પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૫

 

દોહા

જગજીવન જગ કારણે, પોતે પ્રગટિયા પરબ્રહ્મ ।

સુખદાયક જન સહુના, પૂરણ પુરુષોત્તમ ॥૧॥

સુંદર મૂર્તિ સોયામણિ, અતિ રૂપાળી રંગરેલ ।

મનભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ ॥૨॥

એવી મૂર્તિ અવલોકિને, કહો કોણ ન કરે પ્રીત ।

જન જુવે જે ઝાંખી કરી, તેનું ચોરાઈ જાય ચિત્ત ॥૩॥

જે જે ક્રિયા જગદીશ કરે, જન ધરે તેનું ધ્યાન ।

તે તે જાય હરિ ધામમાં, નકી વાત નિદાન ॥૪॥

ચોપાઈ

જે જે રીતે જોયા જગપતિ રે, તે તે પામિયા પરમ પ્રાપતિ રે ।

સુતાં જાગતાં દાતણ કરતાં રે, તેલ ફુલેલ અત્તર ચોળતાં રે ॥૫॥

ના’તાં અંગે અંબર પે’રતાં રે, વળી ચાખડી પર ચડતાં રે ।

શ્વેત પછેડી અંગે ઓઢતાં રે, દીઠા જીવન જેણે જમતાં રે ॥૬॥

જમ્યા જે જાયગા જેને ઘેર રે, શાક પાક સુંદર સારી પેર રે ।

લેહ્ય1 ચોષ્ય2 ભક્ષ્ય3 ભોજન રે, દીઠા જમતા જેણે જીવન રે ॥૭॥

એવી મૂર્તિ જે જને જોઈ રે, પામ્યા પરમ ધામને સોઈ રે ।

જોયા જીવનને પૂજ્યા જને રે, કુંકુમ કસ્તુરી સુગંધી ચંદને રે ॥૮॥

અંગે દિગંબર વાઘાંબર રે, મૃગાજિન4 ને દીઠાં ટાટાંબર5 રે ।

ગોદડી ને ચાદર ચોફાળ રે, દીઠાં ઓઢેલે દીનદયાળ રે ॥૯॥

ધોતી ગૂડકી6 ગૂઢે રંગે રેંટે7 રે, કસી8 કમર દુશાલ9 ફેંટે રે ।

અંગરખી સુરવાળ જામે રે, જોઈ કૈક ગયા હરિધામે રે ॥૧૦॥

ડગલી સોનેરી રૂપેરિયે રે, કિનખાપની હૈયે ધારિયે રે ।

ડગલી જરીની બોર કસુંબાવાળી રે, ચકમો10 પટુપામરી11 રૂપાળી રે ॥૧૧॥

બોરી ચોફાળ શાલ દુશાલે રે, ડગલી ગર્મ પોસની રૂમાલે રે ।

પાઘ કસુંબી સોનેરી સારી રે, બાંધી બોકાની લિયે ઉર ધારી રે ॥૧૨॥

મુગટ કુંડળ મનમાં ધારે રે, ટોપી કેવડા ફૂલની સંભારે રે ।

ગુંજાહાર12 જોયા કરી હામે રે, તે તો જન ગયા હરિધામે રે ॥૧૩॥

તોરા ગજરા ને કંકણ13 રે, હાર ફૂલના જોયા અનગણ14 રે ।

મોતી પરવાળાં ને કપૂર રે, તેના અતિ શોભે હાર ઉર રે ॥૧૪॥

વેઢ વીંટી ને કડાં સોનાને રે, ખોશ્યાં ફૂલ સોનાનાં બે કાને રે ।

એહ આદિ આભૂષણ ભારી રે, ધર્યાં અંગે એવી છબી ધારી રે ॥૧૫॥

જેહ જન કરે છે ચિંતવન રે, તે થાય છે પરમ પાવન રે ।

બેઠા ખાટ પાટ ને પલંગે રે, જોયા ખુરસી ઢોલિયે ઉમંગે રે ॥૧૬॥

સાંગામાંચી15 ગાદી ચાકળે રે, મેડે મંચે આસન સઘળે રે ।

ગોખવાણ વંડી દેવોલે રે, કુબા ઘર મેડી આદિ બોલે રે ॥૧૭॥

મંદિર મંડપ દલિચા ચાદરે રે, તંબુ રાવટિયે બહુ વેરે રે ।

અટારી અગાશી ઓટે આંગણે રે, દીઠા તિયાં બેઠા ભાવ ઘણે રે ॥૧૮॥

ગાડી વે’લ્ય આદિ જે વાહન રે, ગજ બાજે બેઠા જોયા જન રે ।

તે જન જાશે બ્રહ્મમો’લ માંઈ રે, તેમાં સંશય કરશો માં કાંઈ રે ॥૧૯॥

એમ શ્રીમુખે કહ્યું તે સંભારી રે, વાત લખી છે સારી વિચારી રે ।

તે તો જૂઠી નથી જરાભાર રે, સહુ નિશ્ચે જાણો નિરધાર રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચદશઃ પ્રકારઃ ॥૧૫॥

 

 

નિરૂપણ

પછી પુરુષોત્તમ પ્રકાશ નિરૂપતાં કહે, “સ્વામી કહે છે કે મહારાજ વંડી ઉપર પણ બેસતા. એમાં સ્વાદ કેવો આવતો હશે? પણ બધાને સ્મૃતિ રહે તે માટે બેઠા. સંતો-હરિભક્તોને ખૂબ જમાડતા. તે ખાવા માટે નહીં પણ સ્મૃતિ થાય તે માટે. દહીંનાં દોણાં સંતો ઉપર ઢોળે. સંતો સ્મૃતિ કરે. જ્ઞાન કરું તે કોઈને ન સાંભરે. આવી લીલા કરે તો સૌ સાંભરે.

“મહારાજને સંભારીએ તો વ્યવહાર સુધરે. સંભારવા એ જ આપણી સંપત્તિ છે. તેથી દુઃખમાત્ર ટળી જાય. વૃદ્ધિ પામવા માટે સમર્તિ. આ ચિંતવનથી અક્ષરધામમાં જવાય.

“નકરા મહારાજને સંભારવા એમ નહીં, પણ સ્વામી કહે છે કે અમનેય સંભારવા. ભક્તે સહિત ભગવાનને સંભારવા... મહારાજે કલ્યાણ સોંઘું કર્યું. કોઈ કોદરા સાટે કલ્યાણ કરે - એવું સોંઘું કર્યું.

“કોનો સંબંધ થયો! શાસ્ત્રીજી મહારાજનો! એમનો મહિમા વિચારીએ તો કેફ આવે. નહીં તો જતો રહે. હેત, કેફ, સદ્‌ભાવ મોળાં ન પડવાં જોઈએ.

“એક વાર મહારાજ કારિયાણીમાં હતા. તે વખતે મૂળા ઝાઝા આવેલા. દરેક સંતને જો હાથોહાથ દેવા જાય તો પહોંચાય નહીં. તેથી મહારાજે મૂળા ઉડાડ્યા. મર્યાદી સાધુઓ પણ પ્રસાદીના મૂળા લેવા ધોડ્યા. મુક્તાનંદ સ્વામી પણ ધોડીને લેવા ગયા. તેમણેય મર્યાદા તોડી. ઉમંગ હોય તેને પ્રસાદી મળે.”

આજે ઠાકોરજી જમાડતાં કહે, “શાસ્ત્રીજી મહારાજ કહેતા, ‘ઝોલાં ખાવામાં આ અમારા જોગી એક જ.’ ગોડામાં હું ઝોલાં ખાતો ત્યારે સ્વામીને ભટકાતો. માથું ભટકાય. સ્વામી કાંઈ બોલે નહીં.

“નિર્ગુણ સ્વામી ધખે, ‘હે...ઈ જોગી! ઝોલાં ખાય છે!’”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪]

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬