સારસિદ્ધિ

કડવું - ૨૩

રાગ: ધન્યાશ્રી

ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં વિચારીજી ।

હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઈ રે’વું તરત તૈયારીજી ॥૧॥

રાગ: ઢાળ

તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને ।

શીત ઉષ્ણ વરસાદનું, સહી શરીરે સંકટને ॥૨॥

સેવા કરતાં સેવકને, પંડસુખ1 સામું પેખવું2 નહિ ।

સમે સમાજ સારે3 સેવવા, તે વિના સુખ લેખવું4 નહિ ॥૩॥

તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર5

તકે ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામ સુંદર ॥૪॥

સમે ચંદન ચરચવું, સમો જોઈ પે’રાવવા હાર ।

સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને પ્યાર ॥૫॥

સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કર જોડ ।

સદા દીન આધિન રે’વું, કે’વું બક્ષજો6 ગુહ્ના પ્રભુ ક્રોડ ॥૬॥

સમે પ્રભુને પોઢાડવા, સમે નાખવો પંખે પવન ।

સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન ॥૭॥

સમો જોઈ સેવકને, તત્પર રે’વું તૈયાર ।

મન કર્મ વચને કરી, કરવી સેવા કરી બહુ પ્યાર ॥૮॥

જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે કરવું તેમ ।

જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ ॥૯॥

એવા અતિ સુતર7 જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન ।

નિષ્કુળાનંદ કહે નાથના, એ કહિએ સાચા સેવક જન ॥૧૦॥

કડવું 🏠 home