॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ વચનામૃત પરથારો ॥

પરથારો ૧ : શ્રીહરિની પ્રગટ થયાની રીતિ

पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्तिधर्माङ्गतो
जातायोत्तरकोसलेषु दयया सर्वेश्वरेशाय च ।
तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मुहुस्
तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने ॥१॥
ज्ञानेन धर्मेण युतां विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य ।
प्रवर्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता ॥२॥
अज्ञानसंज्ञं गहनान्धकारं निजाश्रितस्वान्तगुहागतं यः ।
अपाहरज्ज्ञानदिवाकरः श्रीधर्माङ्गजन्मा जयति प्रभुः सः ॥३॥
प्रोक्तानियानीहवचोऽमृतानि श्रीस्वामिनातेननिजाश्रितेभ्यः ।
तेषां लिखामः कतिचित्तदीयतुष्ट्यै यथाबुद्धि यथाश्रुतं च ॥४॥
तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि-चरितं शुभम् ।
कथयामः समासेन तदीयानन्ददायकम् ॥५॥

શ્રીગોલોકના મધ્યને વિષે ભગવાનનું અક્ષરધામ છે, તે કેવું છે? તો કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદરૂપ છે; અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમ પદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે. એવું જે એ અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. તે કેવા છે? તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ કહે છે. અને વળી તે ભગવાન કેવા છે? તો ક્ષર-અક્ષર થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે, નિર્ગુણ છે, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટિ મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે. અને અનંત કોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે રૂપ છે લીલા જેની એવા છે. અને પ્રકૃતિપુરુષ, કાળ, પ્રધાનપુરુષ ને મહત્તત્ત્વાદિક એ જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે. અને અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. ને સદા કિશોરમૂર્તિ છે, ને કોટિ કોટિ કંદર્પ સરખા સુંદર છે, અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેનો એવા છે. અને અમૂલ્ય ને દિવ્ય એવાં જે નાના પ્રકારનાં વસ્ત્ર ને આભૂષણ તેણે યુક્ત છે. અને કાનને વિષે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે, અને મસ્તકને વિષે નાના પ્રકારનાં રત્ને જડિત એવો જે મુકુટ તેને ધરી રહ્યા છે, અને શરદ ઋતુનું જે કમળ તેની પાંખડી સરખાં અણિયાળાં છે નેત્રકમળ જેનાં એવા છે. અને રૂડું એવું જે સુગંધીમાન ચંદન તેણે કરીને ચર્ચ્યાં છે અંગ જેનાં એવા છે. અને મધુરે સ્વરે કરીને વેણુને વજાડે છે. અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમણે પૂજ્યા છે. અને મૂર્તિમાન એવાં જે સુદર્શનાદિક આયુધ તથા નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમણે સેવ્યા છે. અને કોટિ કોટિ સૂર્ય-ચંદ્ર સરખા પ્રકાશે યુક્ત છે મૂર્તિ જેણા એવા છે. અને અનંત કોટિ એવા જે કલ્યાનકારી ગુણ તેણે યુક્ત છે. અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્યાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિઓ તેમણે સેવ્યાં છે ચરણકમળ જેનાં એવા છે. અને મૂર્તિમાન એવા જે ચાર વેદ તેમણે સ્તુતિને કર્યા છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવીસ મૂર્તિઓ તથા વરાહાદિક અવતાર એ સર્વેના ધરનારા છે.

એવા જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે જે તે આ જે પોતાનું સમગ્ર ઐશ્વર્ય તેણે યુક્ત થકા પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે ને પોતાનાં એકાંતિક ભક્ત જે ધર્મ, ભક્તિ ને મરીચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવનાં કલ્યાણ કરવાને અર્થે ને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે, કોસલ દેશને વિષે પ્રકટ થતા હવા.

હવે એ ભગવાન જેવી રીતે પ્રકટ થયા છે તે સંક્ષેપે કરીને કરીએ છીએ – એક સમયે મરીચ્યાદિક ઋષિ જે તે બદરિકાશ્રમને વિષે શ્રીનરનારાયણ ભગવાનનાં દર્શન કરવા સારુ આવતા હવા. તે વાતને સાંભળીને ધર્મદેવ પણ પોતાની સ્ત્રી જે મૂર્તિ તેણે સહિત થકા શ્રીનરનારાયણનાં દર્શન કરવા આવ્યા. પછી તે ઋષિની સભાને વિષે ઉદ્ધવે સહિત બેઠા એવા જે શ્રીનરનારાયણ ઋષિ તેનું દર્શન કરીને શ્રીનરનારાયણે માન્યા થકા ધર્મદેવ જે તે તે સભાને વિષે બેસતા હવા. અને મરીચ્યાદિક ઋષિએ શ્રીનારાયણ ઋષિ આગળ પ્રથમ કરી હતી જે ભરતખંડના વૃત્તાંતની વાર્તા તેને શ્રીનારાયણ ઋષિના મુખારવિંદ થકી એકાગ્રચિત્ત થઈને ધર્મદેવ જે તે સાંભળતા હતા તથા તે ઋષિ ને ઉદ્ધવ તે પણ તે વાર્તાને એકાગ્રચિત્ત થઈને સાંભળતા હવા. તે સમયમાં કૈલાસ પર્વત થકી દુર્વાસા ઋષિ જે તે શ્રીનારાયણ ઋષિને દર્શને આવ્યા. તેનું કોઈથી સન્માન થયું નહીં માટે તે દુર્વાસા ઋષિ તો એ ધર્માદિક સર્વેને શાપ દેતા હવા જે, “મારા અપમાનના કરનારા જે તમે સર્વે તે ભરતખંડને વિષે મનુષ્યપણાને પામો અને ત્યાં અસુર થકી અપમાનને ને કષ્ટને પામો.” એવા શાપને સાંભળીને ધર્મદેવે ઘણીક પ્રકારના વિનયે યુક્ત વચને કરીને શાંતિ પમાડ્યા એવા જે દુર્વાસા ઋષિ તે બોલ્યા જે, “તમે સર્વે શ્રીનારાયણ ઋષિની વાર્તા સાંભળવાને વિષે આસક્ત હતા માટે મને ન દેખ્યો ને મારું સન્માન ન થયું એની મને ખબર નહોતી, તે સારુ મેં તમને શાપ દીધો. પણ તે મારો શાપ તો નિવારણ નહીં થાય. પણ તે શાપ ભેળો હું તમને અનુગ્રહ કરું છું જે, હે ધર્મદેવ! તમે ને આ તમારી સ્ત્રી મૂર્તિ તે બ્રાહ્મણના કુળને વિષે મનુષ્ય દેહ ધરશો અને ત્યાં આ નારાયણ ઋષિ તમારા પુત્ર થશે અને તમને ને આ ઋષિઓને મારા શાપ થકી મુકાવશે ને અસુરના કષ્ટ થકી તમારી સર્વેની રક્ષા કરશે.” એમ કહીને દુર્વાસા ઋષિ તો પાછા કૈલાસ પર્વતમાં ગયા. પછી શ્રીનારાયણ ઋષિ જે તે ધર્માદિક સર્વ પ્રત્યે બોલતા હવા જે, “અપરાધ વિના જે શાપ તમને થયો તેને જો હું ટાળવાને ઇચ્છું તો હું સમર્થ છું તે ટળી જાય. પણ હમણાં ભરતખંડને વિષે કળિયુગના બળને પામીને અધર્મ ને અસુર તે બહુ વૃદ્ધિને પામ્યા છે તેમના નાશને અર્થે મારી ઇચ્છાએ કરીને જ એ શાપ થયો છે તે મેં અંગીકાર કર્યો છે, માટે હે ધર્મ! હું તમારો પુત્ર થઈને તે અસુરનો ને અધર્મનો નાશ કરીશ ને તમારી સર્વેની રક્ષા કરીશ ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ. માટે તમે કાંઈ ચિંતા રાખશો મા, ને પૃથ્વીને વિષે સર્વે મનુષ્ય દેહને ધારો.” એવાં વચન સાંભળીને ને શ્રીનારાયણ ઋષિને નમસ્કાર કરીને ધર્માદિક સર્વે જે તે મનુષ્ય દેહ ધારવાને અર્થે પૃથ્વી પ્રત્યે જતા હવા.

હવે ધર્મ ને મૂર્તિ જેવી રીતે પ્રકટ થયાં છે તે કહીએ છીએ જે – કોસલ દેશને વિષે ઇટ્ટાર નામે પુર છે તેમાં સરવરિયા બ્રાહ્મણ સામવેદી પાંડે બાલશર્મા નામે હતા. તે થકી ભાગ્યવતી નામે જે તેની પત્ની તેને વિષે ધર્મદેવ જે તે સંવત ૧૭૯૬ સતરસો ને છન્નુના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ મધ્યાહ્ન પછી પ્રકટ થતા હવા. અને પિતા જે તે વિધિએ કરીને તેમના જાતકર્માદિક સંસ્કારને કરતા હવા અને બારમે દિવસે દેવશર્મા એવું નામ ધરતા હવા. અને તે કોસલ દેશને વિષે જ છપૈયા નામે ગામમાં ત્રવાડી કૃષ્ણશર્મા નામે બ્રાહ્મણ તે થકી ભવાની માને જે તેની પત્ની તેને વિષે મૂર્તિ જે તે સંવત ૧૭૯૮ સતરસો ને અઠ્ઠાણુંના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસ સાયંકાળે પ્રકટ થતાં હવાં. તે પછી દિવસે દિવસે મોટાં થયાં ને શ્રીકૃષ્ણ ભગવાનની અતિશય ભક્તિ કરવા લાગ્યાં, માટે ભક્તિ એવા નામને પામતાં હવાં.

પછી એ ભક્તિના પિતા જે કૃષ્ણશર્મા તે જે તે પોતાની પુત્રી જે ભક્તિ તેનો ધર્મના અવતાર જે દેવશર્મા તે સાથે યથાવિધિ વિવાહ કરતા હવા, અને એ જે પોતાના જમાઈ તેને પોતાના ગામમાં પોતાને ઘેર રાખતા હવા. પછી તે દેવશર્મા જે તે ભક્તિ જે પોતાની પત્ની તેણે સહિત ગૃહસ્થાશ્રમના જે ધર્મ તેને આશરીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હવા, અને પોતે ધર્મને વિષે અતિ દ્રઢપણે વર્ત્યા તેને જોઈને સર્વે લોક જે તે ધર્મ એવે નામે કરીને જ બોલાવતા હવા.

પછી એ ધર્મભક્તિને અસુર થકી અતિશય કષ્ટ થયું તેના નિવારણને અર્થે તે ધર્મભક્તિ જે તે વૃંદાવનમાં જઈને મરીચ્યાદિક ઋષિએ યુક્ત થકાં શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરતાં હવાં. તેણે કરીને તે ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા અને પોતાના અક્ષરધામમાં જેવા પોતે સદા વિરાજમાન છે તેવું પોતાનું દર્શન આપીને ધર્મભક્તિ પ્રત્યે બોલતા હવા જે, “હે ધર્મ! ભક્તિ! તમને કષ્ટના દેનારા જે અસુર તેમને પૂર્વે મેં કૃષ્ણાવતારને વિષે માર્યા હતા તે મારી ઉપર એમને વૈર છે, માટે તમને મારાં જાણીને પીડે છે. તે અસુરના નાશને અર્થે હું જે તે નારાયણ ઋષિરૂપે તમારા થકી પ્રકટ થઈને હરિકૃષ્ણ નામે વિખ્યાત થઈશ અને તમારી ને ઋષિની અસુરના કષ્ટ થકી રક્ષા કરીશ ને તમને દુર્વાસાના શાપ થકી મુકાવીશ. અને અસુરનો ને અધર્મનો ઉચ્છેદ કરીશ ને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મને પ્રવર્તાવીશ.” એમ કહીને શ્રીકૃષ્ણ ભગવાન જે તે અંતર્ધાન થઈ ગયા અને ધર્મના હૃદયકમળને વિષે વિરાજમાન થયા, પછી તે ધર્મભક્તિ જે તે અતિશય આનંદને પામીને ત્યાંથી પાછાં પોતાને ગામ આવીને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિને કરતાં હવાં. અને એવી રીતે એ ધર્મને ભગવાન પ્રસન્ન થયા માટ સર્વે જન જે તે તેમને હરિપ્રસાદ નામે કરીને બોલાવતા હવા.

અને પછી કેટલાક માસ ગયા કેડે તે હરિપ્રસાદજી થકી ભક્તિને વિષે શ્રીકૃષ્ણ ભગવાન જે તે સંવત ૧૮૩૭ અઢારસો ને સાડત્રીસના ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ રાત્રિ દસ ઘડી ગઈ ત્યારે પ્રકટ થતા હવા. તે સમયમાં હરિપ્રસાદના ઘરને વિષે મોટો ઉત્સવ થતો હવો અને ઇન્દ્રાદિક દેવ જે તે જય જય શબ્દને કરતા થકા ને દુંદુભિને વજાડતા થકા પુષ્પનો વરસાદ કરતા હવા. અને અપ્સરાઓ જે તે નૃત્ય કરતી હવી. અને ગંધર્વ જે તે ગાન કરતા હવા. અને મુનિ જે તે આશીર્વાદ દેતા હવા. અને દેવતા ને સાધુનાં જે મન તે અતિ પ્રસન્ન થતાં હવાં અને અસુરનાં જે મન તે તત્કાળ ત્રાસને પામતાં હવાં. અને તે ગામમાં રહેનારી જે સ્ત્રીઓ તે મંગળ ગાતી હવી ને બાળરૂપ એવા જે હરિ તેને આશિષ દેતી હવી. અને તે સમયને વિષે મંદ, સુગંધ ને શીતળ એવા જે વાયુ તે વાતા હવા. અને તારાના ગણે સહિત આકાશ જે તે અતિશય નિર્મળ થતો હવો. તે વાર પછી તે હરિપ્રસાદજી જે તે તે પોતાના પુત્રનું જે જાતકકર્મ તે બ્રાહ્મણ પાસે યથાવિધિ કરાવીને બ્રાહ્મણને ઘણાક પ્રકારનાં દાન આપતા હવા.


ટીપણી

૧. ‘શ્રીગોલોકના મધ્યને વિષે અક્ષરધામ છે’ આ વાક્યને સૈદ્ધાંતિક રીતે સમજાવતાં, વચનામૃતના પરમ રહસ્યને જાણનાર અને પરમાત્માનું ધામ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાના સ્વમુખે કહે છે:
એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે, ‘ગોલોકને મધ્યે જે અક્ષરધામ છે, એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે તે કેમ સમજવું?’ પછી સ્વામી બોલ્યા, ‘જેની જેવી સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્યું હોય. તેમાં કેટલાકે તો બદરિકાશ્રમને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો વૈકુંઠલોકને અક્ષરધામ માન્યું હોય ને કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્યું હોય, પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે.’ તે ઉપર પ્રથમનું ૬૩ (ત્રેસઠ)મું વચનામૃત વંચાવીને કહ્યું જે, 'જુઓ ને, મહારાજ લખી ગયા છે કે, જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય ને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય ને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય ને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશે મોટો જણાય; તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી. અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે; તેમ અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી. ને બીજા ધામની તો અવધિ(સીમા) કહી છે, પણ અક્ષરધામની તો અવધિ કહી નથી, એ સિદ્ધાંતવાત છે.' (સ્વામીની વાતો: ૩/૨૩)

૨. શ્રીકૃષ્ણનું નિરૂપણ અક્ષરધામને વિષે છે તેની સ્પષ્ટતા: અહીં અક્ષરધામને વિષે ‘શ્રીકૃષ્ણ’નું વર્ણન કર્યું છે, પરંતુ શ્રીકૃષ્ણ તો ગોલોકધામના અધિપતિ છે; જ્યારે અક્ષરધામ પુરુષોત્તમ નારાયણનું ધામ છે. આ બંને ધામો વચ્ચેનો તફાવત વચનામૃત પંચાળા ૧, ગઢડા અંત્ય ૨, વેદરસ: પૃ. ૬૮, ૯૧, ૯૬, ૧૪૫; તેમ જ સ્વામીની વાતો: ૩/૧૧, ૭/૩, ૭/૯, ૭/૧૦, ૭/૧૫ વગેરેમાં સ્પષ્ટ જણાવ્યો છે. તેથી અહીં શ્રીકૃષ્ણ ભગવાનને અક્ષરધામાધિપતિ કહ્યા છે તે કેવળ ઔપચારિક સમજવું.

૩. અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ: અણિમા: સૂક્ષ્મરૂપ ધારણ કરવું; મહિમા: મોટું રૂપ થવું; લઘિમા: હળવા ફૂલ જેવું થવું; પ્રાપ્તિ: કોઈ પણ દુરની વસ્તુ પ્રાપ્ત કરવી; પ્રાકામ્ય: પોતાની ઇચ્છા મુજબ નિરાવરણ સ્થિતિ; ઈશિતા: કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ, વિનાશ, સ્થાપના કરવી; વશિત્વ: બધા જડ-ચેતન પદાર્થોને વશ કરી શકે; યત્ર કામાવસાયિત્વ: સંકલ્પો સત્ય થાય. – યોગસૂત્ર (૩/૪૫) તથા ભાષ્ય પ્રમાણે.

૪. ચાર વેદ: ઋગવેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. પૌરાણિક શૈલીને અનુસરીને અહીં ચાર વેદો દ્વારા સ્તુતિ નિરૂપી છે. વસ્તુતઃ ધામમાં ભગવાન, ધામ તથા મુક્તો જ છે. (વચનામૃત ગઢડા મધ્ય ૨૪).

૫. ભગવાનના વિશિષ્ટ અનુપ્રવેશથી જ તમામ અવતારો પૃથ્વી પર પ્રગટ થાય છે. જેમ લોખંડના ગોળામાં અગ્નિના પ્રવેશ પછી તેનાં રૂપ-રંગ બદલાઈ જતાં લોખંડના ગોળાને અગ્નિનો ગોળો કહે છે, તેમ પરમાત્મા વિશિષ્ટ અનુપ્રવેશથી કેશવાદિક ચોવીસ મૂર્તિઓને ધારે છે તેમ જણાવ્યું છે. વસ્તુતઃ કેશવાદિક મૂર્તિઓથી પુરુષોત્તમ નારાયણ ભિન્ન છે. ચોવિસ મૂર્તિઓ: કેશવ, નારાયણ, માધવ, ગોવિંદ, વિષ્ણુ, મધુસૂદન, ત્રિવિક્રમ, વામન, શ્રીધર, હૃષીકેશ, પદ્મનાભ, દામોદર, સંકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, પુરુષોત્તમ, અધોક્ષજ, નૃસિંહ, અચ્યુત, જનાર્દન, ઉપેન્દ્ર, હરિ, કૃષ્ણ. (પંચરાત્ર, પાદ્મસંહિતા, ક્રિયાપાદ: ૧૬/૩૦-૪૨ તથા સત્સંગિજીવન: ૩/૩૫/૪-૧૭).

૬. રામાયણને અનુસારે સરયૂતટનો પ્રદેશ; જેમાં છપૈયાનો સમાવેશ થાય છે.

૭. શ્રીહરિલીલામૃત: કળશ-૪, વિશ્રામ-૮માં નિરૂપણ છે કે નરનારાયણ ઋષિએ પોતાના કારણ એવા શ્રીપુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર્યું. શ્રીપુરુષોત્તમ નારાયણે ધ્યાનમાં જણાવ્યું કે “મારા સંકલ્પે દુર્વાસા ઋષિ આવ્યા છે અને પૃથ્વી પર કળિયુગના બળનો નાશ કરવા હું જન્મ ધરીશ.” આ જ રીતે શ્રીહરિદિગ્વિજય (૨/૩૨-૩૪) તથા હરિલીલાકલ્પતરુ (૧/૧૬-૧૭)માં પણ ઉલ્લેખ છે. તેથી નરનારાયણ પોતે જ શ્રીજીમહારાજરૂપે અવતર્યા હતા તે વાત ઔપચારિક સમજવી.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ