વચન વિધિ

કડવું – ૧૬

વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને મારીજી

પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો વિભીષણને પાટે1 બેસારીજી

પાટે બેસારી વે’લા આવજો, વિસારશો મા એહ વચનને ॥

વળી વારું2 છું તમને, બેસશો મા રાવણ આસને ॥૨॥

પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણની રિદ્ધિ3 અતિ ॥

ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઈ મતિ ॥૩॥

ત્યાં તો સુણ્યું નગારું સેનનું,4 શ્રીરામનું શ્રવણે કરી ॥

કહે કેનું નગારું એ કોણ છે, મારી કાઢો એ સેના પરી ॥૪॥

એમ વચન વિસારતાં, મતિ રતી પણ નવ રઈ ॥

પછી આસનથી ઊતર્યા, ત્યારે ભારે અતિ ભોંઠપ5 થઈ ॥૫॥

વળી અયોધ્યાની વારતા, રામે કહ્યું રામાનુજને ॥

આવવા મા દેશો અમ પાસળે, વળી પૂછ્યા વિના મુજને ॥૬॥

અણ પૂછ્યે દીધી આગન્યા, દુર્વાસાને દર્શન તણી ॥

તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જ્યારે મુનિસભા ભણી ॥૭॥

ત્યારે ઋષિ કહે વચનદ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી ॥

નિષ્કુળાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી ॥૮॥

 

પદ – ૪

રાગ: ધોળ (‘આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ)

સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે;

સંતો જ્યાં જ્યાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે. સંતો૦ ॥૧॥

સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઈ ઉન્મત્ત રે;

સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઈ જાયે ખત6 રે. સંતો૦ ॥૨॥

કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટિયાર7 રે;

રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે. સંતો૦ ॥૩॥

એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે;

નિષ્કુળાનંદ તેને નીરખતાં, સંત ન માને સુખ રે. સંતો૦ ॥૪॥

કડવું 🏠 home