સ્નેહગીતા

કડવું ૬

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઈજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી ।

કૃષ્ણ ક્યાં કૃષ્ણ ક્યાં જેને તેને પૂછે જઈજી, એમ સ્નેહની સાંકળી સૂધ ભૂલી ગઈજી ॥૧॥

સૂધ ભૂલી ગઈ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું ।

આવો રસિયા આવો રૂડા, નીરખું હું મુખ તુજતણું ॥૨॥

વાટે ઘાટે પૂછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને ।

નાથ વિના નથી રે’વાતું, ઘણું દિલ દાઝે છે દૃષ્ણને1 ॥૩॥

ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં ।

કાંઈક મષ2 લઈ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ॥૪॥

ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે ।

એહ મષે ચાલિ વાંસે, દયાળુને દેખવા દૃગે ॥૫॥

નાથજીને નીરખ્યા વિના, ઘણું દિવસ જાયે દોયલો3

ભૂધરજીને ભેટે જ્યારે, ત્યારે જ સુખ દિન સોયલો4 ॥૬॥

હરિમુખ જોયે સુખ ઊપજે, વળી શાન્તિ વળે શરીરને ।

અસ્થિર મન તે સ્થિર થાયે, જ્યારે જુવે હલધર વીરને5 ॥૭॥

એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું,6 વળી વિરહમાં વિલખ્યા કરે ।

પ્રેમ દોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ॥૮॥

શ્યામ વિના કાંઈ કામ ન સૂઝે, વળી કળ ન પડે કોઈ ।

પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઈ ॥૯॥

સ્નેહી જનને સુખ ક્યાંથી, જેના પ્રાણ પરને સાથ છે ।

નિષ્કુળાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય7 હરિને હાથ છે ॥૧૦॥ કડવું ॥૬॥

કડવું 🏠 home