હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૭

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે સમજ્યો સહી, આજ થકી એહ વાત ॥

નેક અતિ નરસું થયું, ઘરને કરી ઉતપાત ॥ ૧ ॥

વાઘ વીંછી વ્યાળને, પાળી કરે કોય પુષ્ટ ॥

સુખ સ્વપ્ને આપે નહિ, દુઃખદાયી એહ દુષ્ટ ॥ ૨ ॥

ગમ1 વિના ફાંસીગરનો,2 વડો કર્યો વિશ્વાસ ॥

ગરીબ થઈ રહી ઘરમાં, નાંખી ગળામાંહી ફાંસ ॥ ૩ ॥

જે જે મારાં વેરવી,3 પાપી પૂરાં પ્રસિદ્ધ ॥

સદ્‌ગુરુ એ ઓળખાવજો, વેરી સહુ બહુ વિધ ॥ ૪ ॥

સદ્‌ગુરુ ઉવાચ

સદ્‌ગુરુ કહે શુદ્ધ શિષ્ય તું, ઓળખ્યો મેં અભિપ્રાય ॥

કહેતાં કસર નહિ રહે, જો સમુ તે સમજાય ॥ ૫ ॥

અંતર ચોરી અણુ જેટલી, છાની નહિ રહે છેક ॥

દઈશ દેખાડી તુજને, ઓળખાવી એકોએક ॥ ૬ ॥

દિગ વાયુ દેખાડિયાં, તેમ જ સમજે સૂર ॥

નેત્ર દ્વારે રૂપને, જોઈ લાવે છે જરૂર ॥ ૭ ॥

બાળ યુવા યુવતી, વૃદ્ધ વનિતા જાણ ॥

શ્યામ શ્વેત શરીર શું, પેખી રાખી પરમાણ ॥ ૮ ॥

આભૂષણ અનેક વિધ, ઘણે પ્રકારે ઘાટ ॥

કનક રૂપા ત્રાંબા કલી,4 પીતળ સીસાં પાટ5 ॥૯॥

વેઢ વીંટી કુંડળ કડાં, હાંસ હૂલર હાર ॥

પોંચી બાજુ બેરખા, કડી વેલ તંગળાકાર ॥૧૦॥

તોરા ઉતરી સાંકળી, સુંદર મોતી શિરપેચ ॥

કંકણ મુદ્રિકા મેખળા, નૂપુર રૂપદલવિચ ॥૧૧॥

કે’તાં પણ કહેવાય નહિ, ઘરેણાં ઘણી જાત ॥

રૂપ આકાર હૃદયે, રહે છે દિન ને રાત ॥૧૨॥

રાળ રૂપૈયા મો’ર મમુદિ,6 પૈસા બહુ પ્રકાર ॥

એહ સર્વે અંતરે, રહ્યા રૂપ આકાર ॥૧૩॥

એહ આદિ અનેકવિધ, ધાતુ ધનનું રૂપ ॥

આવી વસ્યું અંતરે, સમજ્યો સુખદ સ્વરૂપ ॥૧૪॥

એક લોહમાં લેખું નહિ, એટલાં રૂપ આકાર ॥

શસ્ત્ર સર્વ શોધી કહું, તો કહેતાં ન આવે પાર ॥૧૫॥

ઠાર લુહાર કૃષીકર, સૈ સંઘાડિયા સોનાર ॥

ઉદ્યમ કરે આયુધ વડે, નાઈ જણસાલી કંસાર ॥૧૬॥

એનાં આયુધ અનેકવિધ, તે વડે ઘડ્યા જે ઘાટ ॥

કહેતાં પણ કહેવાયે નહિ, નથી કહેતા તેહ માટ ॥૧૭॥

ધુબાકો7 ને ધાર8 અણી,9 એહ સંબંધી આયુધ ॥

લડી મરે સહુ લોકમાં, કરે પરસ્પર યુદ્ધ ॥૧૮॥

રોમરોમમાં રમી રહ્યાં, રૂપ એ રગરગ માંય ॥

નખશિખા ખાલી નથી, એ વિના અંતર કાંય ॥૧૯॥

કાષ્ટ તણાં કહું કેટલા, ઘડી કર્યા જે ઘાટ ॥

વા’ણ વહેલ્ય રથ પાલખી, પલંગ પટારા પાટ ॥૨૦॥

ગાડાં ઘાંણી ઘોડિયાં, જોડિયાં સાંતી સોય ॥

ચિચુ ચારટ ચરખા, રેંટ રેંટિયા હોય ॥૨૧॥

મેડી મોહોલ હવેલિયો, તેમાં કર્યાં જે રૂપ ॥

એહ ઉતાર્યાં અંતરે, સમજી સુખદ સ્વરૂપ ॥૨૨॥

પૃથવીઘાટ બહુ પેખિયે, કર્યાં જેહ કુંભાર ॥

નયણે જોઈ નકી કરી, રાખ્યા હૃદય મોઝાર ॥૨૩॥

ગોળા ઘડા ગાગરડિયો, હાંડી ઢંકપાત્ર હજાર ॥

કૂંડા કૂંડી તાવડી, બરણી બતક અપાર ॥૨૪॥

કમંડળ કરવા કોડિયાં, ચપણ ચરૂડા ઈંટ ॥

નાળ શરાવા મોભિયાં, રાખ્યાં ઉર જોઈ મીટ ॥૨૫॥

એમ ઠાર10 લુહાર સોનારનાં, કંસાર કુંભાર સલાટ ॥

કહ્યા ન જાયે કોયથી, ઘણા ઘડ્યા જે ઘાટ ॥૨૬॥

ઝાડ પા’ડ પાષાણ પૃથવી, પુર શહેર નગર નદી કોટ ॥

લઈ લઈ ભર્યાં ભીતરે, રાખી નથી કાંયે ખોટ ॥૨૭॥

નોર11 ખરી12 ને ડાબલો,13 એહ સંબંધી પશુ જાત ॥

રાખ્યાં રૂપ એહ હૃદયે, કહિયે ક્યાં લગી વાત ॥૨૮॥

નર નારી નપુંસક, મનુષ્ય ત્રણ પ્રકાર ॥

આણી ઉતાર્યાં અંતરે, નામ રૂપ આકાર ॥૨૯॥

સિંગ14 સરાડી15 પોપટો,16 એહ સંબંધી જે અન્ન ॥

ઓળખી રાખ્યાં એહને, ઝાઝી કરી જતન ॥૩૦॥

ઘા17 વા18 બોલે ઘસરકે,19 એહ સંબંધી વાજિંત્ર ॥

રૂપ સહિત રૂડી રીતે, એહ રહ્યાં છે અંત્ર20 ॥૩૧॥

પંચરંગી બહુ પે’રનાં, કાપડ કહું છું કોટ ॥

નેત્રથી ભીતર ભર્યાં, રાખી નહિ કાંઈ ખોટ ॥૩૨॥

જે જે રૂપ જગતમાં, દીઠાં સુણ્યાં સોય ॥

એહ રહ્યાં છે અંતરે, નથી તે બા’રુ કોય ॥૩૩॥

વારંવાર શું વર્ણવું, ભર્યું ભૂંડાયે ઘર ॥

કહી કહી કહિયે કેટલું, કાંઈક વિચાર તું કર ॥૩૪॥

અમૂલખ આ મનુષ્યનો, જનમ જાય છે જાણ ॥

ગાફલપણે ઘરમાં, થાય છે મોટી હાણ ॥૩૫॥

તું માને છે તારા મનમાં, ભારે છું હું ભગત ॥

સમજે છે સમજુ આપને, અણસમજુ જાણી જગત ॥૩૬॥

સમજાવે છે તું સહુને, છે અંતરે અંધારું ઘોર ॥

ઉઘાડી જો તું આંખ્યને, ઘેર્યું ઘર ઘણે ચોર ॥૩૭॥

સમજ્યા વિના કાં સૂઈ રહ્યો, ગયો સર્વે માલ ॥

લીધું લૂંટી લાંઠિયે,21 દીધા તે ભૂંડા હાલ ॥૩૮॥

સોરઠા

ખરી ખાધી તેં ખોટ, શત્રુ મિત્ર સમાન સમજી ॥

કહી કહિયે જો કોટ, ગાફલને ગમ ન હોય રતી ॥૩૯॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે સપ્તમઃ પ્રસંગઃ ॥૭॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫