ભક્તિનિધિ

કડવું – ૧૫

રાગ: ધન્યાશ્રી

પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી1

પ્રગટને ભજી પામ્યા કંઈ ભવ પારજી, ખગ2 મૃગ3 જાતિ નર ને નારજી ॥૧॥

રાગ: ઢાળ

નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી ।

તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ॥૨॥

જેની સાથે જમ્યા રમ્યા જીવન, પુરુષોત્તમ પ્રાણઆધાર ।

હળ્યા મળ્યા અઢળ4 ઢળ્યા,5 કહો કોણ આવે એની હાર ॥૩॥

જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર ।

સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર ॥૪॥

એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ6

કહ્યું પામત જન્મ પશુપાળનો,7 તો રે’ત નહિ કાંએ પોચ8 ॥૫॥

એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો સત્કાર ।

બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર ॥૬॥

અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ ।

તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે9 ન પામ્યો સુરરાજ10 ॥૭॥

વાલ્મિકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ ।

તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ વિશાળ ॥૮॥

સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ11 મળી ।

ડાહ્યા શાણા12 રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ॥૯॥

એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઈ ।

નિષ્કુળાનંદ નિશ્ચે વારતા, સૌને સમઝવી મનમાંઈ ॥૧૦॥

કડવું 🏠 home