પરિશિષ્ટ: ૩-અ
વસ્ત્ર-પરિધાન, વાઘા, આસન વગેરેના અર્થો
વસ્ત્રો-વાઘાના શબ્દાર્થો
ખેસ
- ઉત્તરીય; પુરુષને ખભે નાંખવાની પછેડી-દુપટ્ટો.
- ખેસ ધોતી તરીકે પહેરવાના તેમ જ ઉપરણી તરીકે ઓઢવાના - એમ બંને ઉપયોગમાં લેવાતો. (અંગવસ્ત્ર-ઉપરણો).
ધોતિયું
- ધોવાય અને પહેરાય તેવું, પુરુષને કમરથી નીચેના ભાગને ઢાંકવા માટે પહેરવાનું સીવ્યા વિનાનું લાંબું વસ્ત્ર.
- પોતિયું (પુરુષને કમરે વીંટાળીને પહેરવાનું વસ્ત્ર, ઘૂંટણ સુધી આવતું નાનું ધોતિયું).
ધોતલી
- નાનું ધોતિયું, છોકરાને પહેરવાનું ટૂંકું ધોતિયું.
અંગરખું
- પુરુષને પહેરવાનું સીવેલું ગળાથી તે ઘૂંટણ સુધીનું કપડું.
- લાંબું કેડિયું.
- જૂની ઢબે બાંધવાનો ડગલો.
જામો
- મોટા ઘેરવાળો ઘણો જ નીચો અંગરખો. ઢીંચણની બહુ નીચે સુધી ઘેરદાર ડગલો. કોઈ કોઈ જગ્યાએ જામાને ‘વાઘો’ પણ કહે છે. શરીર ઉપરના આવા ઝભ્ભાને જામો અને પગ ઉપરના તેના ઇજારને ‘પાયજામો’ કહે છે.
ડગલી
- અસ્તરવાળી બંડી (અસ્તર એટલે કપડાંની અંદર સીવેલું લૂગડું)
- કોલર વિનાનું અને કમર સુધી આવતું બાંય વિનાનું કે બાંય સહિતનું પહેરણ.
- નાનાં છોકરાં અને સ્ત્રીઓને પહેરવાની અસ્તરવાળી અંગરખી.
પછેડી
- ઓઢવાનું જાડું કપડું, ચાદર, પછેડી, ચોફાળ, ઓછાડ.
- ખેસ, દુપટ્ટો, ઉપરણો.
શાલ
- ઊંચી જાતની ભરેલી કિનારવાળું, ઊન, સૂતર, રેશમ વગેરેનું ચોરસ અથવા લંબચોરસ ઓઢવાનું કપડું.
- ઓઢવાની ગરમ ધાબળી.
- શાલ મોટે ભાગે ઠંડીથી બચવા ઓઢાય છે પણ કેટલીક વખત શોભાના વસ્ત્ર તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. કાશ્મીરી શાલ વિશ્વવિખ્યાત છે.
શેલું
- કસબી કોર-પાલવવાળો બારીક સુંદર વણાટનો ખેસ; કસબી ઉપરણો; ઉત્તરીય વસ્ત્ર
- શેલું માથે બંધાતું તેમજ ઓઢાતું પણ ખરું.
- સ્ત્રીઓને પહેરવાની કસબી પાલવવાળી એક પ્રકારની કિંમતી સાડી.
ચાદર
- ધોળા કપડાનો પાંચ-સાત હાથ લાંબો કટકો.
- ઓછાડ, ગાદલાં પર પાથરવાનું વસ્ત્ર.
- પછેડી, ઓઢવાનું જાડું કપડું.
ચોફાળ
- બેવડી જાડી ઓઢવાની ચાદર, તેની લંબાઈ ૨૪ હાથ હોય છે. કાઠિયાવાડના સોરઠ પ્રદેશમાં બગસરા, બીલખા અને વંથલીમાં સારી બને છે.
રજાઈ
- આછું રૂ ભરેલી ઓઢવાની ગોદડી.
સુરવાળ
- સુરવાળ એટલે પાયજામો, લેંઘો કે ચોરણો.
- ઘૂંટીથી ઢીંચણ સુધી બેસતો ને ઉપરથી ખુલ્લો એવો લેંઘો, સૂંથણો. સાથળ આગળ ખૂલતો હોય તેવો લેંઘો, મોટી ચોરણી.
પાઘ
- મસ્તક પર શણગાર માટે બાંધેલ ખાસ પ્રકારનું ફળિયું, મોટી પાઘડી.
- શૃંગાર વખતે ભગવાનના મસ્તકે ધરવાની પાઘડી.
- મસ્તક પર કપડાને વીંટીને બનાવેલો અમુક ઘાટ.
- પ્રદેશવાર અલગ અલગ પ્રકારે પાઘ બંધાય છે. જેમ કે ગુજરાતી, દક્ષિણી, કચ્છી.
ફેંટો
- માથે બાંધવાના કપડાનો અમુક આંટાદાર ઘાટ.
- માથે બાંધવાનું ટૂંકા પનાનું લાંબું ઝીણું કપડું.
- ફેંટો માથે બંધાતો તે જ રીતે કેડે પણ બંધાતો.
રેંટો
- કમરે બાંધવાનું લૂગડું.
- માથે બાંધવાનો કસબી કિનારનો ઉપરણો, ફેંટો, મોળિયું કે શેલું.
રૂમાલ
- સ્વામિનારાયણ સંપ્રદાયની ત્યાગીઓની માથા ઉપર બાંધવાની પાઘડી.
- હાથ-મોં લૂછવા રખાતો ઝીણા કપડાનો ચોરસ નાનો ટુકડો.
મોળિયું
- સોનેરી છેડાવાળી લાલ કસબી પાઘડી; મોળ, કસબી ફેંટો; મંડીલ.
- કસબી બારીક વણાટની પાઘડી.
બોકાની
- બેઉ કાન અને દાઢી ઢંકાય તેમ કપડાંથી માથું બાંધવું તે.
આસનના શબ્દાર્થો
ઢોલિયો
- મોટો રંગીન પાટી ભરેલો ખાટલો, પલંગ, સૂવાની ખાટ.
ગાદી-તકિયા
- બેસવા માટે રૂ ભરેલી પોચી ગાદી અને અઢેલવા માટે તકિયાવાળું આસન.
- ગાદી: ઊંચી બેઠક, તખ્ત, સિંહાસન.
- તકિયો: અઢેલીને બેસાય એવું બરડા પાછળ મૂકવાનું કે માથા નીચે ઘાલવાનું પોચું રૂ અથવા રેશમ ભરેલું ગોળ કે લંબગોળ જાડું ટેકણ.
પાટ
- ખાટલા જેવું પણ લાકડાનાં પાટિયાં જડીને બનાવેલું બેસવાનું મોટું ચોકઠું.
- પાટિયાંનું સુશોભિત આસન, ઘણા માણસ બેસી શકે એવી પાટિયાની ઊંચી બેઠક, ચોતરો.
બાજોઠ
- ચાર પાયાનું લાકડાનું આસન; માંચો, પાટલાથી જરાક વધારે ઊંચી ને સારી બનાવટની બેઠક.
ચાકળો
- બેસવા માટે ચોરસ આકારનું હીર ભરેલું આસનિયું.
- સાંગામાંચી ઉપર નાંખવાની ગાદી.
સિંહાસન
- સિંહની આકૃતિવાળું ઊંચું આસન.
- રાજા, દેવ કે આચાર્યનું વિશિષ્ટ આસન.
વેદિ-વેદિકા
- પીઠ, બેસણી, વેદી; યજ્ઞ કે હોમ કરવા બનાવેલી માટીની ઓટલી.
- ઊંચું બનાવેલું આસન, ઊંચી બેઠક.
ઓટો
- બેઠક તરીકે વપરાય તેવી ઘરને અડીને કરાતી ઊંચી જગ્યા.
ઓટલો
- પથ્થર વગેરેની બનાવેલી ઊંચી બેઠક.
- આગલા બારસાખની આગળ કાઢેલ ચોતરો.
મંચ
- ઊંચે બેસવાને માટે બનાવેલી બેઠક, મેડો.
- ચાર પાયાનું સુંદર બેસવાનું સુખાસન, ઉચ્ચ આસન.
વિશેષ શબ્દાર્થો
અતલસ
- એક જાતનું રેશમી કાપડ.
આસમાની
- આકાશના જેવા રંગનું, વાદળી, નીલો વર્ણ.
કિનખાબ
- જરીબુટ્ટાના વણાટનું રેશમી વસ્ત્ર.
- રેશમ અને કસબને સાથે વણીને બુટ્ટાદાર છાપ પાડેલી હોય તેવું વસ્ત્ર (કસબ-રેશમના તાંતણા સાથે વણેલા સોના-રૂપાના તારવાળું બારીક કાપડ, ઇજિપ્તમાં બનાવાતું એક જાતનું શણનું કાપડ).
કસુંબલ
- (કસુંબા - મદ્રાસ, યુરોપ, જાપાન, હિન્દુસ્તાનમાં બનતું એક જાતનું આ કપડું ગોદડાના પડ અને પાઘડીમાં વપરાય છે.)
જરિયાની
- જરીવાળું (જરી - સોના-રૂપાના તાર સાથે વણેલો તંતુ).
- જરી ભરેલું.
જરકસી
- સોના-રૂપાના તારની ગૂંથણી (ભરત કે વણતર હોય તેવું).
- કસબના ભરતવાળું.
- સુતરાઉ કે રેશમી કાપડ ઉપર કસબના બુટ્ટા અથવા વેલ પાડેલ હોય તેવું.
બુટ્ટાદાર
- બુટ્ટાબુટ્ટાવાળું, જેમાં સુશોભિત ચાંલ્લા હોય તેવું બુટ્ટીદાર, નકશી કે ભરતવાળું.
દોરિયાની
- વણાટમાં થોડે થોડે અંતરે જાડા દોરાની ભાત હોય એવું કપડું, એક જાતનું બારીક આડી કે ઊભી લીટીવાળું કપડું.
હીરકોરી
- રેશમી કોરનું, રેશમી કિનારવાળું.
રાતું
- ઊગતા સૂર્યના જેવા વર્ણનું, લોહિત; લાલ ચણોઠીના રંગનું; કસુંબી રંગનું.
તાસતો
- એક જાતનું રેશમી કપડું, કિનખાબ.
- જૂના વખતમાં હિન્દુસ્તાનમાં વણાતું એક જાતનું સુતરાઉ કાપડ.
ગરમ પોસ
- ઠંડીમાં શેક કરવા માટે વપરાતી ખસખસનાં જીડવાંની પોટલી.
- ગરમ પોસનું એટલે અંદર કાપડનાં બે પડ વચ્ચે રૂ ભરીને સીવેલું વસ્ત્ર.
ગૂઢો રંગ
- ઘેરો રંગ, ઘાટો રંગ.