ભક્તિનિધિ

કડવું - ૩

રાગ: ધન્યાશ્રી

જોને કોઈક કરે છે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી ।

સત્ય જોગ જગને વાવરે ગર્થજી,1 જેવી હોય તને મને ધને સામર્થજી ॥૧॥

રાગ: ઢાળ

સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઈ ।

શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઈ ॥૨॥

એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ ।

તે શિશુ સમજણ સેવકની, ત્યાગી તૂપને2 માગી છાશ ॥૩॥

જેમ રીઝવે કોઈ રાજનને, પ્રસન્ન કરીને માગે પિયાજ3

તે આપતાં અતિ અવનીશને,4 લાગે લોકમાં ઘણી લાજ ॥૪॥

માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ ।

જે પામી પડે પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ॥૫॥

તે શોધી સર્વે સમજવું, જોઈ લેવું જીવમાં જરૂર ।

અંતવત5 સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર ॥૬॥

જેમ કણ મૂકી કૂકસને,6 જાચે7 તુષને8 તજી તાંદૂળ9

તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ॥૭॥

ચાર પ્રકારની મુગતિ, અતિ સુખદ કહે સુજાણ ।

પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એ જ અજાણ ॥૮॥

જેમ ફોગટ10 ફળ ફૂલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં ।

એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં? ॥૯॥

માટે રાજી કરી રંગરેલને, માગવું વિચારીને મન ।

નિષ્કુળાનંદ ન માગવું, જેને માથે હોય વિઘન ॥૧૦॥

કડવું 🏠 home