સારસિદ્ધિ

કડવું - ૪૦

સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવીજી

અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા જેવીજી

વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને ઉપમા ॥

શા સરખા સૂચવિયે, જેને જક્ત સુખની નથી તમા1 ॥૨॥

સિંધુને શા સરિખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે ॥

તોલ માપ થાપ2 થાતો નથી, જેનું અતિ અગાધ નીર છે ॥૩॥

જો તીખો અર્ક તપે ઘણું, પણ અણુભાર ઊનો નવ થાય ॥

તેને સમ સર સરિતા વાપી,3 કૂપ કેમ કહેવાય ॥૪॥

તેમ સંત ગંભીર ગરવા4 ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી ॥

અતિ પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરી ॥૫॥

જેમ મહા અર્ણવ5 ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના ॥

તેમ સંસાર સાગર પાર કરવા, જાણો સંત અજર ઝાઝ6 બન્યા ॥૬॥

જેમ ચિંતામણિમાં ચૌદ લોકની, રકમ સર્વે રહી છે ॥

તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સઈ છે ॥૭॥

મોટે ભાગ્યે કરી મળે માનો, સાચા સંતનો સમાગમ ॥

તો તેણે કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ7 ॥૮॥

સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંતશું પ્રીત ॥

નૂન્ય ન રહે તેહ જનને, જાણો જોરે થઈ જાય જીત ॥૯॥

પાર આવી જાય સર્વે પંથનો,8 વળી સરી જાય સહુ કામ ॥

નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમધામ ॥૧૦॥

કડવું 🏠 home