ભક્તિનિધિ

પદ – ૧૨

રાગ: ધોળ વધામણાનું

ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ તરવા સુખરૂપ છે એ ।

સમઝીને જુવો સુજાણ, પાર ઊતરવા એ અનુપ છે એ ॥૧॥

રાગ: ઢાળ

એહ નાવથી જો અપાર, ઊતરિયા અર્ણવને1 એ ।

ન થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ ॥૨॥

ઉચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત2 કરે એ ।

એમ ભક્તિથી જાણજો જન, સુખ કાંઈ પામ્યા સરે એ ॥૩॥

ધન્ય એ ભક્તિ જા’જ,3 તારી તરીયે4 તીર કર્યાં એ ।

પામિયા સુખ સમાજ, તે ભક્તિપ્લવે5 ભવ તર્યા એ ॥૪॥

બેઠા એ બેડીને6 માંયે, બૂડવાની તો બીક ટળી એ ।

કરવું રહ્યું નહિ કાંય, બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ ॥૫॥

સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિભગતિ એ ।

કોણ ભિક્ષુ7 કોણ ભૂપ,8 સહુને આપે એ શુભ ગતિ એ ॥૬॥

એહ વિના નર નિરધાર, પાર તે કોઈ પામ્યા નહિ એ ।

શું કહિયે વારમવાર, સહુ સમઝીને કરો સહી9 એ ॥૭॥

વખાણી વા’ણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ ।

ભાગે10 આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઈ કરવા એ ॥૮॥

ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઈ એ ।

સદા સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઈ એ ॥૯॥

ભક્તિ વશ્ય ભગવાન, આવે છે અક્ષરધામથી એ ।

નક્કી એ વાત નિદાન, જૂઠી જરાયભાર નથી એ ॥૧૦॥

જે જે ધર્યા અવતાર, તે ભક્તની ભક્તિ જોઈને એ ।

નથી થાતો નિરધાર, જે આવે જાણ્યા બીજા કોઈથી એ ॥૧૧॥

જોઈ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ ।

ભક્તિ ભાળી ભરપુર, ભક્તનું દુઃખ નસાવવું એ ॥૧૨॥

તે વિના કર્યો તપાસ, અલબેલો આંહી આવે નહિ એ ।

ભક્તિવાળા ભક્ત પાસ રે’વા ભાવે11 બીજે ભાવે નહિ એ ॥૧૩॥

બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા ભાવે ઘણું એ ।

જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ ॥૧૪॥

એવા ભક્ત જે કોઈ ભાવિક, હરિભક્તિ વિના ભાવે નહિ એ ।

કરી અંતરમાંય વિવેક, ગુણ બીજાનો ગાવે નહિ એ ॥૧૫॥

સર્વે સાધનમાંહિ સાર, ભક્તિ કળશ કંચનનો12 એ ।

રાખવો એનો આધાર, વિશ્વાસ વા’લાના વચનનો એ ॥૧૬॥

તો પામિયે પરમ આનંદ, જીત થાય જોયા જેવડી એ ।

એમ કે’ છે નિષ્કુળાનંદ, સર્વે ઉપર સગ્ય13 ચડી એ ॥૧૭॥

સંવત સુંદર ઓગણીસ, વરસ જુગલ14 વખાણિયે એ ।

ચૈત્ર સુદી નૌમી દિનેશ,15 ગ્રંથ પૂરણ પરમાણિયે16 એ ॥૧૮॥

દો સોરઠા દોહા દોય, ચુંવાળીશ કડવાં કહીયે એ ।

પદ એકાદશ સોય, તેપર એક ધોળ લહીયે એ ॥૧૯॥

પંચ શૂન્ય પર આઠ,17 ભક્તિનિધિનાં ચરણ18 છે એ ।

કહે સુણે કરે પાઠ, તેને અભયકરણ19 છે એ ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તિનિધિઃ સંપૂર્ણઃ ।

 

ભક્તિનિધિઃ સમાપ્તઃ

કડવું 🏠 home