વચનામૃત પ્રસંગ

ગઢડા પ્રથમ ૪૪

સં. ૧૯૫૩, જૂનાગઢ. શિવલાલ શેઠના પૌત્ર હરિલાલભાઈએ બેસારેલી સત્સંગિજીવનની એક માસની કથા પૂરી થઈ. ચાર પુરાણીઓએ વારાફરતી કથા વાંચી. “હવે પાટ ઉપર બેસારીને પ્રથમ પૂજન કોનું કરવું?” એ પ્રશ્ન અંદર અંદર સૌને થયો. હરિદાસ જેવા વૃદ્ધ અને અનુભવી પુરાણીનું જ પ્રથમ પૂજન થવું જોઈએ – એમ સૌ માનતા હતા. એમ થવાનું હતું, છતાં શેઠની પાસે આ વાત ગઈ. શેઠ બહુ જ સ્પષ્ટવક્તા હતા. સત્ય વાતમાં બાહ્ય વ્યવહારને તેઓ કોરે મૂકી દેતા. તેથી તેમણે તો તરત જ કહી દીધું, “જેની કથાથી સૌને વિશેષ સમાસ થયો હોય તેનું પૂજન પહેલાં કરવું. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીની કથાથી મને તો બહુ જ આનંદ થયો છે અને વળી, સૌ સભાજનો પણ તેમની કથા રસથી સાંભળતા. તેથી તેમનું પ્રથમ પૂજન થવું જોઈએ.”

શેઠના આ શબ્દોથી દ્વેષીઓને ઉકળાટ થયો. શાસ્ત્રીજી મહારાજનું અપમાન કરવા અને તેમના ગુરુની જાત બતાવી હલકા પાડવા, ઘનશ્યામદાસ ઊભો થયો અને સભામાં બોલવા માંડ્યો, “આજે તો જેણે દરજી અને મોચીને ગુરુ કર્યા છે તે આ સભામાં મોટા થયા છે, એવો વિપરીત કાળ આવ્યો છે.”

આ સાંભળી શાસ્ત્રીજી મહારાજ, જે હજુ વ્યાસપીઠ ઉપર કથા પૂરી કરી પુસ્તકનાં પાનાં બાંધતા હતા, તેમણે કહ્યું, “ગુરુ થવાનો અધિકાર કાંઈ એકલા ભગવાંધારીઓએ જ રાખ્યો નથી. મહારાજે તો કહ્યું છે કે જ્યાં સુધી વર્ણ-આશ્રમનું માન રહે છે ત્યાં સુધી સાધુપણું આવતું નથી. (વચનામૃત ગઢડા પ્રથમ ૪૪) માટે દેહાભિમાનને યોગે ભગવાનના ભક્તમાં જાતિભાવ પરઠો છો તેથી સાધુપણું છે જ ક્યાં? પ્રાગજી ભક્ત અને જાગા ભક્ત જેવા સ્વામીના અતિ કૃપાપાત્ર ભક્તોને વિષે આવો ભાવ લાવી કુત્સિત શબ્દો બોલો છો તે મહારાજ નહીં સહન કરે.” એમ સિંહગર્જના કરી. તેથી ઘનશ્યામદાસ દબાઈ ગયો અને કાંઈ બોલી શક્યો નહીં. બીજા સાધુ પણ શાંત થઈ ગયા.

પછી વ્યાસપીઠ ઉપરથી નીચે ઊતરીને સભામાં ઊભા રહીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું, “આ જૂનાગઢના મંદિરમાં પ્રાગજી ભક્તે તથા જાગા ભક્તે સ્વામીની જે સેવા કરી રાજીપો મેળવ્યો છે તે અહીંના ઘણાખરા સદ્‌ગુરુઓ જાણે છે, પરંતુ કેવળ રાગદ્વેષથી, સ્વામીના આ બંને કૃપાપાત્ર શિષ્યોને હલકા પાડનારા શબ્દો આજે આ સભામાં આ સાધુ બોલ્યા છે. માટે આ બંને ભક્તોને ભગવાનના ખરા ભક્ત જો આપણે જાણતા હોઈએ, પણ આપણી સારપ્ય રાખવા સારુ જો એમનું ઘસાતું બોલતા સાંભળી રહીએ, તો મહારાજના વચન પ્રમાણે વિમુખ કહેવાઈશું.” એટલું કહી પોતે બેસી ગયા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૧૮૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ