કડવું – ૨૩

મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી

તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી

અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન ॥

જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જ્યાન1 ॥૨॥

માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન ॥

એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન ॥૩॥

દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ ॥

વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ ॥૪॥

માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની ॥

તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની ॥૫॥

વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ॥

અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ ॥૬॥

માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ ॥

આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ ॥૭॥

કામી ક્રોધી લોભીને લજ્જા, કેદી આવી જાયે ઉરમાંઈ ॥

નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ ॥૮॥

કડવું