સ્નેહગીતા

કડવું ૧૧

આવ્યો અક્રૂર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભીતરે આવ્યો ભરીજી ।

કોરે જઈ કૃષ્ણને કાંઈક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું આપણને હરિજી ॥૧॥

હરિ હલધર1 હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા2

પણ અક્રૂર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ॥૨॥

કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાંય ।

પૂછો જઈ પ્રાણજીવનને, શું છે એના બાઈ મનમાંય ॥૩॥

એમ કરતાં અક્રૂરના, મનનો તે મર્મ જાણિયો ।

શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઈ આણિયો ॥૪॥

એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી ।

જેમ પ્રાણ રહિતવત પૂતળાં, એવી ગત્ય3 થઈ ગોપીતણી ॥૫॥

લડથડે કોઈ પડે પૃથ્વી, એમ સુધ ન રહી શરીરની ।

શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નીક4 નયણે ચાલી નીરની ॥૬॥

વલવલી5 ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું ।

જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું ॥૭॥

આવ્યો અક્રૂર કાળરૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે ।

પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ॥૮॥

ગયું ધન જોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતાં ।

એમ આપણે થાશે અબળા, હરિ હીરો વામતાં6 ॥૯॥

નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં7 રે’શું અંગે ।

નિષ્કુળાનંદના નાથ સાથે, હવે ક્યાં થકી રમશું રંગે ॥૧૦॥ કડવું ॥૧૧॥

કડવું 🏠 home