વચન વિધિ

કડવું – ૪

માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી

તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી1

સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ॥

ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ ॥૨॥

મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ ॥

તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ ॥૩॥

પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર ॥

આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ॥૪॥

સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ

રાજી કરવાનું રહ્યું પરું,2 પણ કરાવિયે નહિ હરિને કોપ ॥૫॥

મોટપ્ય માનવી કેમ મળે, વાઢી3 કાઢે વચનનાં મૂળ ॥

સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ4 ॥૬॥

અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી ॥

પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી5 ॥૭॥

વસી નગર નરેશને, વેર વાવરે નરનાથશું6

નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું ॥૮॥

 

પદ – ૧

રાગ: જકડી (‘વચન લોપી જાણે સુખ લેશું રે’ એ ઢાળ)

નહિ પામે પામર નર સુખ રે,

  રહી હરિવચનથી વિમુખ રે… નહિ૦ ટેક.

સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે;

  થઈ રહી વા’લાના વેચાણ રે… નહિ૦ ॥૧॥

કર્યું ધ્વજપટ7 ઘટ8 મન રે, વળે જેમ વાળે છે પવન રે;

  એમ માને વાલાનાં વચન રે… નહિ૦ ॥૨॥

જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે;

  તેને શીદને આવે સંકટ રે… નહિ૦ ॥૩॥

એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે;

  નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે… નહિ૦ ॥૪॥

કડવું 🏠 home