વચન વિધિ

કડવું – ૨૮

સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી

જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી

સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ॥

ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય ॥૨॥

વા’રુ1 છે વસમી વેળાતણા, જ્યારે આવે પળ વળી આકરી ॥

તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ ॥૩॥

તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ ॥

આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ ॥૪॥

તે સંત શાણા2 શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક ॥

પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક ॥૫॥

કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ ॥

નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ॥૬॥

જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર ॥

એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર ॥૭॥

વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જ્યાં લગી પ્રાણ ॥

નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ ॥૮॥

 

પદ – ૭

રાગ: ધોળ (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)

સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે;

આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે. સંત૦ ॥૧॥

અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે;

દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે. સંત૦ ॥૨॥

મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ3 રે;

સાબિત4 કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ5 રે. સંત૦ ॥૩॥

એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર6 રે;

નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦ ॥૪॥

કડવું 🏠 home