ભક્તિનિધિ

કડવું – ૧૯

રાગ: ધન્યાશ્રી

કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઈ એવો ઉપાયજી ।

જે જે કર્યું તે ભર્યું દુઃખ માંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ॥૧॥

રાગ: ઢાળ

સા’ય ન થાય ભૂંડપની ભક્તિએ, કોઈ કરે જો કોટિ ઘણી ।

પરિચર્યા1 પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ॥૨॥

ઉનાળે પે’રાવે ઊનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું ।

સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું? ॥૩॥

વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે ગરમ ભોજન ।

પાય પાણી ઊનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન ॥૪॥

જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ ।

એવી સેવા કરે વણ સમજે, તે શત્રુ સરીખો દાસ ॥૫॥

ચોમાસે ચલાવે કીચ2 વચ્ચે, જેમાં સૂળ્યોના હોય સમોહ ।

એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ3 ॥૬॥

શિયાળે શીતળ જળ લઈ, નવરાવે કરીને નીરાંત ।

પછી ઓઢાડે પલળેલી પાંબડી,4 નાખે પવન ખરી કરી ખાંત5 ॥૭॥

વળી ચર્ચે ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભીંજેલ6 હાર ।

પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને, એવી સેવાના કરનાર ॥૮॥

સવળી સામગ્રી શોધતાં, અવલોકે ન મળે એક ।

અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક ॥૯॥

જો આવડે તો જોઈ સમયે, સેવા કરવી સુજાણ ।

નિષ્કુળાનંદ નરનાથ7 છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ8 ॥૧૦॥

કડવું 🏠 home