વચન વિધિ

કડવું – ૪૩

ધકા બહુ ખાય છે ધર્મના હીણજી,1 વિષયસુખ સારુ રે’ છે મન મીણજી2

તેણે કરી મતિ અતિ થઈ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં પ્રવીણજી

પ્રવીણપણું એનું પ્રીછિયું,3 તે તો નથી જાતું કેને કહિયું ॥

ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું4 ॥૨॥

કરી દીવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળિયું5

તે જાણે મેં કાંયે કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું6 ॥૩॥

ઘોડું મૂકી દઈ ઘરનું, ચાલ્યો નર ખર પર ચડી ॥

તોય પોતા સરીખામાં પોરસી,7 મરડે છે મૂરખ મૂછડી ॥૪॥

લૂંટાવી કસુંબી લૂગડાં, પંડે પે’ર્યા છે ગળિયલ ઘણાં ॥

તે દેખાડે છે દેશોદેશમાં, કે’ છે જો જો મુમાં કાંઈ છે મણા8 ॥૫॥

એમ મેલી રીત સતસંગની, વળી રે’ છે કુસંગની રીતમાં ॥

દ્વિજ ધામ9 તજી વશ્યો ઢેઢમાં, તોય ફૂલ્યો ફરે છે ચિત્તમાં ॥૬॥

નકટે નકટા ભેળા થયા, વન્ઠેલમાં વન્ઠેલ10 વળી ॥

એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી ॥૭॥

તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા11

નિષ્કુળાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઈ લજામણા ॥૮॥

કડવું 🏠 home