કડવું – ૧૪

વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા સાક્ષાતજી

આપે ઇન્દિરા1 જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી આજ્ઞાની ઘાતજી

ઘાત થઈ તેની વાત કહું, જાનકી બોલિયાં એમ ॥

લછમન તમારા ભાઈની ભીડ્યે,2 જાઓ બેસી રહ્યા કો’ કેમ ॥૨॥

ત્યારે રામાનુજ3 કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં ॥

વચન માની મગન રહો, શીદ રહો છો શોકમાં ॥૩॥

ત્યારે વૈદેહીએ વચનનાં, લછમનને લગાડ્યાં બાણ ॥

તું જાણે રામ મર્યે વરે મુજને, તે ન વરું તજીશ હું પ્રાણ ॥૪॥

ત્યારે રામાનુજે હૃદે ધારિયું, ઇન્દિરા તોયે પણ સ્ત્રી ખરી ॥

પછી રામની આણ્ય4 આપી ચાલિયા, કેડે લંકેશ વેષ આવ્યો ધરી ॥૫॥

સંન્યાસીરૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી ॥

છૂટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નીસરી ॥૬॥

આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નીસરી બા’ર ॥

તર્ત રાવણ તેડી ચાલિયો, પછી પામિયા દુઃખ અપાર ॥૭॥

વિપત્તિ પડી વિયોગ થયો, રહ્યાં રામજીથી વળી દૂર ॥

નિષ્કુળાનંદ કહે વચન લોપતાં, આવે દુઃખ જાણજો જરૂર ॥૮॥

કડવું