ટીપણી

Format:   ગુજરાતી    English    Hindi


પ્રકરણ: ગઢડા પ્રથમ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, ગઢડા મધ્ય, વરતાલ, અમદાવાદ, ગઢડા અંત્ય, ભૂગોળ-ખગોળ, વધારાનાં


Id Vach No Footnote
776 201 1

૧. પ્રાણાયામ વગેરે સાધનો વગર પણ નિર્વિકલ્પ સમાધિ થઈ શકે છે. તેની રીત નિર્વિકલ્પ સમાધિનો અર્થ જણાવીને કહે છે.

777 201 2

૨. સર્ગઃ – મહત્તત્ત્વથી આરંભીને પૃથ્વી પર્યંત તત્ત્વોની ઉત્પત્તિ, અર્થાત્ વૈરાજપુરુષ સુધીની સૃષ્ટિ. વિસર્ગઃ – બ્રહ્માએ કરેલી સૃષ્ટિ. સ્થાનમ્ – ભગવાનની સર્વોત્કર્ષ શત્રુવિજયાદિરૂપ સ્થિતિ. પોષણમ્ – ભગવાનનો જગતના રક્ષણરૂપ અનુગ્રહ. ઊતયઃ – કર્મવાસના. મન્વંતરકથા – સદ્ધર્મ, ભગવાને અનુગ્રહ કરેલો મન્વંતરાધિપોનો ધર્મ. ઈશાનુકથા – ભગવાનનાં અવતારચરિત્રોની કથા તથા તેમના એકાંતિક ભક્તોનાં આખ્યાનોવાળી સત્કથા. નિરોધઃ – જીવ-સમુદાયનું પોતપોતાની કર્મશક્તિઓની સાથે સૂક્ષ્મ અવસ્થારૂપ પ્રકૃતિમાં લીન રહેવું તે. મુક્તિઃ – ત્રણ દેહ તથા ત્રણ ગુણનો ત્યાગ કરી અક્ષરબ્રહ્મ સાથે એકતા પામી, પરબ્રહ્મની સેવા તે. આશ્રયઃ – જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, જેને ‘પરબ્રહ્મ પરમાત્મા’ ઇત્યદિક શબ્દથી શ્રુતિ-સ્મૃતિઓ કહે છે તેમની શરણાગતિ. (ભાગવત: ૨/૧૦/૧).

778 201 3

૩. ભગવાન અને સત્પુરુષનો યોગ પૂર્વજન્મમાં પ્રાપ્ત થયો હોય પરંતુ ઉપાસનામાં ખોટ્ય રહી ગઈ હોય અને દેહ પડી ગયો હોય તેવો ઉપાસક બીજો જન્મ પવિત્ર કુળમાં પામે તેને યોગભ્રષ્ટ જાણવો. આ વાત ગીતા (૬/૪૦-૪૧)માં પણ કહી છે.

779 202 4

૪. શ્વેતાશ્વતરોપનિષદ: ૧/૨માં “કાલઃ સ્વભાવો નિયતિર્યદ્રચ્છા....” આ મંત્રમાં કાળ વગેરેને જગતના કર્તાહર્તા માનનારા મતો આપ્યા છે.

વચનામૃત ગઢડા પ્રથમ ૬૨માં પણ આવા પ્રકારનાં વચનો શ્રીજી મહારાજે ઉચ્ચર્યાં છે. યોગીજી મહારાજે આ વચનોનું સુંદર નિરૂપણ કર્યું છે: “કાળ, કર્મ, માયા ને સ્વભાવથી પર ભગવાનને કેમ જાણવા?

780 202 5

૫. અને તેમને શાસ્ત્રનું લેશમાત્ર જ્ઞાન નથી એમ જણાય છે; કેમ કે “જ્ઞઃ કાલકાલઃ” (શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૨) ઇત્યાદિ શ્રુતિ-સ્મૃતિમાં કાળાદિકને ભગવાનની શક્તિરૂપે વર્ણવ્યા છે. સૃષ્ટિના સર્જનમાં કાળ વગેરેની સ્વતંત્રતા નથી જ; કેમ કે તેઓ ભગવાનની પ્રેરણાથી જ સૃષ્ટિ વગેરે તે તે ક્રિયાઓ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે કે “દ્રવ્યં કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ । યદનુગ્રહતઃ સન્તિ ન સન્તિ યદુપેક્ષયા ॥” (ભાગવત: ૨/૧૦/૧૨). જેમ ચક્રવર્તી રાજાની આજ્ઞાથી ખંડિયા રાજાઓ પ્રજાનું પ્રશાસન કરે છે તેમ જ ભગવાનની આજ્ઞાથી જ કાળાદિકનું જગતમાં કર્તૃત્વ છે. એવી રીતે જે જન ભગવાનને સર્વનિયંતા અને સર્વકર્તા જાણે તે જ ભક્ત કહેવાય છે અને જે એવી રીતે ન જાણે તે ભગવાનનો દ્રોહી કહેવાય છે.

781 202 6

૬. સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્રના સંદર્ભો વચનામૃત લો. ૧૫ની ટીપણી-૯૧ તથા ૯૪માં તથા વચનામૃત પં. ૨ની ટીપણી-૨માં આપ્યા છે.

782 202 7

૭. અહીં અક્ષરધામ એટલે વૈકુંઠધામ વાચક અથવા ગોલોકધામ વાચક એમ અર્થ સમજવો, કારણ કે પંચરાત્ર તંત્રની કોઈ પણ સંહિતાઓમાં પરમાત્માના એ ધામોનો અક્ષરધામ તરીકે શબ્દશઃ ઉલ્લેખ મળતો નથી.

783 202 8

૮. અને વેદાદિ શાસ્ત્રોનું તાત્પર્ય સાકાર વાસુદેવ ભગવાનમાં જ છે તે માટે.

784 202 9

૯. વેદોમાં મુખ્યત્વે નારાયણનું પ્રતિપાદન છે, અર્થાત્ વેદો નારાયણપરક છે. ઇન્દ્ર, ચન્દ્ર વગેરે દેવતાઓ પણ ભગવાન નારાયણને આધીન છે. સ્વર્ગાદિક લોકના પણ અધિપતિ નારાયણ જ છે. યજ્ઞો વડે પણ આરાધના કરવા યોગ્ય નારાયણ છે. યોગ, તપ, જ્ઞાન વગેરે સાધનો વડે પ્રાપ્ત કરવા યોગ્ય પણ નારાયણ જ છે. તેથી આ તમામ નારાયણપરક જ સમજવા. (ભાગવત: ૨/૫/૧૫-૧૬).

785 202 10

૧૦. વેદો વાસુદેવનો જ મહિમા ગાય છે. યજ્ઞો વડે આરાધ્ય વાસુદેવ છે. યોગશાસ્ત્ર વડે ધ્યેય પણ વાસુદેવ છે. તમામ ધાર્મિક ક્રિયાઓ જ્ઞાન, તપ, ધર્મ વડે પ્રાપ્ત કરવા યોગ્ય વાસુદેવ છે; અર્થાત્ ગતિરૂપ વાસુદેવ છે. (ભાગવત: ૧/૨/૨૮-૨૯).

786 203 11

૧૧. કર્ણ, જરાસંધાદિકમાં પણ ધર્મ હતો.

787 203 12

૧૨. ભક્તિ તો અસાધારણ અને સાધારણ (પરા અને અપરા) એવા ભેદથી બે પ્રકારની છે તેમાં.

788 203 13

૧૩. “વિધત્સ્વ કર્ણાયુતમેષ મે વરઃ” એમ ભાગવત (૪/૨૦/૨૪)માં કહ્યું છે. સામાન્યપણે બે કાન દ્વારા ભગવત્કથાનું શ્રવણ કરનાર ભક્ત તૃપ્તિ અનુભવે છે, પણ પૃથુરાજાએ દસ હજાર કાન આપો તોય તૃપ્તિ ન થાય એવી શ્રવણભક્તિમાં શ્રદ્ધા માંગી.

789 203 14

૧૪. ભાગવત: ૧૦/૨૯/૧૧.

790 203 15

૧૫. જે પુરુષને સામાન્યપણે ભગવાનમાં ભક્તિ હોય તેણે તો ધર્માદિક ત્રણ અંગ સિદ્ધ કરવાં.

791 203 16

૧૬. અહીં સદાય, માયાથી પર અક્ષરબ્રહ્મસ્વરૂપ સત્પુરુષનો સ્પષ્ટ નિર્દેષ સમજવો.

792 204 17

૧૭. એવી રીતે છ પ્રશ્નો છે.

793 204 18

૧૮. પહેલા, ત્રીજા અને ચોથા પ્રશ્નનો ઉત્તર આપે છે.

794 204 19

૧૯. બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે.

795 204 20

૨૦. પાંચમા પ્રશ્નનો ઉત્તર આપે છે.

796 204 21

૨૧. છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપે છે.

797 205 22

૨૨. વચનામૃત લોયાના ૧૩ની ટીપણી-૭૪માં આ શ્લોકનો અર્થ તથા સંદર્ભ ક્રમાંક દર્શાવ્યા છે: [અર્થ: મારી આ ગુણમયી દૈવી માયા દુસ્તર છે, પરંતુ જેઓ મારું જ શરણ લે છે તેઓ આ માયાને તરી જાય છે. (ગીતા: ૭/૧૪).]

798 205 23

૨૩. શરણાગતનું લક્ષણ શું છે? એવો પ્રશ્નાર્થ સમજવો.

799 205 24

૨૪. ગીતા: ૧૮/૬૬.

800 205 25

૨૫. શ્લોકના નિરૂપણ પછી શ્રીકૃષ્ણ ભગવાને કહેલ શરણાગતના લક્ષણમાં રહેલ ન્યૂનતાને પૂરતાં જણાવે છે.

801 206 26

૨૬. અભિપ્રાય એટલો છે કે - જેમ બીજ, પૃથ્વી-જળાદિકના સંબંધ વિના અંકુરિત થતું નથી પરંતુ તેનો સંબંધ થવાથી જ અંકુરિત થાય છે; માટે અંકુર થવામાં પૃથ્વી-જળ વગેરે સાધારણ કારણ ગણાય છે. અંકુરોમાં જે વિચિત્રતા લાવવી તે પૃથ્વી-જળ વગેરેમાં નથી પરંતુ પોતપોતાના બીજમાં જ છે. માટે વિચિત્રતામાં પોતપોતાનું બીજ જ વિશેષ કારણ ગણાય છે. એટલે આંબા વગેરે પ્રત્યેક બીજના અંકુરોમાં પૃથ્વી-જળ વગેરે સાધારણ છે, પરંતુ જેવું બીજ હોય તેવી જ અંકુરોમાં વિચિત્રતા આવે છે. ‘જ્યાં સુધી સાધારણ કારણથી નિર્વાહ થતો હોય ત્યાં સુધી પૃથ્વી-જળ વગેરેને વિશેષ કારણ કલ્પવાની જરૂર નથી,’ એવો ન્યાય છે. એવી રીતે જગતની સૃષ્ટિ પરમાત્માની ઇચ્છા વિના થતી નથી પરંતુ તેમની ઇચ્છાથી જ થાય છે. માટે સૃષ્ટિ થવામાં પરમાત્મા કારણ છે, પણ તેમાં જે દેવ-મનુષ્યાદિક અને સુખી-દુઃખી આદિક વિચિત્રતા થઈ તેમાં પરમાત્મા કારણ નથી; તેમાં તો જીવગત જે અનાદિ કર્મવિશેષ તે જ વિશેષ કારણ છે. માટે પરમાત્મામાં વૈષમ્ય-નૈર્ઘૃણ્ય અર્થાત્ પક્ષપાત કે નિર્દયતારૂપ દોષ નથી. જેમ રાજા પ્રજાને કૃપા અથવા દંડ કરે છે તેમાં પોતે કર્તા છે છતાં પણ તેમનાં કર્મને અનુસારે કરે છે તેથી રાજા અકર્તા છે, એટલે રાજામાં વિષમતા અને નિર્દયતારૂપ દોષ નથી; તેમ પરમાત્મા કર્તા થકા અકર્તા છે, એટલે વૈષમ્ય-નૈર્ઘૃણ્ય નથી.

802 206 27

૨૭. હવે મતભેદથી કહેલા કાળાદિકના સ્વતંત્ર કર્તાપણાનો નિષેધ કરીને તેમનું કેવું કર્તાપણું છે તે યુક્તિથી પ્રતિપાદન કરે છે.

803 206 28

૨૮. યુગધર્મના અહીં કરેલ વર્ણનને અનુરૂપ સંક્ષિપ્ત વર્ણન સાંખ્યકારિકા પર લગભગ પાંચમી સદીમાં રચાયેલ ‘યુક્તિદીપિકા’ નામે ટીકાના આઠમા આહ્‌નિકમાં ૩૯મા શ્લોકમાં પણ પ્રાપ્ત થાય છે.

804 206 29

૨૯. ભાગવત: ૩/૨/૨૩ તથા ૧૦/૬/૩૫.

805 206 30

૩૦. ભાગવત: ૧૧/૫/૪૮.

806 207 31

૩૧. ટીપણી ૬૯ના આધારે સર્વ જીવો સ્વરૂપતઃ સમાન અને સચ્ચિદાનંદરૂપ છે. પરંતુ આસુરભાવ ધરાવતા આસુરી જીવ બે પ્રકારના છે: એક તો અનેક જન્મથી આસુરી ભાવવાળા હોય અને બીજા આસુરી મનુષ્યોના સંગથી આસુરી વૃત્તિ ધરાવતા હોય છે. તેમાં બીજા છે તે તો ઉત્તમ સત્પુરુષની નિષ્કપટભાવે સેવા કરે તથા ધર્મે સહિત નવ પ્રકારની ભક્તિ કરે તો દૈવી થાય. અને પ્રથમ જે છે તે -

807 207 32

૩૨. ભગવાનની ઇચ્છાથી નીકળીને ભક્તિ કરીને ફરીથી પણ તેમાં લીન થાય.

808 207 33

૩૩. માયા અને માયાના કાર્યમાં.

809 207 34

૩૪. જેમ ભગવાનને અક્ષરધામ અબંધક છે તેમ માયા પણ અબંધક છે એવું તાત્પર્ય અહીં અને આગળ આવતા ‘ચોવીસ તત્ત્વ બ્રહ્મરૂપ થઈ જાય’ ત્યાં, એમ બંને સ્થળે સમજવું.

959 207 34

૩૪. જેમ ભગવાનને અક્ષરધામ અબંધક છે તેમ માયા પણ અબંધક છે એવું તાત્પર્ય અહીં અને આગળ આવતા ‘ચોવીસ તત્ત્વ બ્રહ્મરૂપ થઈ જાય’ ત્યાં, એમ બંને સ્થળે સમજવું.

810 207 35

૩૫. આ શ્લોકનો અર્થ વચનામૃત પં. ૭માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૪૯માં છે: [ભાગવત: ૧/૧/૧. અહીં ‘ધામ’ શબ્દ ભગવાનના માહાત્મ્યજ્ઞાનપરક છે. માયાનો અંધકાર ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ટળે છે તેવો ભાવાર્થ શ્રીજીમહારાજ ઉપદેશે છે. ‘ધામ’ શબ્દથી સાધારણપણે અક્ષરધામ લેવાય છે. માયાના અજ્ઞાનને ટાળવાનું સામર્થ્ય તેમાં પણ છે. તેથી ‘ધામ’ શબ્દથી અક્ષરબ્રહ્મ પણ લઈ શકાય.]

811 208 36

૩૬. અરૂપ જેવી જણાય છે, એવો વાક્યાર્થ સમજવો.

812 208 37

૩૭. અને લાંબી.

813 209 38

૩૮. ભગવાનના ભક્તને ત્રણ અવસ્થામાં.

814 209 39

૩૯. અક્ષરધામનો.

815 210 40

૪૦. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચ. ગ. પ્ર. ૬૨ની ટીપણી-૨૩૫માં નિરૂપ્યાં છે. [ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.]

816 210 41

૪૧. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૭૭ની ટીપણી-૩૧૨માં નિરૂપ્યાં છે: [૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદૃષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદૃશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૩).]

817 210 42

૪૨. તેમાં સર્વ યોગકળાઓ હોય તથા ત્યાગ ને અષ્ટાંગયોગ હોય અને રસ તો એક શાંત નામનો જ હોય અને.

818 210 43

૪૩. અને ભગવાનમાં દૃઢ ભક્તિ હોય.

819 211 44

૪૪. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૮.

960 211 44

૪૪. જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૮.

820 212 45

૪૫. નરસિંહ મહેતાનું; જુઓ પરિશિષ્ટ: ૫, પૃ. ૬૮૮.

821 212 46

૪૬. અહો! આશ્ચર્યની વાત છે કે આ વૃક્ષો, જેને તમોગુણી કર્મથી આવો જન્મ મળ્યો છે તે, દેવતાએ પૂજેલાં તમારાં ચરણારવિંદને, પોતાનાં તામસી કર્મના નાશ માટે પુષ્પ-ફળાદિ સામગ્રી વડે પૂજે છે! (ભાગવત: ૧૦/૧૫/૫).

822 213 47

૪૭. અષ્ટાંગયોગ સિદ્ધ થયા પછી સમાધિ થવાનો નિયમ છે. તે વિના પણ તમારાં દર્શનમાત્રથી જ કેટલાકને સમાધિ થાય છે, તે થવામાં શો હેતુ છે? એવો પ્રશ્નાર્થ સમજવો.

823 213 48

૪૮. ભગવાનનાં ઓગણચાલીસ તથા ત્રીસ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક અનુક્રમે વચનામૃત ગ. પ્ર. ૬૨ની ટીપણી-૨૩૫ તથા ગ. પ્ર. ૭૭ની ટીપણી-૩૧૨માં નિરૂપ્યાં છે.

824 213 49

૪૯. ભાગવત: ૧૦/૨૮/૧૪-૧૬.

825 215 50

૫૦. ભાગવત: ૩/૧૫/૩૪.

826 215 51

૫૧. ભાગવત: ૭/૧૦/૪૩.

827 216 52

૫૨. મત્સ્યપુરાણ: ૧/૧૨.

828 216 53

૫૩. ભાગવત: ૬/૧૪/૧૧, ૬/૧૬/૧૫.

829 217 54

૫૪. કામ-ક્રોધાદિ વિકારની પ્રવૃત્તિ દેહે કરીને ન થવા દેવી, એ દોષોને વિષે શત્રુભાવ રાખી તેને ટાળવા પ્રયત્ન કરવો અને દેહ-અંતઃકરણથી જુદા આત્મારૂપે માનવું.

830 218 55

૫૫. ગુરુપરંપરાને જ સંપ્રદાય કહે છે. “આમ્નાયઃ સમ્પ્રદાયઃ સ્યાત્, પારમ્પર્યં ગુરુક્રમઃ” એમ હલાયુધ કોષ (૪૦૨)માં પણ કહ્યું છે.

831 218 56

૫૬. શ્રીજીમહારાજ સ્વયં રામકૃષ્ણાદિક અવતારોના કારણ છે, તેવું તેમણે જ વચનામૃત ગ. મ. ૧૩માં જણાવ્યું છે; પરંતુ તેમણે મનુષ્યશરીર ધારણ કર્યું હોવાથી અન્ય મુમુક્ષુઓના હિતને અર્થે ઉપાસક તરીકે પોતાને ઓળખાવી શ્રીકૃષ્ણ ભગવાનને ઇષ્ટદેવ તરીકે જણાવે છે.

832 218 57

૫૭. ‘ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ’ આ વાક્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે. જેનો મુખ્ય અર્થ એ છે કે ગોલોકાદિક અનંત ધામોની વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરી અક્ષરધામ રહેલું છે. જેનું વર્ણન વિવિધ દૃષ્ટાંતો દ્વારા વચનામૃત ગ. પ્ર. ૬૩માં તથા સ્વામીની વાત (૩/૨૩)માં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે.

આ વાક્યનો બીજો અર્થ એ છે કે ગોલોકધામને વિષે સોળ દ્વાર ઓળંગીને બરાબર વચ્ચે તેજોમય મહાચોક છે જેને અક્ષરધામ કહે છે, જેનું વર્ણન વાસુદેવમાહાત્મ્યમાં ૧૭મા અધ્યાયમાં ૧-૨ શ્લોકમાં કર્યું છે. સ્વામીની વાત (૫/૨૮૮)માં પણ ગોલોક મધ્યે રહેલા આ અક્ષરધામનો ઉલ્લેખ કર્યો છે. અહીં આ વચનામૃતમાં પણ તે અક્ષરધામનું વર્ણન કર્યું છે, પરંતુ પ્રથમ અર્થમાં દર્શાવેલ પુરુષોત્તમ નારાયણના સર્વોપરી અક્ષરધામનું વર્ણન અહીં નથી તેમ જાણવું.

833 218 58

૫૮. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ.

834 218 59

૫૯. ભાગવત: ૧૧/૨૫/૩૪-૩૬.

835 218 60

૬૦. ભાગવત: ૧/૩/૨૬-૨૮.

836 218 61

૬૧. અર્થ: હે અર્જુન! પૂર્વોક્ત પ્રકારે જે પુરુષ મારાં જન્મ, કર્મ યથાર્થપણે દિવ્ય જાણે છે તે પુરુષ દેહનો ત્યાગ કરીને ફરીથી જન્મને પામતો નથી પરંતુ મને જ પામે છે. (ગીતા: ૪/૯).

837 218 62

૬૨. શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્માજીને ચતુર્ભુજરૂપ દેખાડ્યું તેનો સંદર્ભ ભાગવત: ૧૦/૧૩/૪૬-૫૫ છે. તે સિવાયનાં શ્રીકૃષ્ણ ભગવાનનાં ચતુર્ભુજરૂપ તથા વિશ્વરૂપના પ્રસંગોના સંદર્ભ ક્રમાંકો વચનામૃત લો. ૧૮ની ટીપની(૧૦૩, ૧૦૪, ૧૦૬)માં છે.

838 218 63

૬૩. ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૧; ગીતા: ૨/૫૫-૭૨ તથા ૧૪/૨૪-૨૫; વાસુદેવમાહાત્મ્ય: ૨૦-૨૩.

839 218 64

૬૪. આ સ્થળે ‘ને તમારો સર્વેનો ભગવાન’ આટલા શબ્દો શ્રીજીમહારાજ અધિક બોલ્યા હતા તેમ ગુણાતીત ગુરુપરંપરા દ્વારા જાણવા મળે છે.

840 219 65

૬૫. અક્ષરબ્રહ્મ. ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાનું પ્રાગટ્ય અક્ષરબ્રહ્મરૂપ પરમ એકાંતિક ભગવાનના અખંડ સંબંધવાળા સાધુ - સત્પુરુષરૂપે કહ્યું છે.

841 220 66

૬૬. બ્રહ્મા, શિવ, પરાશરના પ્રસંગોનો સંદર્ભ ક્રમાંક અનુક્રમે વચનામૃત ગ. મ. ૨૧ની ટીપણી (૭૯, ૮૦, ૮૨)માં તથા નારદના પ્રસંગનો સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૨૩ની ટીપણી-૧૦૭માં આપ્યો છે. શૃંગિ ઋષિનો સંદર્ભ ક્રમાંક વાલ્મીકિ રામાયણ: બાલકાંડ-૯.

842 220 67

૬૭. મહાભારત, શાંતિપર્વ: ૩૦૮/૨૪-૨૫,૩૬.

843 220 68

૬૮. મહાભારત, શાંતિપર્વ: ૩૧૩.

950 210 69

૬૯. નવ રસ: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્‌ભુત, શાંત.

951 210 70

૭૦. ભગવાનના મળેલા એટલે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ સમજવા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી એમને સાક્ષાત્ મળેલા સંતો કોઈ નથી માટે મળેલા કાણે સમજવા? તો ભગવાનના મળેલા એટલે ભગવાન જેમાં સમ્યક્‌પણે પ્રગટ રહ્યા હોય તે સંત. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સમજાવે છે કે: “ભગવાનને મળેલા એટલે શું? એકાત્મભાવને પામેલા. બસો વરસ પહેલાંના નંદ સંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય.” [બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૭૦]

953 203 71

૭૧. અહીં આ જ વચનામૃતમાં મહારાજ કહે છે કે વડવાનળ અગ્નિ જેવા જે સંત અર્થાત્ અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ ખારા જીવને મીઠા કરે છે - અર્થાત્ બ્રહ્મરૂપ કરે છે, પરંતુ આવા ગુરુ થકી જે બ્રહ્મરૂપ થયા છે તેમના થકી બ્રહ્મરૂપ ન થવાય. તેથી જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “મૂળજી બ્રહ્મચારી જેવા સત્સંગમાં કોઈ નિષ્કામી નહીં, પણ તે બીજાને નિષ્કામી કરી શકે નહીં.” (સ્વામીની વાતો: ૪/૩૦)

તેમ છતાં વીજળી જેવા, એટલે કે અક્ષરબ્રહ્મ થકી બ્રહ્મરૂપ થયેલા સંત થકી ગુણો પ્રાપ્ત કરવાની પ્રેરણા અને માર્ગદર્શન જરૂર મળી શકે છે. વળી, તેઓ પણ ગુરુનો મહિમા કહીને મુમુક્ષુઓને ગુરુમાં જ જોડે છે. અને ગુરુની આજ્ઞાથી વીજળી જેવા સંતની સેવા તે ગુરુની જ સેવા છે. તેથી તેમની સેવાથી ગુરુની જ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આમ, ગુરુની કૃપા અને પ્રસન્નતા દ્વારા ભક્તિ આદિક સર્વ ગુણો મુમુક્ષુના જીવનમાં સિદ્ધ થાય છે.

954 207 72

૭૨. શ્રીજીમહારાજના મતે અનાદિથી બધા જીવો સ્વરૂપતઃ સચ્ચિદાનંદપણે સમાન હોવાથી કોઈ જીવ અનાદિથી સ્વરૂપતઃ અસુર નથી, પરંતુ કર્મે કરીને તથા સંગે કરીને તે અસુર થાય છે. આસુરી ભાવના પાશ લાગ્યા પછી આસુરી ભાવને પામેલો તે જીવ કર્મે કરીને તથા સંગે કરીને પાછો દૈવી થાય છે. આવા દૈવી અને આસુરી જીવો અનાદિથી ચાલતા આ સંસાર પ્રવાહમાં શુભ-અશુભ કર્મોને લીધે તથા સંગને લીધે દૈવી-આસુરી થયા કરે છે, અને તેના સંબંધે કોઈ સાધારણ જીવ હોય તે પણ દૈવી કે આસુરી થાય છે. આમ, દૈવી-આસુરી થવાનું કારણ તો જે તે ભાવને પમાડનારાં જે તે પ્રકારનાં કર્મો તથા સંગ છે અને તેમાં પણ વિશેષે કરીને તો ભગવાન અને મોટાપુરુષનો રાજીપો અને કુરાજીપો છે. (વચનામૃત વરતાલ ૧૫)

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ