ, જય દીનબંધુ દુઃખહર ।

જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ॥૨॥

જય પ્રતાપ પ્રગટ પ્રબળ, જય પરાત્પર પરબ્રહ્મ ।

જય જય જગકારણ, જય જય કહે નિગમ1 ॥૩॥

જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કીધાં કૈક કામ ।

જયકારી ધારી મૂરતિ, પૂરી સહુના હૈયાની હામ ॥૪॥

ચોપાઈ

જય જય જગના જીવન રે, જય જય પ્રભુજી પાવન રે ।

જય જય જનહિતકારી રે, જય જન્મ મરણ દુઃખહારી રે ॥૫॥

જય જય જનક2 જીવના રે, સુખદાયક છો સદૈવના રે ।

જય જનના જનની જેવા રે, જય સદા ઇચ્છો છો સુખ દેવા રે ॥૬॥

જય જય જીવન જગવંદ રે, જય જય સ્વામી સહજાનંદ રે ।

જય જય સુખદ ઘનશ્યામ રે, જય જય કર્યાં બહુ કામ રે ॥૭॥

જય જે કર્યાં આવી કારજ રે, જોઈ જન પામ્યા છે આચરજ રે ।

અતિ અલૌકિક કામ કીધાં રે, આશ્રિતને અભયદાન દીધાં રે ॥૮॥

બહુ ઉપાય કલ્યાણ કેરા રે, કર્યા આવી આ જગે ઘણેરા રે ।

તે તો લખ્યા જેટલા લખાણા રે, કૈક રહ્યા ને કૈક કે’વાણા રે ॥૯॥

બહુ પ્રકારે ઉદ્ધાર્યા પ્રાણી રે, તેની લેશ લખી છે એંધાણી3 રે ।

સાંગોપાંગ4 અથ ઇતિ કે’વા રે, નથી વાલમિક વ્યાસ જેવા રે ॥૧૦॥

જે જે દીઠી આવી જાણ્યા માંઈ રે, તે તે લખી થોડી ઘણી કાંઈ રે ।

એક દિવસની વાત વળી રે, લખતાં ન લખાય સઘળી રે ॥૧૧॥

તેવાં વરષ ઓગણપચાસ રે, તે પર એક દિન દોય માસ રે ।

એટલામાં કર્યાં જે જે કાજ રે, તેને કોણ લખે કવિરાજ રે ॥૧૨॥

થોડા માંયે લેજો ઘણું જાણી રે, સર્વે વાત કેથી ન કે’વાણી રે ।

આ છે ગ્રંથ માહાત્મ્યનો ઘણો રે, તેમાં કહ્યો પ્રતાપ પ્રભુતણો રે ॥૧૩॥

તે તો સર્વે જાણજો સત્ય રે, નથી અક્ષર એકે અસત્ય રે ।

પણ પૂરી પ્રતીતિ જેને નોય રે, તેને આગળ્ય કે’શો માં કોય રે ॥૧૪॥

એને લખી લખાવી મા દેશો રે, જેને હોય હરિમાં અંદેશો5 રે ।

તેને અર્થે આ વાત નહિ આવે રે, જેનું મન માન્યું કાવે દાવે6 રે ॥૧૫॥

જે નો’ય પૂરી પ્રતિતીવાળા રે, તે તો ક્યાંથી થાય સુખાળા રે ।

સુખ લેશે સાચા સતસંગી રે, સુણશે કે’શે આ ગ્રંથ ઉમંગી રે ॥૧૬॥

ગાશે કે’શે સુણશે આ ગ્રંથ રે, તેના સર્વે સરશે અર્થ રે ।

આ લોકમાં આનંદ રે’શે રે, પરલોકે મોટું સુખ લેશે રે ॥૧૭॥

માહાત્મ્ય કહ્યું છે અતિશે મોટું રે, ખરાખરું જાણો નથી ખોટું રે ।

રખે અપોચિયાની7 લઈ ઓટ8 રે, પરિપૂરણમાં ખોળો ખોટ રે ॥૧૮॥

સમર્થથી શું શું ન થાય રે, એમ સહુ સમજો મન માંય રે ।

એમ સમજી સરવે સુજાણ રે, વાત પકી કરી છે પ્રમાણ રે ॥૧૯॥

તેને તક પાકી ગઈ પૂરી રે, કોઈ વાત ન રહી અધૂરી રે ।

પામ્યા પૂરણ પરમાનંદ રે, થયા ન્યા’લ કે’ નિષ્કુળાનંદ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિપંચાશત્તમઃ પ્રકારઃ ॥૫૨॥

 

 

નિરૂપણ

જેનું કર્યું થાય છે તે ભગવાન જતા જ નથી

આજે ‘પુરુષોત્તમ પ્રકાશ’ નિરૂપતાં કહે:

“કોઈને પ્રશ્ન થાય કે મહારાજ ઓગણપચાસ વરસે જ કેમ ધામમાં ગયા? વધુ રહ્યા હોત તો લાખો જીવોને વધુ ઉગારત. પણ મહારાજને ગુણાતીત દ્વારા, પોતાના સંત દ્વારા કામ કરાવવું હતું, તેથી ધામમાં પધાર્યા. મહારાજ પોતે જે કામે આવેલા તે કામ ટૂંક સમયમાં પૂરું કર્યું. પોતાના જેવા ગુણાતીત પુરુષને સત્સંગનું સુકાન સોંપતા ગયા. સ્વામીશ્રીને ૫૮ વરસનો આવરદા બ્રાહ્મણે જન્મોત્રીમાં કહેલો; પણ મહારાજે કહ્યું, ‘મેં આંબા વાવ્યા છે, તે તમે ઉછેરો.’ તે સ્વામીએ કહ્યું, ‘તે દહાડાનો દેહ રહ્યો છે.’

“અત્યારે સવારે જ્ઞાનનો જમણવાર હાલે છે.

“નિષ્કુળાનંદ સ્વામીને હેતનું અંગ. હેત અસાધારણ. તેથી રહી ન શકે. કૃપાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી એ બધા હેતવાળા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના ધામમાં ગયા પછી કહે છે કે, ‘હવે આપણું મુખ અભાગિયું થયું, કારણ કે હવે હરિ સાથે કેવી રીતે વાત કરશે? આપણી આંખો પણ અભાગણિયો થઈ, હવે હરિનું રૂપ ક્યાંથી જોઈ શકાશે?’

“એક વાર જામનગરમાં જાગા સ્વામી નિષ્કુળાનંદ સ્વામીના બાર મહિનાના (બારમાસીનાં પદો) બોલતા હતા: ‘સખી શોં રે કહું ઉપાય, પિયુ પરદેશ રે...’ ગુણાતીત સ્વામી ઓસરીમાં બેઠા સાંભળતા હતા. પછી કહ્યું, ‘આ પણ મારા ગુરુ(નિષ્કુળાનંદ સ્વામી)નું અજ્ઞાન છે. આપણો પિયુ ક્યાં પરદેશ છે? આપણે ક્યાં પરોક્ષ છે? પ્રત્યક્ષ માનવા જોઈએ.’ જતા નથી રહ્યા. જ્યાં સુધી ભગવાન પરોક્ષ મનાય, ગયા જણાય છે, ‘મારું કંઈ જાણતા નથી’ એમ મનાય છે, ત્યાં સુધી અજ્ઞાન છે.

“લગની લાગે પછી તે વિના રહેવાય જ નહીં. ગ્રામ્યવાર્તા, છાપું વાંચવું ન ગમે. અખંડ એમાં જોડાઈ જાય. પછી ભગવાન અને સંતમાં હેત બંધાઈ જાય, અનુવૃત્તિ પળાય, સેવા-ભક્તિ થાય.

“બીજા અવતારો તો જતા રહ્યા, તેની તો વાત જ નથી. જેનું કર્યું થાય છે તે ભગવાન તો જતા જ નથી... મોટાપુરુષને ભગવાન અખંડ દેખાય. સંત દ્વારા અખંડ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪]

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬