સારસિદ્ધિ

પદ - ૬

રાગ: ગરબી

પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે,

  જીવની જરાય જંપે નહિ ઝાળ1 રે,

પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડે રે,

  સંશયવત રહે સદા કાળ રે... પરોક્ષ૦ ॥૧॥

મુખોન્મુખરે મળ્યા નથી માવજી રે,

  કેવા હરિ જાણી કરશે ધ્યાન રે ।

રૂપ અનુપમ રે કેવું હૃદે રાખશે રે,

  જેને અણ દીઠે છે અનુમાનરે... પરોક્ષ૦ ॥૨॥

અણ મળ્યાની રે અંતરે આગન્યા રે,

  પાળશે કઈ પેરે કરી પ્રીત રે ।

ધર્મને નિ’મ રે કેમ દ્રઢ ધારશે રે,

  જે નથી જાણતા હરિની રીત રે... પરોક્ષ૦ ॥૩॥

વણ દીઠે વાત રે વદને શું વદશે રે,

  નથી આવ્યા દયાળુ દીઠામાંય રે ।

નિષ્કુળાનંદ રે ન મળેલ નાથના રે,

  તેણે ધર્મ નીમ ન રહે કાંય રે... પરોક્ષ૦ ॥૪॥

કડવું - ૨૫

ધર્મ દઢ રાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન ભળેલજી

માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધી છે સહેલજી

સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દૃઢ મને ॥

ધર્મ મૂકીને કામ કોઈ, કરવું નહિ કોઈ દને ॥૨॥

ધર્મે બોલવું ધર્મે ડોલવું, ધર્મે જોવું દૃષ્ટે કરી ॥

સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી ॥૩॥

ધર્મે હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી ॥

ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી ॥૪॥

ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ ॥

કરે2 કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ3 ॥૫॥

સર્વે કામ ધર્મે કરવાં, ધર્મ મૂકી ન કરવું કાંઈ ॥

સર્વે કાળે એમ સમજી, રે’વું સદાય ધર્મ માંઈ ॥૬॥

ધર્મ મૂકીને કારજ કોયે, કે’દી ન ઇચ્છે કરવા ॥

કરી એવી અચળ મતિ, તે રતી ન દિયે ફરવા ॥૭॥

દેહ પર્યંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે તે માંયથી ॥

ટેક4 નેક5 ન તજવી, સદા રે’વું હરિ આજ્ઞાએથી ॥૮॥

ધર્મે થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા ॥

એવા જન થઈ હરિના, રહિયે ધર્મને વળગા ॥૯॥

સુખ દુઃખના સમુહ માંહિ, મૂંઝાઈ ધર્મ મૂકવો નહિ ॥

નિષ્કુળાનંદ કહે નિશ્ચે કરી, ધાર્યો ધર્મ તે ચૂકવો નહિ ॥૧૦॥

 

કડવું 🏠 home