પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૫૦

 

દોહા

પુરુષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ ।

અનેક જીવ ઉદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ॥૧॥

થોડાક દનમાં સ્થાવર1 જંગમ,2 તારિયા જીવ તતકાળ ।

કળ3 ન પડી કોઈને, એવું કરિયું દીન દયાળ ॥૨॥

અનેક જીવને ઉપરે, અઢળ ઢળ્યા અવિનાશ ।

જગજાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ॥૩॥

અણ ચિંતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ ।

ખબર ન પડી ષટ મતને,4 એવો ખેલી ગયા એક ખેલ ॥૪॥

ચોપાઈ

સૌ શાણા5 રહ્યા છે વિચારી રે, આ તો વાત થઈ વણધારી6 રે ।

એણે ઠીક કર્યું’તું ઠરાવી રે, એ તો સમજણ અર્થ ન આવી રે ॥૫॥

જોઈ રહ્યા’તા જૂજવી વાટ રે, તે તો વાત ન બેઠી કોઈ ઘાટ રે ।

કોઈ કે’તા હરિ થઈ ગયા રે, થાશે હવે કે’ છે બીજા રહ્યા રે ॥૬॥

કોઈ કે’તા છે કળિનું રાજ રે, પ્રભુ ન હોય પ્રગટ આજ રે ।

જોગી કે’તા જોગકળા પખી રે, નથી કલ્યાણ રાખ્યું છે લખી રે ॥૭॥

જૈન કે’તા પાંચમો છે આરો7 રે, આજ નોય કલ્યાણનો વારો રે ।

કે’તા તપી તપ્યા વિના તન રે, ક્યાંથી કલ્યાણ જાણજો જન રે ॥૮॥

કે’તા સંન્યાસી સર્વે નાશ થાય રે, તારે જનમ મરણ તાપ જાય રે ।

કે’તા પંડિત એમ પુરાણી રે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણી રે ॥૯॥

જંગમ8 કે’તા છે અગમ વાત રે, આજ નોયે પ્રભુ સાક્ષાત રે ।

શેખ કે’તા છે તેરમી સિદ્ધિ રે, આજ પામે મુકામ9 કોણ વિદ્ધિ10 રે ॥૧૦॥

ભક્ત કે’તા ભક્તિ કર્યા વોણું રે, શીદ કરો કલ્યાણનું વગોણું રે ।

કે’તા વેદાંતિ વણ જાણે બ્રહ્મ રે, શાને કરો છો ઠાલો પરિશ્રમ રે ॥૧૧॥

કે’તા મારગી નકલંક થાશે રે, કુડિયા કપટિ ઘાણે ઘલાશે રે ।

કે’તા પ્રણામી રાજ્ય સખી પખી રે, નહિ પામે ધામ નવી સખી રે ॥૧૨॥

કે’તા ગોસ્વામિના11 સહુ એમ રે, સમાશ્રય વિના તરે કેમ રે ।

રામાનુજના કે’તા એહ રીત રે, જીવ તરશે ચકરાંકિત12 રે ॥૧૩॥

વામી કે’તા કલ્યાણ છે તારે રે, માનો મળવે પંચ મકારે13 રે ।

ભેખધારી કે’તા વણ ભેખે રે, તર્યા ના’વ્યા નજરે કોઈ દેખે રે ॥૧૪॥

તુરક14 કે’તા આવશે આખરી15 રે, તેદિ ઉદ્ધારશે કજા16 કરી રે ।

એમ બહુ પ્રકારે બહુ બહુ રે, વાટ જોઈ રહ્યા’તા સહુ રે ॥૧૫॥

પણ કોઈનું ધાર્યું ન રહ્યું રે, વણ ધારે વચ્ચે બીજું થયું રે ।

એવો લીધો અલૌકિક અવતાર રે, સહુના ધાર્યા-વિચાર્યાથી બા’ર રે ॥૧૬॥

બહુ રહ્યા સહુ વાટ જોતા રે, પીર મુરીદ17 ગુરુ શિષ્ય સોતા રે ।

અણચિંતવી આનંદ એ’લી રે, થઈ અમૃતરસ ચાલ્યો રેલી રે ॥૧૭॥

તેમાં પડ્યા સાકરના કરા રે, વરસ્યા મોતીડાંના મેઘ ખરા રે ।

ભાંગી સરવે ભૂખ્યાની ભૂખ રે, કર્યું દૂર દારિદ્ર્ય દુઃખ રે ॥૧૮॥

આપે આવી ગયા અણધાર રે, જન ઉદ્ધારવા આણી વાર રે ।

અકળ કળા એની ન કળાણી રે, ડાહ્યા શ્યાણાને રહી અજાણી રે ॥૧૯॥

ન પડી ગમ રહ્યા ગમ ખાઈ રે, ના’વી વાત મતિના મત માંઈ રે ।

અગમ અપાર કા’વે અકળ રે, કહો કેને પડે એની કળ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચાશત્તમઃ પ્રકારઃ ॥૫૦॥

 

 

નિરૂપણ

મહારાજે પ્રગટ થઈ અમૃતની હેલી કરી દીધી

બીજે દિવસે વહેલી સવારે ‘પુરુષોત્તમ પ્રકાશ’નો ૫૦મો પ્રકાર સમજાવતાં ખૂબ ભાવમાં આવી બોલ્યા:

“પુરુષોત્તમ નારાયણ અઢળક ઢળ્યા. કોઈ દી’ જીવથી અક્ષરધામમાં જઈ ન શકાય, તે પોતાની શક્તિ વાપરી જીવોને અક્ષરધામમાં લઈ ગયા. દુનિયાના ફાંસલામાંથી જીવોને છોડાવ્યા. પારધી જાળ નાખે તેમાંથી કોઈ પક્ષી નીકળી ન શકે. મહારાજે આ જગજાળામાંથી જીવોને છોડાવ્યા.

“શાસ્ત્રીજી મહારાજ આ પચાસનું પ્રકરણ બધાને મોઢે કરાવતા. અમે બધાએ મોઢે કર્યું હતું.

“તાપ તપતો હોય, કાળું વાદળ ન હોય ત્યાં વરસાદ હોય? પણ શ્રીજીમહારાજ પ્રગટ થઈ ગયા અને અમૃત વરસાવી હેલી કરી દીધી. તેમાં વળી સાકરના ગાંગડા પડ્યા. બધા વીણવા જ મંડી પડ્યા. વળી, વરસાદ સાચા મોતીનો પડ્યો. એક એક મોતી લાખ લાખ રૂપિયાનું! મોતીનો વરસાદ વરસે ત્યારે કોઈ ભૂખ્યો રહે? વટાવી ખાય. પેટ ભરી જ લે. કોઈની નોકરી કરવી ન પડે.

“જીવોને તારવા શ્રીજીમહારાજ અણધાર્યા આવી ગયા. લાખો જીવોને તાર્યા. તેમની અકળ કળા ન કળાણી. ડાહ્યા, શિયાણા બુદ્ધિશાળી રાજાઓ રહી ગયા અને આપણું કામ થઈ ગયું. નાનાનું કામ થઈ ગયું. ખિસ્સામાં સોનામહોર ભરાઈ ગઈ. તેની ખબરેય ન પડી. આપણે લીધી નથી ને આ ક્યાંથી ખિસ્સો ભરાઈ ગયો? એવું થયું. અગમ-અપારની કળ કેમ ખબર પડે?

“જેમ મહાસાગરમાં પૂર આવે તે ગારો કાઢી નાખે; તેમ જગતમાં કળિયુગનો મેલ હતો, તે મહારાજ પધાર્યા ને ધોધમાર વરસ્યા ને મેલ કાઢી નાખ્યો. ઝપાટાબંધ કામ કરી નાખ્યાં. મરતી મરતી કાન હલાવે તેમ નહીં.

“આ સભામાં જે આવ્યા તેને નિર્દોષ કરીને ધામમાં લઈ ગયા. રજેરજ પૃથ્વી ફર્યા વિના ન રહેવા દીધી. અહીં સીધા (ગુજરાતમાં) આવ્યા હોત તો? પણ વનના જીવોને પાવન કરવા, નવલાખ સિદ્ધોને પાવન કરવા બધે વિચર્યા. ચરણ-અંકિત પૃથ્વી થઈ ગઈ. ‘હું સનાથ થઈ ગઈ’ એમ પૃથ્વી માને. ચંદ્ર, ઇન્દ્ર, તારા – બધાને બ્રહ્મમહોલ જવા નીસરણી કરી દીધી.

“વરસાદ કોઈ અંતરાય રાખ્યા વિના વરસે છે, તેમ ઘનશ્યામ વરસ્યા... ‘કોઈ બી આવ! કોઈ બી આવ!’ (કોઈ પણ આવો) એમ કલ્યાણના ભંડાર ખોલી દીધા.

‘વાહ, નિષ્કુળાનંદ સ્વામી! વાહ, નિષ્કુળાનંદ સ્વામી! એક શબ્દ તમે મોળો મૂક્યો નથી. ઢગલા મોઢે, તોલ્યા વગરનાં સુખ આપ્યાં, ઉધારાની વાત નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪]

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬