વચનામૃત નિરૂપણ

કારિયાણી ૧૨

એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે, “બીજા અવતારે વર્તમાન પળાવ્યાં નથી ને કલ્યાણ તો કર્યાં છે, ને આજ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે તેનો શો હેતુ છે?” પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “બીજાએ કલ્યાણ કર્યાં છે પણ કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યાં નથી, ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યાં હોય તો ગોલોક ને વૈકુંઠલોકમાં કજિયા શા સારુ થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ કરી અને વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી; એમ જાણતાં ત્યાં કારણ શરીર નહીં ટળ્યું હોય ને મહારાજ તો કારણ શરીર ટાળવા સારુ સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પળાવે છે, તેણે કરીને તો કારણ શરીરનો નાશ થઈ જાય છે.” તે ઉપર વચનામૃત કારિયાણી ૧૨ વંચાવીને કહ્યું જે, “આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યું છે. તે સારુ વર્તમાન પળાવીને કલ્યાણ કરે છે, એ હેતુ છે.”

૧. એક વાર ગોલોકમાં ભગવાને વિરજા નામની ગોપીને પોતાની સાથે રાસમંડળમાં લીધી. આ સાંભળી રાધાને રીસ ચઢી ને ભગવાનને ઠપકો દેવા ગયાં. જ્યાં તે પહોંચ્યાં કે તરત વિરજાની સાથે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને વીરજા સાથે ઈર્ષ્યા હતી, ફરી એક વાર શ્રીદામા, કૃષ્ણ ને વિરજા ત્રણેને ગોષ્ઠી કરતાં જોયાં. રાધાજીએ ભગવાનને ન કહેવાનાં વેણ કહ્યાં ને નિંદા કરી. ભગવાન તો સાંભળી રહ્યા, પણ તેમના પાર્ષદ શ્રીદામાથી આ સહન ન થયું એટલે તેમણે રાધાજીને ઠપકા સાથે શાપ દીધો કે, “ગુર્જર સુથારને ઘેર તારો જન્મ થાય.” રાધિકાજીએ પણ શ્રીદામાને સામે શાપ આપ્યો, “તું પણ દાનવ કુળમાં જન્મ લે.” આ શાપને લીધે શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. (બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩)

૨. વૈકુંઠલોકમાં વિષ્ણુના દ્વારપાળ પાર્ષદો, બંને ભાઈઓ હતા. એક વાર સનકાદિક વૈકુંઠમાં આવ્યા ત્યારે આ બંને ભાઈઓએ તેમને રોક્યા ને નાના બાળકો ગણી અપમાન કર્યું. આથી તેમનો શાપ પામતાં બંને ભાઈઓને ત્રણ જન્મ સુધી રાક્ષસકુળમાં જન્મ લેવો પડેલો. જય ક્રમે હિરણ્યાક્ષ, રાવણ ને શિશુપાલ થયો ને વિજય ક્રમે હિરણ્યકશિપું, કુંભકર્ણ ને દંતવક્ત્ર થયો.

[સ્વામીની વાતો: ૩/૫૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ