ભક્તિનિધિ

કડવું – ૩૪

રાગ: ધન્યાશ્રી

ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભક્તિ વિના જેણે પળ ન રે’વાયજી ।

શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી1 ॥૧॥

રાગ: ઢાળ

સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી ।

અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ॥૨॥

હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા ।

ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા2 ॥૩॥

ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમજે નઈ ।

ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઈ ॥૪॥

ભક્તિ વિનાનો નહિ ભરોસો, સદા સ્થિર રે’વા કોઈ ઠામ ।

માટે મૂકી ન શકે ભગતિને, અતિ સમજી સુખનું ધામ ॥૫॥

નવે પ્રકારે નકી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ ।

તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ ॥૬॥

અહંમમત જાય જ્યારે ઊચલી,3 ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા ।

ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઈ મણા ॥૭॥

અરસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ ।

અંતરાય નહિ એકાંતિકપણું, ઘણું રહે શ્યામની સંગાથ ॥૮॥

એવે ભક્તે ભગવાનની, ભલી ભાત્યે ભજવી ભગતિ ।

ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ ॥૯॥

કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ ।

નિષ્કુળાનંદ ન કરીએ, ભક્તિ લોક દેખાડવા કાજ ॥૧૦॥

કડવું 🏠 home