હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૧૧

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે કર જોડીને, સુણિયે મારા નાથ ॥

એ છે કામ માહેરું, કે કાંઈ છે હરિને હાથ ॥ ૧ ॥

પડતી રાત પ્રભાત લગી, કોય ઉલેચે અંધાર ॥

ઊગ્યા દિન વિન તમનો, કહો કેમ આવે પાર ॥ ૨ ॥

જેમ આકાશે ઉડુ1 અતિ, કરે જામનીયે2 જ્યોત ॥

દિનમાં એક દિસે નહિ, એ પ્રતાપ અર્ક ઉદ્યોત3 ॥ ૩ ॥

નિશાચર4 નરસાં અતિ, દિયે રાતમાં દુઃખ ॥

પણ જ્યારે રવિ પ્રગટે, ત્યારે શાહાને5 સુખ ॥ ૪ ॥

માટે કહું સદ્‌ગુરુ સુણો, જોઈ એ પ્રભુનું જોર ॥

એકલે મારે આદરે, નહિ ભાગે એહ ચોર ॥ ૫ ॥

દોહા (સદ્‌ગુરુ ઉવાચ)

સદ્‌ગુરુ કહે એહ આગળે, નથી બીજાનું બળ ॥

પ્રભુના પ્રતાપથી, સંત કાઢે કરી કળ ॥ ૬ ॥

જગતમાં જે જીવ છે, અજ્ઞાની અપાર ॥

તે શું વાત તપાસશે, જે વિષય વશ નરનાર ॥ ૭ ॥

નથી એહને અંતરે, ખોટ્ય ખાટ્ય6 ખબર ॥

પશુવત પાળે7 પિંડને, એવાં ઘણાં ઘરઘર ॥ ૮ ॥

પણ જેને શરણ જગદીશનું, તેને કરવો તોલ8

જક્ત જાશે જમપુરીયે, ભક્ત જાશે બ્રહ્મમોલ ॥૯॥

એ મોટી કમાણી માનીને, કરજો આગ્રહ કોય ॥

દેખી તેનો દાખડો, સા’ય કરે હરિ સોય ॥૧૦॥

રાતદિન હૃદયમાંઈ, લિયે એશું લડાઈ ॥

સુખ-દુઃખ પડે શરીરને, કદીયે ન જાયે કાંઈ ॥૧૧॥

સંકલ્પ એક શમાવતાં, ઊઠે બીજા અનંત ॥

જુગતી કરી જીતી લિયે, સાચા કહિયે તે સંત ॥૧૨॥

આવે અતિ કોઈ આકરો, જીત્યો પણ નવ જાય ॥

જોઈ તેના જોરને, કાયર કેદી ન થાય ॥૧૩॥

હૈયામાં હિંમત ઘણી, પાછા ન ભરે પગ ॥

પ્રમાદપણું પરહરી, મંડ્યો રહે તે મૂવા લગ ॥૧૪॥

ન દિયે દોષ નાથને, ખોળે પોતાની ખોટ ॥

સતસંગી સાધુ તણી, મુખે કહે બહુ મોટ9 ॥૧૫॥

જગજીવન તેને જોઈને, કરે કૃપાની દૃષ્ટ ॥

પાપી એના પંડથી, ભાગી જાય તે ભ્રષ્ટ ॥૧૬॥

જેમ સોએ તસ્કર સામટા, તાક્યા હોય તૈયાર ॥

ધણી જાગ્યે ભાગે ભલા, વળી ન કરે કોય વાર ॥૧૭॥

એમ પ્રભુના પ્રતાપથી, ભાગે છે એહ ભૂર10

રજનીતમ કેમ રહે, જ્યારે ઊગે સૂર ॥૧૮॥

એમ સાચા સંતની, સા’ય કરે ઘનશ્યામ ॥

મદત11 ન મેલે મહાપ્રભુ, જોઈ જન નિષ્કામ ॥૧૯॥

સુખ તજી શરીરનું, આદરિયું એહ કાજ ॥

તેની હરિ રાખશે, જરૂર જાણો લાજ ॥૨૦॥

ધ્રુવ પ્રહ્લાદ અંબરીષનો, રાખ્યો આગે રંગ ॥

તેમ તેનો રાખશે, સાચો જોઈ સત્સંગ ॥૨૧॥

કસર કોઈ જાતની, જ્યારે દેખે નહિ દયાળ ॥

ત્યારે તેહ ભક્તની, પ્રભુ કરશે પ્રતિપાળ ॥૨૨॥

ખરી હિંમત કરી ખેચરી,12 કર્યું સિંધુશું વેર ॥

ત્યારે તેની ઉપરે, થઈ મોટાની13 મે’ર ॥૨૩॥

માટે સાચો થઈ મંડે, રાજી કરવા રામ ॥

તેને કેમ તરછોડશે, સુખદાયી ઘનશ્યામ ॥૨૪॥

સાચા માથે શ્યામળો, રાજી છે રણછોડ ॥

કાને ન સુણે કપટીનું, મર કરે સ્તુતિ ક્રોડ ॥૨૫॥

બા’રે બીજું દેખાડવું, કરવું બીજું કામ ॥

એવા કપટી ભક્તનું, નાથ ન પૂછે નામ ॥૨૬॥

વેષ બનાવી સંતનો, રાખ્યો વિષયશું નેહ ॥

ભજન તેનું ભીતરમાં, કહિયે જો કપટી તેહ ॥૨૭॥

પંચ વિષય વશ થઈ રહ્યો, તેશું જ લાગ્યું તાન ॥

કપટી તેને કારણે, ભજે છે ભગવાન ॥૨૮॥

ધારી માળા તિલકને, સાધુ કહેવાણો સોય ॥

અંતરમાં અસાધુતા, કાઢી ન શક્યો કોય ॥૨૯॥

એવા કપટી જનની, શ્રીહરિ ન કરે સા’ય ॥

સાચા સંતની શ્યામળો, આવી ગ્રહે છે બાંય ॥૩૦॥

સોરઠા

બાંય ગ્રહે બળવીર, તેહ ન મૂકે મહારાજ કદિ ॥

એમ સમજી શિષ્ય સુધીર, કર આદર આગ્રહશું અતિ ॥૩૧॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે એકાદશઃ પ્રસંગઃ ॥૧૧॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫