વચન વિધિ

કડવું – ૨૭

સાચા સંત જાણો જગતમાં થોડાજી, બીજા બહુ ઘરોઘર ફરે માથાફોડાજી

જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી,1 તોય નથી લાજતા પ્રજાપતિ ઘરઘોડાજી2

ઘોડા પ્રજાપત ઘરના, ખાયે ખતા3 ખણુંખણું4 એ ઘણા ॥

એવા સાધુ કે’વાય છે સંસારમાં, અતિ લબાડ લજામણા ॥૨॥

ખાનપાનને રહે ખોળતા, ત્રિયા ધનને તાકે ઘણું ॥

માળા તિલક ને મુદ્રા એની, ધારે છે ધીરવવાપણું5 ॥૩॥

વેષ ઉપદેશ વારતા, કરે સાચા સંતના સરખી ॥

પણ ભરી ભૂંડાઈ ભીંતરે, તે તો કોણે પણ નવ્ય પરખી ॥૪॥

ફેલમાં બહુ ફશી રહ્યા, વ્યસની ને વળી વટાળ6 ઘણો ॥

તીર્થ વ્રત નિયમ ન માને, કરે દ્રોહ તે ધર્મતણો ॥૫॥

એવા સાધુ થઈ સંસારમાં, પૂજાય છે પાપી મળી ॥

પ્રભુની બાંધી મરજાદને, ત્રોડવા છે ત્યાર વળી ॥૬॥

એવા સાધુને સેવતાં, પુણ્ય પૂર્વનાં પરજળે7

આપે ખોટ્ય મોટી અતિ, જે જનને એવા મળે ॥૭॥

ગદ્ધા ધોળા ઘોળ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય ॥

નિષ્કુળાનંદ ગાય પૂજીએ, પણ ખર8 ખરા ન પૂજાય ॥૮॥

કડવું 🏠 home