ભક્તિનિધિ

કડવું - ૧૦

રાગ: ધન્યાશ્રી

ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી ।

તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાજજી ॥૧॥

રાગ: ઢાળ

તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ ।

સમ વિષમમાં સરખી રહે, માન અપમાને એક મતિ ॥૨॥

પ્રસંશા સુણી નવ પોરસે,1 નિંદા સુણીને નવ મૂંઝાય ।

ઉભય2 ભાતનો અંતરે, હર્ષ શોક ન થાયે કાંય ॥૩॥

જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ ।

પણ નટ ન જુવે કોઈને, જો જુવે તો બગડે કામ ॥૪॥

તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ ।

ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ ॥૫॥

વળી આ લોકની જે આબરુ, રહો કે જાઓ જરૂર ।

ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર3 ॥૬॥

જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક ।

જોઈ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઈ શોક ॥૭॥

ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઈને ગુણ અવગુણ ।

જેની નજર પો’તી છે પરાથી પર,4 તેને અધિક ન્યૂન કહો કુણ ॥૮॥

જેને આવડ્યું જળ તરવું, તેને ઊંડું છીછરું છે નહિ ।

મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ॥૯॥

ખેચર5 ને ભૂચરની,6 જાણવી જૂજવી ગતી ।

નિષ્કુળાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી ॥૧૦॥

કડવું 🏠 home