વચન વિધિ

કડવું – ૨૦

જો જો આ જગતમાં જીવનાં સુખજી, દેહ પરજંત1 ભોગવે છે દુઃખજી

અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન જાણજો હતા હરિથી વિમુખજી

હરિ વિમુખની વારતા, સાંભળો તો સર્વે કઉં ॥

નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં ॥૨॥

જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન ॥

તે તો નર બધિર2 થયા, એહ દંડ દીધો ભગવાન ॥૩॥

જન્માંતરે હરિ હરિજનનું, રૂપ ન જોયું નયણે ॥

તેણે કરી થયા આંધળા, હવે સૂઝે નહિ દિન રેયણે3 ॥૪॥

જિહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઈ ॥

તે જન માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ ॥૫॥

જે જને હરિકથા સાંભળી, કાઢી દેશી કાલું કાલું કથી ॥

તે જન થયા તોતળા, હવે બોલી સમઝાતી નથી ॥૬॥

લૂલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ ॥

તે તો પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ ॥૭॥

એહ દંડ જાણો દૈવનો, ભોગવે છે વિમુખ વળી ॥

નિષ્કુળાનંદ ન લોપિયે, હરિવચન આવું સાંભળી ॥૮॥

 

પદ – ૫

રાગ: સિંધુ રામગ્રી (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)

સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન;

દેખી પેખીને4 દુઃખમાં, શીદ પરાણે પડિયે જન... સમજી૦ ॥૧॥

જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ;

એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ... સમજી૦ ॥૨॥

અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન;

પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન... સમજી૦ ॥૩॥

શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ;

નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ5... સમજી૦ ॥૪॥

કડવું 🏠 home