વચન વિધિ

કડવું – ૫૨

વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી1

જેને પેરવો છે પરનરનો ચૂડોજી,2 તે તો કે’શે આ કવિ કાલૂડોજી3

કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ ॥

દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ ॥૨॥

એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી ॥

વચનદ્રોહીપણું દૃઢ કરી, હરિ કોઈ ભજતા નથી ॥૩॥

હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને ॥

સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને ॥૪॥

વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને ॥

સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને ॥૫॥

જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર ॥

તે ધામને પામશે, વામશે સરવે વિકાર ॥૬॥

અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ ॥

છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ॥૭॥

પૂરણ સુખને પામવા, એટલું તો ધારવું ઉર ॥

નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર ॥૮॥

 

પદ – ૧૩

રાગ: ધોળ (‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના’ એ ઢાળ)

જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે;

જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ4 રે… જરૂર૦ ૧

અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે;

જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે… જરૂર૦ ૨

આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે;

શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ5 રે… જરૂર૦ ૩

મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે;

તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે… જરૂર૦ ૪

પૂરણ સુખને જ્યારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે;

સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે… જરૂર૦ ૫

ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જ્યાન રે;

માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે… જરૂર૦ ૬

લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ6 રે;

સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે… જરૂર૦ ૭

સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે;

નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ7 રે… જરૂર૦ ૮

દોહા

આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ8

પણ હબશી9 મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ ॥૧॥

દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર10 પર રોષ ॥

જેમ છે તેમ દેખાડિયું, ગ્રંથ દર્પણનો શો દોષ ॥૨॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ વચનવિધિઃ સંપૂર્ણઃ ।

 

વચનવિધિઃ સમાપ્તઃ

કડવું 🏠 home