પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૫

 

દોહા

વળતું વાલમે વિચારીયું, ઉત્સવ કરવા અનેક ।

સહુ જન મળે સામટા, સમઝાય સહુને વિવેક ॥૧॥

વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર ।

એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ॥૨॥

અખંડ રહેશે ઉત્સવ એહ, નથી એક બે વરસની વાત ।

માટે ઉપાય બીજો કરું, જેથી થાશે સહુ રળિયાત ॥૩॥

મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારું માંય ।

સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ॥૪॥

ચોપાઈ

જિયાં લગી દર્શન અમે દૈયે રે, વળી સમૈયે અમે આવિયે રે ।

પણ અવાય નહિ સમૈયે રે, દરશન વિના દાઝે જન હૈયે રે ॥૫॥

માટે મૂર્તિયો અતિ સારી રે, કરી મંદિર દિયો બેસારી રે ।

તેને પૂજે પ્રેમ વધારી રે, ત્યાગી ગૃહી વળી નરનારી રે ॥૬॥

એમ વાલમે કર્યો વિચાર રે, માંડ્યાં મંદિર કરવા તે વાર રે ।

અમદાવાદમાં કરાવી મંદિર રે, તિયાં બેસારિયા બેહુ વીર1 રે ॥૭॥

નર નારાયણ સુખરાશી રે, પધરાવી કરાવી ચોરાશી રે ।

જે જે દર્શન કરશે એનાં રે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાં રે ॥૮॥

દોહા

મંગલમૂર્તિ મહાપ્રભુ, શ્રીસહજાનંદ શ્યામ ।

સુખસાગર સંતાપ હરન, રટું નિરંતર નામ ॥૧॥

ગોવિંદને ગમતું સદા, ગામ વ્રતાલ વિશેષ ।

જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ॥૨॥

ચોપાઈ

વરતાલ મંદિર આદર્યું રે, તે તો સહુથી સરસ કર્યું રે ।

નવ મંદિર2 સુંદર સારાં રે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાં રે ॥૯॥

પૂરવ દિશાનાં મંદિર ત્રણ રે, માંય મૂર્તિઓ મન હરણ રે ।

લક્ષ્મીનારાયણ જાણો જોડ્ય રે, એતો બેસાર્યા શ્રીરણછોડ રે ॥૧૦॥

ઉત્તર મંદિરે ધર્મ ભગતિ રે, પાસે પોતાની મૂરતિ3 રે ।

દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણ રે, જોઈ જન મન થાય પ્રશ્ન4 રે ॥૧૧॥

વળી પોતાની મૂર્તિ5 બેસારી રે, તે તો સહુથી છે બહુ સારી રે ।

એહ મૂર્તિ મંગળ રૂપ રે, સહુ જનને સુખ સ્વરૂપ રે ॥૧૨॥

વસ્યા આવી વરતાલ ગામ રે, ધર્મનંદને કર્યું નિજધામ રે ।

તિયાં વર્ષોવરષ આવે જન રે, આવે ઉત્સવે કરે દરશન રે ॥૧૩॥

ઉત્સવ વિના પણ આડે દિને રે, આવે અનેક જન દરશને રે ।

જે જે દરશન કરે કોય દાસ રે, તે તો પામે બ્રહ્મમો’લે વાસ રે ॥૧૪॥

એવું ધાર્યું છે ધર્મનંદને રે, તેની કોણ કરે કહો મને6 રે ।

જેનો હુકમ પાછો ન ફરે રે, તે તો જેમ ધારે તેમ કરે રે ॥૧૫॥

આજ મહારાજે ધાર્યું છે એમ રે, કેનું ફેરવ્યું ફરશે કેમ રે ।

માટે એ વાટે કલ્યાણ જાણો રે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણો રે ॥૧૬॥

નથી વાત આ વડાઈ સારુ રે, સાચી લખતાં શીદ શંકા ધારું રે ।

માટે બહુ રીતે તારવા કાજ રે, આજ આવ્યા છે પોતે મહારાજ રે ॥૧૭॥

તાર્યા આવીને જીવ અનેક રે, વરતાલે તો વાળ્યો વશેક7 રે ।

જોયા ઉત્સવ સમૈયા જેણે રે, કરી લીધું છે કારજ તેણે રે ॥૧૮॥

જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે ।

કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે ॥૧૯॥

એનું ફળ છે અક્ષરધામ રે, પામી થાશે તે પૂરણકામ રે ।

એ તો વાત છે સાચી સઘળી રે, શ્રીમુખથી મેં જો સાંભળી રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચવિંશઃ પ્રકારઃ ॥૨૫॥

 

 

નિરૂપણ

જ્ઞાનનો ચમત્કાર ઇચ્છવો

તા. ૨૭મીએ સવારે ‘પુરુષોત્તમ પ્રકાશ’ પ્રકાર: ૨૫મો નિરૂપતાં કહ્યું:

“બીજા અવતારોનું ભજન પાછળથી થયું. તેમને તે વખતે બધાએ રાજા ગણી કાઢ્યા. શ્રીકૃષ્ણને દ્વારિકામાં રાજા જ ગણ્યા. શ્રીજીમહારાજે તો પોતાની હયાતીમાં જ પોતાની મૂર્તિ પધરાવી અને પોતાનું ભજન કરાવ્યું.

“જૂનાગઢમાં વૈશાખ વદ બીજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવી હતી. વેદિયા બ્રાહ્મણ કહે, ‘૫૦૦ કાચી ઈંટો જોઈશે.’ કાચી ઈંટો તો હાજર હતી નહીં. નવી કરે તો આઠ દી’એ સુકાય. સ્વામીએ ઐશ્વર્ય વાપર્યું. બીબાંમાં ગારો નાખી પછી ઘડીક વારમાં જ્યાં ઉપાડે ત્યાં તો ઈંટ ખાખરા જેવી થઈ જાય. સ્વામીએ સૂર્યનારાયણ અને શેષનારાયણને આજ્ઞા કરી હતી. ઉપરથી સૂર્યનારાયણ સૂકવે અને નીચેથી શેષનારાયણ ફૂંક મારે. કૃષ્ણજી અદા કહેતા કે, ‘હું પાસે હતો. ઈંટ મેં જોયેલી, દેવતાઓ સ્વામીની આજ્ઞામાં હતા.’ સ્વામીને મહારાજમાં એટલી બધી શ્રદ્ધા હતી, મહારાજની ફૂંકે પર્વત ફાટે. હજારોને મૂર્તિમાં ખેંચી લ્યે, તેવું તેમની મૂર્તિમાં આકર્ષણ હતું.”

પછી કોઈએ પૂછ્યું, “બાપા! આપ ચમત્કાર બતાવો.”

ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “આ છે તે સારું છે, નભાય છે, નહિ તો પડાપડી કરે, પાડી દ્યે! અત્યારે કાંઈ નથી તોય પડાપડી કરે છે. આપણે જ્ઞાનનો ચમત્કાર ઇચ્છવો.”

પછી કહે, “શાસ્ત્રીજી મહારાજ હજારોને ખેંચતા. તો અત્યારે કેટલો સત્સંગ થયો! પહેલાં સ્વામી પોટલું ઉપાડીને ચાલતા. તેઓ તો સંકલ્પે મોટર ઉતારે તેવા હતા. પણ એવા ચમત્કાર નહોતા કરતા. જેમને બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તેવા સ્વામી જાતે છાણાં થાપતા. બીજા કોઈને ઐશ્વર્ય આપ્યું હોય તો ઝાલ્યો રહે?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪]

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ પ્રકારઃ ૪૨ ♬ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬