હૃદય પ્રકાશ

પ્રસંગઃ ૧૨

દોહા (શિષ્ય ઉવાચ)

શિષ્ય કહે જે સદ્‌ગુરુ કહ્યું, તે સર્વ સુણ્યું સુખધામ ॥

પણ અંતર ઘાટ શમ્યા વિના, કેમ મનાય પૂરણકામ ॥ ૧ ॥

ભજન સ્મરણ ધ્યાનમાં, એ આવે આડાં ઉ૨ ॥

તેણે કરીને તનમાં, ઝાંખ્યપ રહે જરૂર ॥ ૨ ॥

કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય ॥

ખરખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય ॥ ૩ ॥

ભક્ત થયા ભગવાનના, અને લિયે સંકલ્પ લાજ ॥

એહ વાતની ઉરમાં, મોટી ખોટ ગુરુરાજ ॥ ૪ ॥

અયોગ્ય સંકલ્પ ઊપજી, વરતે જો પળવાર ॥

સુખ રહે કેમ તે સંતને, માને મને ધિક્કાર ॥ ૫ ॥

સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય થાય જો એક ॥

દિલ દેહે દાઝે ઘણું, ન રહે સુખ તે નેક ॥ ૬ ॥

તેને ઠેકાણું ઠરવા, બતાવિયે ગુરુ ધીર ॥

જેણે કરી અતિ ઉરમાં, શાંતિ રહે સુખ શિર ॥ ૭ ॥

અંડજ1 ઉદ્‌ભિજ2 જે કહીએ, સ્વેદજ3 જરાયુજ4 ખાણ ॥

એમાં સહુ જન્મે મરે, એમ કે’ છે વેદ પુરાણ ॥ ૮ ॥

પણ સંકલ્પના શરીરનો, ન કર્યો કોણે નિરધાર ॥

ક્ષણ ક્ષણમાં જનમે મરે, તેનો નાવે પાર ॥૯॥

જે જે સંકલ્પ ઉપજે, તે તે ધરાવે તન ॥

એમ સમજી સંત સહુ, અતિ કંપે છે મન ॥૧૦॥

પળપળમાં પિંડ ધારવાં, અશુભ શુભ અગણિત ॥

તેની દાઝ તનમાં, કહો મટે કોણ રીત ॥૧૧॥

સંકલ્પના શરીરનો, કે’તાં નાવે પાર ॥

બીજા ચોરાશી બા’રની, સૌ જાણે છે નરનાર ॥૧૨॥

માટે એ કેમ મટે, અંતર ઘાટ અજોગ ॥

સંકલ્પ શમતાં સહુ શમે, જન્મમરણ ભવરોગ ॥૧૩॥

સદ્‌ગુરુ ઉવાચ

સદ્‌ગુરુ કહે સુણ શિષ્ય તું, સાચું કહું સુજાણ ॥

ઉત્તર આપું એહનો, પૂછ્યું પ્રશ્ન પ્રમાણ ॥૧૪॥

જે જે ઉર ઘાટ ઉપજે, જે સમે જેહ કાજ ॥

તે સમે સંભારવા, મનમોહન મહારાજ ॥૧૫॥

જેમ સતયુગ ત્રેતા દ્વાપરે, ફરતું સુદર્શન ॥

દાસનાં દુઃખ ટાળવા, ભય ભંજન ભગવન ॥૧૬॥

તેમ આજ પ્રભુની મૂરતિ, સુદર્શન સમાન ॥

અંતરશત્રુ સંતના, નાશ કરે નિદાન ॥૧૭॥

ઊઠે ઘાટ જ્યાં ઉરમાં, તિયાં સંભારે શ્યામ ॥

મૂર્તિ સંકલ્પ માત્રનું, તર્ત ટાળે ઠામ ॥૧૮॥

જન જાચે5 જન્મોજન્મ, ભક્તિ દ્યો ભગવાન ॥

તે જનમ બીજો નહિ, સંકલ્પ દેહ સમાન ॥૧૯॥

હોય નહિ હરિજનને, ઉદર માને અવતાર ॥

પણ ઘટ6 બંધાવા ઘાટનું, નવ દેવું નિરધાર ॥૨૦॥

શિષ્ય ઉવાચ

શિષ્ય કહે જન્મમરણનું, કારણ એહ કે’વાય ॥

સંકલ્પ ત્યાં સાચું સહુ, સંકલ્પ સમે સમાય ॥૨૧॥

તે તો પ્રભુ પ્રતાપથી, આવે ઉદ્‌ભવ અંત ॥

અવર બીજા ઉપાયથી, સુખી ન હોયે સંત ॥૨૨॥

માટે કૃપા કરી હરિ, સમાવે સંકલ્પ ॥

સુખે ભજીયે શ્યામને, ન પડે કોયનો ખપ ॥૨૩॥

જનનું જોર કેટલું, નિર્બળ નર કે’વાય ॥

હરિ ધારે હૈયે એટલું, તો વાર ન લાગે કાંય ॥૨૪॥

સદ્‌ગુરુ ઉવાચ

સદ્‌ગુરુ કહે એહ રીત નહિ, જે અંતર કરે ઉચ્છેદ ॥

અંતર ત્યાં એહ પણ ખરાં, ઘાટઘાટના ભેદ ॥૨૫॥

જ્યારે અંતર ઓગળી, વળી ટળી જાય છેક ॥

ત્યારે તેહ જનને, ઉત્થાન7 ન રહે એક ॥૨૬॥

ત્યારે તેહ જનને, ન રહે શરીર સંભાળ ॥

દેહભાન ભૂલ્યા પછી, રહે ન તન બહુકાળ ॥૨૭॥

વળી જ્યારે જે જે જનને, હરિ કરી દે એમ ॥

ત્યારે બીજા જનનો, કઢાય વાંક કો’ કેમ ॥૨૮॥

ભક્તિ તૈયે ભગવાનની, એથી ન થઈ અણુભાર ॥

સોંપ્યું કામ જ્યારે શ્યામને, ત્યારે નીસર્યો નર નાદાર8 ॥૨૯॥

ભક્ત ભક્તિ ભજાવવા, કરે ઉદ્યમ અપાર ॥

જોઈ જનનો દાખડો, શ્રીહરિ કરે છે સાર ॥૩૦॥

ભક્તનું કામ ભક્ત કરે, ભગવાનનું ભગવાન ॥

અવળું સવળું સોંપવું, એહ મોટું અજ્ઞાન ॥૩૧॥

માટે હરિબળ હૈયે ધરી, કરિયે અતિ આખેપ9

પ્રભુના પ્રતાપથી, આવી જાય જો ઠેપ10 ॥૩૨॥

મોરે મુક્ત જે જે થયા, તેણે કરી તપાસ ॥

અંતરના અરિ જીતવા, વનમાં જૈ કર્યો વાસ ॥૩૩॥

શબ્દ સ્પર્શ રૂપ રસ, સારો ગંધ સુગંધ ॥

દુઃખદાઈ દેખી દિલે, તજ્યો તેનો સંબંધ ॥૩૪॥

એણે એમ કહ્યું નહિ, જે કરશે મહાપ્રભુ મે’ર ॥

અંતરશત્રુ જીતશું, સુખે બેઠાં ઘેર ॥૩૫॥

માટે કે’દી દેવો નહિ, દીનબંધુને દોષ ॥

એવું મુખે જે ઉચ્ચરે, તે પર કરે હરિ રોષ ॥૩૬॥

કે’ એને અનુપ મેં આપિયો, મોંઘો મનુષ્યનો દેહ ॥

તોયે વાંક અમ તણો, કાઢે કૃતઘ્ની એહ ॥૩૭॥

નરતન પામી નવ કર્યો, ઉરમાં એમ વિચાર ॥

પૂરણ કૃપા કરી હરિ, આપ્યો અમૂલ્ય અવતાર ॥૩૮॥

અંતરશત્રુ જીતવા, સારો દીધો સમાજ11

ભવજળ પાર ઉતરવા, નરતન ઉત્તમ જા’જ ॥૩૯॥

તે આપ્યું અવિનાશિયે, દયા કરીને દયાળ ॥

હવે હું આળસ કરું, તો રહે ખોટ્ય બહુ કાળ ॥૪૦॥

એમ સમજે તે સંત છે, હરિભક્ત કહિયે હરિદાસ ॥

ગુણ ગણે ગોવિંદમાં, અવગુણ પોતા પાસ ॥૪૧॥

ભૂલ્યે પણ ભાખે નહિ, વૈખરિયે12 એહ વેણ ॥

મારું દુઃખ મટ્યું નહિ, શ્યામ કા’વે સુખદેણ ॥૪૨॥

દાસનાં દુઃખ કાપવા, ત્રિકમ રે’ છે તૈયાર ॥

મારું દરદ મટ્યું નહિ, કરું કિયાં પોકાર ॥૪૩॥

એમ બોલે અભાગિયો, દઈ હરિને દોષ ॥

મિથ્યા વાંક મહારાજનો, કાઢી કરે અપસોસ ॥૪૪॥

એવા ભક્ત બહુ જક્તમાં, તે પર કરે હરિ રીસ ॥

માટે દોષ ન દેવો નાથને, સદ્‌ગુરુ કહે સુણ શિષ્ય ॥૪૫॥

સોરઠા

એમ ન કરે અપસોસ, રાતદિવસ રુદિયા વિષે ॥

દૈયે હરિને દોષ, રોષ કરી રીસે નહિ ॥૪૬॥

 

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્‌ગુરુશિષ્યસંવાદે દ્વાદશઃ પ્રસંગઃ ॥૧૨॥

પ્રસંગઃ 🏠 home ગ્રંથ મહિમા પ્રસંગઃ ૧ પ્રસંગઃ ૨ પ્રસંગઃ ૩ પ્રસંગઃ ૪ પ્રસંગઃ ૫ પ્રસંગઃ ૬ પ્રસંગઃ ૭ પ્રસંગઃ ૮ પ્રસંગઃ ૯ પ્રસંગઃ ૧૦ પ્રસંગઃ ૧૧ પ્રસંગઃ ૧૨ પ્રસંગઃ ૧૩ પ્રસંગઃ ૧૪ પ્રસંગઃ ૧૫