ભક્તિનિધિ

કડવું – ૨૬

રાગ: ધન્યાશ્રી

ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી ।

મહાપ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમજે મારા સ્વામી રહ્યા છે સહુમાંયજી ॥૧॥

રાગ: ઢાળ

સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે1 સદાય ।

એમ જાણી દિલે ડરતા રહે, રખે2 કોયે મુજથી દુઃખાય ॥૨॥

અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખે છે મારા દિલની ।

શું હું સંતાડું સંકલ્પને, એ જાણે છે પળ પળની ॥૩॥

એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર ।

તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતે છે ઉર ॥૪॥

તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે3

કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણે છે સ્વામી સઘળે ॥૫॥

જેના ગુણ ગિરાયે4 ગાવા ઘટે,5 તેશું કેમ બોલાય કટુ6 વચને ।

જેને પૂજવા જોઈએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને ॥૬॥

જેને જમાડ્યા જોઈએ જુગતે7 કરી, તેને કેમ અપાય નહિ અન્ન ।

જેને જોઈએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન ॥૭॥

એમ સમજી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ ।

તેહ વિનાના ભક્ત જેહ, તેહ બાંધે જ્યાં ત્યાં દાવ8 ॥૮॥

પણ ભક્ત જે ભગવાનના, તેને મત9 મમત10 હોય નહિ ।

આપાપર11 જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે સહી ॥૯॥

એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઈ જાતની ।

નિષ્કુળાનંદ ન ભૂલવું, રાખવી ખટક12 આ વાતની ॥૧૦॥

કડવું 🏠 home