પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૯

 

દોહા

એમ ઉત્સવ કરી હરિ, ફરી ફરી દિયે દરશન ।

અનેકને સુખ આપવા, અતિ પોતે છે પરસન ॥૧॥

મહા મનોહર મૂરતિ, અતિ સુખદ સહજાનંદ ।

સહુ જનને સામટું, જાણે આપું મારો આનંદ ॥૨॥

લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન ।

દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન ॥૩॥

ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જિયાં હર્યા ફર્યા હરિ આપ ।

પાવન થઈ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ ॥૪॥

ચોપાઈ

ધન્ય ધન્ય ઉત્તમ દરબાર રે, જિયાં પોતે રહ્યા કરી પ્યાર રે ।

રમ્યા ભમ્યા જમ્યા જિયાં નાથ રે, જમ્યો મહામુક્તનો જ્યાં સાથ રે ॥૫॥

ધન્ય ઓરડા ધન્ય ઓસરી રે, જિયાં હરિ બેઠા સભા કરી રે ।

દિયે દરશન પોતે પરબ્રહ્મ રે, જેને નેતિ નેતિ કે’ નિગમ રે ॥૬॥

એહ ભૂમિકાનાં મોટાં ભાગ્ય રે, નથી જાણજો એ કહ્યા લાગ્ય રે ।

ફળી ચોક વળી શું વખાણું રે, શ્વેતવૈકુંઠ સમ જાણું રે ॥૭॥

ચરણરજે ભર્યાં ભરપૂર રે, સ્પરશે રજ કરે દુઃખ દૂર રે ।

તિયાં પાપી તજે કોઈ પ્રાણ રે, તે પણ પામે પદ નિર્વાણ રે ॥૮॥

સોય અગ્ર1 સમાન અવની રે, નથી વણ સ્પરશ્યે પાવની રે ।

ધન્ય શેરી બજાર ને હાટ રે, ધન્ય ઉત્તમ ગંગાનો ઘાટ રે ॥૯॥

ધન્ય ગઢપુરનાં ઘર ફળી રે, ચરણ અંકિત ભૂમિ છે સઘળી રે ।

ધન્ય વાડી વૃક્ષની છાંય રે, હરિ સ્પર્શ વિના નથી કાંય રે ॥૧૦॥

ધન્ય ધન્ય નારાયણ હ્રદ2 રે, સહુ પ્રાણધારી સુખપ્રદ રે ।

ધન્ય સીમ ક્ષેત્ર વાવ્ય ખળાં રે, કર્યાં હરિએ પવિત્ર સઘળાં રે ॥૧૧॥

ધન્ય ઘેલા નદીના ઘાટ રે, કર્યા પંચ પવિત્ર ના’વા માટ રે ।

તિયાં જે જે જન આવી નાશે રે, તે તો અંતર બાહ્ય શુદ્ધ થાશે રે ॥૧૨॥

ના’શે નિરમળ જળ જેહ રે, પરમ ધામને પામશે તેહ રે ।

જિયાં ના’યા છે જગજીવન રે, એથી નથી નીર કોય પાવન રે ॥૧૩॥

પુરુષોત્તમ સ્પરશની જે વસ્તુ રે, ન મળે જ્યાં લગી ઉદે ને અસ્તુ રે ।

બહુ દેશ બહુ ગામ ઘર રે, કર્યાં સ્પરશી પવિત્ર સુંદર રે ॥૧૪॥

જિયાં જિયાં વિચર્યા વાલમ રે, કર્યાં ઘર તે વૈકુંઠ સમ રે ।

સ્પરશી જાગ્યે ત્યાગે કોય તન રે, જાય બ્રહ્મમો’લ તેહ જન રે ॥૧૫॥

એમ ધારી આવ્યા છે અવિનાશી રે, કરવા બહુને ધામના વાસી રે ।

નિજબળને પ્રતાપે કરી રે, બહુ જીવને તારે છે હરિ રે ॥૧૬॥

તેહ સારુ વિચરે વસુધાય રે, બીજો અર્થ નથી એને કાંય રે ।

અર્થ એ જ ઉદ્ધારવા પ્રાણી રે, આવ્યા શ્યામ એ કામે લિયો જાણી રે ॥૧૭॥

માટે જિયાં જિયાં હરિ રહ્યા રે, જે જે સ્થાનકે પોતે હરિ ગયા રે ।

તે તો સ્થાનક કલ્યાણકારી રે, જે જે જોયાં તે રાખવાં સંભારી રે ॥૧૮॥

એ છે દોયલા3 દનની દોલત્ય રે, સહુ માની લેજો વાત સત્ય રે ।

હરિને આગ્રહ છે આજ અતિ રે, કરાવવા પોતાની પ્રાપતિ રે ॥૧૯॥

એ જ અર્થ કરવો છે સિદ્ધ રે, જીવ તારવા છે બહુ વિદ્ધ4 રે ।

એહ સારુ આવ્યા છે આ વાર રે, તે તો નિશ્ચે જાણો નિરધાર રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનત્રિંશઃ પ્રકારઃ ॥૨૯॥

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬