પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૭

 

દોહા

વરણવી વાત વરતાલની, કોટિ ઘણીમાંથી કિંચિત ।

ગાઉં રીતિ ગઢડા તણી, જિયાં ઉદ્ધારિયા અગણિત ॥૧॥

ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ ।

અનંત જીવ ઉદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ॥૨॥

પાપી સુરાપી1 પલલભક્ષી,2 લખી ન જાયે અવળાઈ લેશ ।

એવા જન ઉદ્ધારિયા, આપી આપે ઉપદેશ ॥૩॥

વળી ઉત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જે જે જન ।

તે જનને પણ તારિયા, દઈ પોતે દરશન ॥૪॥

ચોપાઈ

કર્યા ઉત્સવ અતિ અપાર રે, જગજીવન જગ આધાર રે ।

અષ્ટમી અન્નકોટ ઉત્સવ રે, કર્યા ભવજળ [બૌજન] તારવા ભવ રે ॥૫॥

વસંતપંચમી ને ફૂલદોલ રે, તે દી રંગ ઉડાડ્યો અતોલ રે ।

રામનૌમી એકાદશી આદિ રે, તે દી લીલા કરી રાયજાદી રે ॥૬॥

અષ્ટમી ઉત્સવે આવ્યા દાસ રે, રાખ્યા ચોમાસાના ચાર માસ રે ।

નિત્ય ના’વા જાતા સંત સાથ રે, જન જોઈને થાતા સનાથ રે ॥૭॥

ના’તા નૌતમ કરતા લીલા રે, ભળી વળી પોતે સંત ભેળા રે ।

ગાતા વાતા આવતા ઉતારે રે, જન જમાડતા તેહ વારે રે ॥૮॥

જમી આપે જમાડતા જન રે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજન રે ।

દેતા દહીં દૂધ તે દોવટે રે, સારા શોભતા સોનેરી પટે રે ॥૯॥

બહુવાર પંગત્યમાં ફરતા રે, એમ અષ્ટમી ઉત્સવ કરતા રે ।

અન્નકોટ ઉપર આવે દાસ રે, તેને ઊઠી મળે અવિનાશ રે ॥૧૦॥

હાર ઉતારી હૈયેથી દિયે રે, જન નમાવી મસ્તક લિયે રે ।

પછી પુછે સુખ સમાચાર રે, એમ આપે સુખ અપાર રે ॥૧૧॥

પછી અનેક ભાત્યનાં અન્ન રે, કરી રાખ્યાં જે ભરી ભાજન3 રે ।

તે તો પંક્તિ કરી પીરસ્યાં રે, જમી જન મનમાં હૂલસ્યાં રે ॥૧૨॥

નિજ હાથે જમાડે છે નાથ રે, મૂકી જન માથે હરિ હાથ રે ।

એમ આપે છે સુખ અલેખે રે, તે તો નર અમર સૌ દેખે રે ॥૧૩॥

એહ ઉત્સવમાં હતા જનરે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્ય રે ।

પણ એમાં તો ન હોય ભેળા રે, કેડે સાંભળી જેણે એ લીલા રે ॥૧૪॥

તે તો બ્રહ્મમો’લે ભલી ભાત્ય રે, જાશે બીજાને લઈ સંગાત્ય રે ।

તેમાં સંશે કરશો મા કાંઈ રે, હરિએ ઇચ્છા કરી ઉરમાંઈ રે ॥૧૫॥

વળી વસંત પંચમીએ વાલે રે, બહુ સખા રંગ્યા’તા ગુલાલે રે ।

પોતે ભરી ગુલાલની ઝોળી રે, નાંખી રંગ્યા હતા સંત ટોળી રે ॥૧૬॥

એહ સમો સંભારે જે જન રે, વળી સાંભળી કરે ચિંતવન રે ।

તેને અક્ષરધામનું બાર રે, જાણો ઉઘડિયું છે આ વાર રે ॥૧૭॥

શીદ શંકા રાખે જન મન રે, મળ્યે સહજાનંદ ભગવન રે ।

આજ બહુ જીવ તારવા સારુ રે, કર્યા અલબેલે ઉપાય હજારું રે ॥૧૮॥

જીવ જોરેશું જાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે ।

હશે જીવને જાવાનું બીજે રે, પણ જાવું પડશે રીઝે ખીજે રે ॥૧૯॥

એમાં નહિ પડે કેણે ફેર રે, શીદ કહેવરાવો વેરવેર રે ।

હરિ પ્રતાપે બ્રહ્મમો’લમાં રે, જાવા આવી ગયા છે તોલમાં4 રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તવિંશઃ પ્રકારઃ ॥૨૭॥

 

 

નિરૂપણ

દેહ પોઠિયો છે, તેને સેવામાં ઘસડવો

તા. ૨૯મીએ વહેલી સવારે ‘પુરુષોત્તમ પ્રકાશ’માંથી પ્રકાર: ૨૭ થી ૩૨ સમજાવતા કહ્યું:

“મહારાજે સમૈયા કર્યા. સંતોને જમાડ્યા, રમાડ્યા, ગુલાલ નાખ્યા... મહારાજ પાંચ વાર પંગતમાં ફરે અને સંતો થાકી જાય તેટલું પીરસે. એક-બે નહીં પણ હજારો માણસને જમાડવાના હોય. અડધા માઈલની પંગત હોય, તે પીરસતાં મહારાજની કેડ નહીં દુઃખતી હોય? પણ હરિભક્તોને રાજી કરવા પીરસે. શાસ્ત્રીજી મહારાજ પણ ગાતરિયું આડસોડ નાખી પીરસવા નીકળે. એ સંભારવું. તો બેડો પાર! ‘જીવને જાવું હશે બીજે તીજે રે..., તોય જાવું પડશે રીઝે ખીજે રે.’ ખેંચીને ધામમાં મૂકી દેશે - પલેનમાં મૂકી દે એમ!

‘કરું ઉપાય હેવ એહનો, ડોળી દેશ વિદેશજી;

કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આ શીશજી.’

“આવો ઇશક રાખવો. હું સાજો હતો. ત્યારે રાતના ૧૨-૦૦ સુધી વાત કરતો. અત્યારે મને આરામમાં નાખ્યો છે, પણ મારું મન કથાવાર્તામાં છે. ૪૩૦ વાગે ઊઠીને કંઈ જ્ઞાન આપવું – એમ ઇચ્છા રહે છે. તમે મને આરામ આપો છો, પણ હું વહેલો ઊઠી જ્ઞાન આપું છું.

“હું સ્વામી સાથે તેર વરસ ફર્યો, પણ જ્યાં દીવો ત્યાં દાતણ નહીં... આ દેહ પોઠિયો છે. તેને જો સેવામાં ન ઘસડીએ તો આપણા પર ચઢી જાય. માટે ખાવાનો, સૂવાનો અને વ્યવહારનો સંકોચ રાખવો. દેહાભિમાનમાં જ્ઞાન ન વધે. મનમોજી કથામાં બેસતા નથી.

“શાસ્ત્રીજી મહારાજની પૂજા મેં વીસ વરસ પાથરી. હું ૩-૦૦ વાગે ઊઠીને મારી દેહક્રિયા કરી બેસી જાઉં. પાણીનો કટોરો તૈયાર કરું. પછી ચંદન ઘસીને સ્વામીને તિલક કરાવું. ત્યાંથી ખસીએ નહીં. પૂજા સુધી કંઈ કામકાજ ન કરીએ, તો મને સુખ આવ્યું. સૂઈ રહ્યો હોત તો દેહનું સુખ આવત, પણ મોક્ષનું સુખ ન આવત. મહારાજ વાત કરતા ત્યારે કોઈ ખસતા નહીં. ખપની વાત જુદી છે... (ચાલુ - પ્રકારઃ ૩૨)

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪]

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ પ્રકારઃ ૪૨ ♬ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬