વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪૧

તા. ૬/૪/૧૯૫૯, ડાંગરા. સવારે નિત્યકર્મથી પરવારી, વચનામૃત ગઢડા મધ્ય ૪૧, ૪૪ વિસ્તારથી સચોટ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભાવનગરવાળા ભક્તરાજ કુબેરભાઈ કહેતા કે આપણે મંદિરમાં જઈએ ત્યારે ઠાકોરજી કાંઈ એમ કહે છે, ‘આવો, ભાઈ! પધારો.’ તો પણ દેવબુદ્ધિ રહે છે. તેમ સાધુ બોલાવે નહીં તો પણ દેવ જેવા તો જાણો. સત્પુરુષ બોલાવે નહીં તો અભાવ ન આવે, પણ શંકા તો પડે. પણ શંકા ન કરવી અને દિવ્યભાવ રાખવો. હજુ ધખતા-વઢતા નથી એટલું સારું છે; પણ ધખે-વઢે તો પણ દિવ્યભાવ રહે, તો માન નીકળી જાય. નાનાને ઠેબે મારે અને મોટાનું રાખે, તે પણ મનુષ્યભાવ છે.

“તપસ્વી એવા હોય કે લાકડાની ખીલી પણ ન રાખે, પણ અવગુણ લે તો થઈ રહ્યું. ત્યાગ શું કામનો? માટે સ્વામી કહેતા, ‘ભલે તપ ન થાય, પણ અભાવ ન લેવો.’ કોઈ ઓછું-વધતું ખાય, પણ અભાવ તો લેવો જ નહીં. આ તો પાંચ-પાંચ નકોરડા ઉપવાસ કાઢે, ઠપકારે, પાણી પણ ન પીએ. અહોહો! ફુલાય, ‘શું તપ કરું છું!’ તો શું પાક્યું? માટે ભલે કોઈ ત્રણ વાર ઝાપટે, પણ કોઈ વઢે-ધખે તો પણ દિવ્યભાવ રહે તો માન ગયું કહેવાય. મહારાજે એવા ભક્તને નિર્માની કહ્યો છે.

“માન એક અને લેનાર ઝાઝા. કોને આપીએ અને કોને ન આપીએ. ‘મારી બુદ્ધિ સવા શેર,’ તો સામાની પોણો શેર થઈ; પછી કોણ કોને નમે? એટલે સુખ ન આવે.

“આમ તો નિર્માનીપણું બધા બોલે છે, પણ ટાણું આવે ત્યારે ખબર પડે. એટલા માટે મહારાજ સમાગમ કરવાનું કહે છે. ભેગા રહે અને દિવ્યભાવ રહે અને અભાવ ન આવે એ સમાગમ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૫૭]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ