વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૭

તા. ૨૮/૧૨/૧૯૬૧, મુંબઈ. મંગળ પ્રવચનમાં સંતોને સંબોધતાં યોગીજી મહારાજ કહે, “વચનામૃત ગઢડા મધ્ય ૭ સિદ્ધ થયું તો બધાં થયાં. દરેકને ‘મન’ ગુરુ છે, તે કાઢી સંત ગુરુ કરવા. મન સાથે લડાઈ લેવી, તો છેલ્લો જન્મ થાય. સાંખ્યે કરીને જગતનાં સુખ જોઈ લેવાં કે સુખ ક્યાંય નથી. ભગવાન કે સંત કહે તેમ ન કરીએ તો અંતે દુઃખ આવે; ને કહે તેમ કરીએ તો શાંતિ, શાંતિ, શાંતિ. ભગવાન ને સંત દૃષ્ટિ કરે તો અખંડ કાંટો રહે.

“આપણે ભણીને તૈયાર થઈને સંપ્રદાય ઊજળો કરવો તે સેવા. કૃષ્ણચરણ સ્વામી મને કહેતા, ‘તમને શાસ્ત્રીજી મહારાજ ભણાવશે,’ પણ સ્વામી શાસ્ત્રીજી મહારાજ મને કહે, ‘તમારે તો મહારાજ ને સ્વામી બે રાખ્યા છે, તે બ્રહ્મવિદ્યા આવી જાય છે.’ ભગવાન અને સંત કહે તેમ કરવું. મનમાં ઝાંખપ ન રાખવી. આજ્ઞાથી જે કરીએ તે ખરી સેવા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૬૬]

 

મધ્યનું ૭મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજે કહ્યું, “સાધુતાના ગુણ શું? ખમવાના, સહનશક્તિના, સમર્થ થકા જરણા કરવાના. મુક્તાનંદ સ્વામીએ વિકાર ટાળવાનો ઉપાય મહારાજને પૂછ્યો ત્યારે મહારાજે કહ્યું કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં મંડ્યો રહે, તો પરમેશ્વરની કૃપા થાય અને વિકારમાત્ર ટળી જાય. મુક્તાનંદ સ્વામી જેવા સર્વોપરી સાધુતાના ગુણે યુક્ત સાધુને પણ મહારાજે કોઈ મોટા સંત બતાવ્યા. એવા મોટા સંત કોણ હશે? તે જ ગુણાતીત! અતિશય સેવા શું? હદ ઉપરાંત સેવા. આજ્ઞામાં જેમ કહે તેમ ટૂક ટૂક. સંશય રહિત. વાસીદું વાળતો હોય ને સંસ્કૃત ભણવાનું કહે; ને ભણતો હોય, વિદ્વાન હોય ને વાસીદું વાળવાનું કહે. સેવા સંતની કરી ને દૃષ્ટિ પરમેશ્વરની પડે. મુદ્દો એ છે કે સંતની સેવાથી જ ભગવાનની કૃપા થાય છે અને વિકાર ટળે છે.”

[યોગીવાણી: ૨૪/૧૨૮]

 

યોગીજી મહારાજને પ્રશ્ન પુછાયો, “દોષ કેમ ટળે?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “મધ્યનું ૭મું વરાનામત. જે વૈરાગ્યહીન હોય તે તો જે મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિ કરે, તો વિકારમાત્ર ટળી જાય. અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે અથવા બીજે જન્મે ટળે. અતિશય સેવા કરે તો કૃપા થાય. કૃપા થવા માટે આ એક જ ઉપાય છે.”

[યોગીવાણી: ૨૪/૨૦]

 

જાન્યુઆરી, ૧૯૬૪, મુંબઈ. સવારે વચનામૃત ગઢડા મધ્ય ૭, ૮ વંચાયાં તે પર યોગીજી મહારાજે વાત કરી, “સાધુતાના ગુણ એટલે ખમવું. કોઈ કુવખાણ કરે તો મનમાં ખુશ થવું. નિર્દોષબુદ્ધિ હોય તો જ સેવા થાય. તન, ધન યાહોમ કરી દે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૬]

 

તા. ૨૧/૬/૧૯૬૮, ગોંડલ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “વૈરાગ્ય નથી ને વિકાર ટાળવા છે. ખાવું નથી ને ભૂખ ટાળવી છે. મુક્તાનંદ સ્વામીને કોઈ મોટા સંત – ગુણાતીત બતાવ્યા. સેવા કોની કહી? સંતની. દૃષ્ટિ કોણે કરી? પરમેશ્વરે. અપવાસ કર્યો હોય ને પાણા ઉપડાવે. રસોઈ કરાવે. શાસ્ત્રીજી મહારાજ છતાં ઉપવાસને દિવસે સેવા કરવાની. આખો દી’ કામ કરવું પડતું. બધા સંત કામ કરતા ત્યારે કૃપા થાય. ‘જાવ નિર્દોષ થઈ જાશો.’ પણ આ તો સવારથી સૂઈ જાય તો કૃપા ન થાય. અમે ભાવનગર ગયેલા. એક મહિનો રહેલા. તે ઉપવાસને દિવસે સૂવાનું નહીં. જૂનાગઢમાં એવી રીતે સંતો વર્તતા. ત્યારે કૃપા થાય કે નહીં?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૩૭]

 

યોગીજી મહારાજ કહે, “અમારી એવી કઈ ક્રિયા છે, જેમાં તમને મનુષ્યભાવ આવે છે? જો હું ધારું તો નીચે સૂઈ જાઉં; મારું શરીર દુખે નહીં. ઠંડે પાણીએ નહાઉં. જમું જ નહીં. હાથ-પગ ન દબાવરાવું, તો પણ કાંઈ ન થાય. અમે દેહના ભાવ જણાવીએ પણ તે માનવા નહીં. ને જણાવીએ નહીં તો પછી તમને સેવા ક્યાંથી મળે? મધ્યનું ૭ અને ૫૯ વચનામૃત પ્રમાણે સેવાથી જ વૃદ્ધિ પમાય. એટલે તમને હાથ-પગ દબાવવાની, નવડાવવાની, રસોઈ કરવાની સેવા આપીએ છીએ. નહીં તો તમે બેસી રહો તો વૃદ્ધિ પામો નહીં. તમે કહો તો હું તમારી પાસે કોઈ સેવા કરાવું નહીં. દિવ્યભાવમાં વર્તું. પણ સેવા વિના વૃદ્ધિ પમાતું નથી. તમારે શું ભડકો જોવો છે? તો સ્વામીને કહું, ‘બધા યુવકોને ભડકો દેખાડો,’ તો દેખાડે. પણ સકામ થઈ જવાય. માટે જ્ઞાનની સ્થિતિ ઇચ્છવી.”

[યોગીવાણી: ૧૦/૧૧૫]

 

યોગીજી મહારાજ કહે, “મોટા સત્પુરુષ મળે અને તેની સેવામાં જેમ કહે તેમ મંડ્યો રહે તો વાસના ટળે, ત્યારે જ નિર્વાસનિક થાય. સાધના કરીને નિર્વાસનિક થવાય ખરું, પણ એ ઝાડવા જેવું, એમાં કાંઈ સુખ નહીં. એમાં ઋષિમુનિઓને દેશકાળ લાગ્યા. માટે આત્યંતિક કલ્યાણની વાત જુદી છે. તે સારુ મધ્ય ૭ સિદ્ધ કરવું પડે.”

[યોગીવાણી: ૨૨/૨૮]

 

ગઢડા મધ્ય ૭માં પરમેશ્વર કૃપાદૃષ્ટિ કરીને જુએ. એ પર યોગીજી મહારાજે કહ્યું, “સંતમાં રહીને કૃપાદૃષ્ટિ કરે. વિકારના ભૂકા થઈ જાય. સંત કહે તેમ એમની સેવા કરે તો રાજીપો થાય.”

[યોગીવાણી: ૨૭/૫]

 

એક રાત્રે યોગીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય ૭ અને ગઢડા મધ્ય ૮ સમજાવ્યાં. સી. ટી. પટેલ, હર્ષદભાઈ, અંબાલાલભાઈ વગેરે હરિભક્તો બેઠા હતા. સ્વામીશ્રી કહે, “સેવા કરવી તે કોઈ ન જાણે તેમ કરવી. દેખાવ ન કરવો. તે ગુપ્તદાન કહેવાય. તે અતિ બળને પમાડે. અંતરમાં પ્રકાશ થઈ જાય. શાંતિ થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૦]

 

ગોંડલમાં વાત થઈ, “સ્વભાવ આ લોકમાં મોટા સંત પાસે ટળે અથવા શ્વેતદ્વિપમાં ટળે.”

ત્યારે કુમુદ ભગતે (રામચરણ સ્વામીએ) પૂછ્યું, “ઋષિમુનિઓએ બહુ તપ કર્યાં છતાં વાસના ઉદય કેમ થઈ?”

યોગીજી મહારાજે કહ્યું, “ગઢડા મધ્ય ૭મું વચનામૃત સિદ્ધ કરે ત્યારે જ નિર્વાસનિક થાય.”

“સાધના કરીને થવાય?”

“હા, થવાય ખરું, પણ એ ઝાડવા જેવું, એમાં કાંઈ સુખ નહીં.” સ્વામીશ્રીએ ટૂંકમાં ઉત્તર આપ્યો.

ઈશ્વરચરણ સ્વામીએ પૂછ્યું, “ઋષિમુનિઓને દેશકાળ કેમ લાગ્યા?”

ત્યારે સ્વામીશ્રી કહે, “આત્યંતિક કલ્યાણની વાત જુદી છે. તે સારું મધ્ય ૭ સિદ્ધ કરવું પડે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૭૩]

 

યોગીજી મહારાજ કહે, “સંતની દૃષ્ટિ પડે તો તત્કાળ સ્થિતિ થઈ જાય.” તે ઉપર વચનામૃત ગઢડા મધ્ય ૭મું વચનામૃત સમજાવ્યું. પછી પોતે જ પ્રશ્ન કર્યો, “દૃષ્ટિ પડી છે ને અનુવૃત્તિ પળાય છે, તેનું લક્ષણ શું? તો મન સોંપાઈ જાય. કહે એમ કરે, સત્પુરુષ જે જે ક્રિયા કરાવે તેમાં રંચમાત્ર સંશય ન થાય. રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ. શંકા ન કરે. તો જીવ સોંપ્યો કહેવાય. ઠરાવ તોડે, મનગમતું મુકાવે, તોય શંકા ન થાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૩૪]

 

તા. ૧/૪/૧૯૭૦, બપોરે રામુભાઈને બંગલે યોગીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય ૭ વંચાવતાં કહે, “સાધુતાના ગુણ શું? ખમવું. તમે બહુ સારા છો તે ખમવું એમ ને? ના. ‘તમે અક્કલના બારદાન છો.’ એમ કહે તે ખમવું તે સાધુતાના ગુણ. ખાવું નથી ને ભૂખ ભાંગવી છે. વૈરાગ્ય નથી ને વિકાર ટાળવા છે. મહારાજ ત્રીજો રસ્તો બતાવે છે. કોઈક મોટાપુરુષ... મુક્તાનંદ સ્વામી આખા સત્સંગમાં મોટા એથી મોટા કોણ સમજવા? ગુણાતીત સત્પુરુષની આજ્ઞા પાળે, તેમાં તર્ક-વિતર્ક કરે તે સેવા થઈ ન કહેવાય... શિષ્ય ચાર પ્રકારના હોય – એક સત્પુરુષની મરજી જાણીને સેવા કરે, બીજો બતાવે તેટલું કરે, ત્રીજો કહે તેમાં શંકા કરે, ચોથો નાસી જાય. પહેલા નંબરના ચોવીસ આના, બીજાના સોળ, ત્રીજાના આઠ ને ચોથો ઠીક છે... અતિશય સેવા શું? મોટાપુરુષને નિર્દોષ જાણવા તે... દેહને અને જીવને અંતરાય નથી. તેમ સત્પુરુષ સાથે અંતરાય ન રહે તો ગુણ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૨૦]

 

એક યુવકે પ્રશ્ન પૂછ્યો, “સ્વામી! દૃષ્ટિ કેમ થાય?”

ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, “જો ભગવાન ને ભગવાનના ભક્તનો ભીડો વેઠે ને દેહને ન ગણે, ને અતિશય સેવા કરે, તો એના ઉપર દૃષ્ટિ થાય; એમ ને એમ દૃષ્ટિ થતી નથી.” તે ઉપર વચનામૃત ગઢડા મધ્ય ૭ ટાંકીને બોલ્યા, “જે વૈરાગ્યહીન હોય તે તો જે મોટા સંત હોય, તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યા રહે. પછી પરમેશ્વર તેને કૃપા-દૃષ્ટિ કરે, તો વિકારમાત્ર ટળી જાય. અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે અથવા બીજે જન્મે ટળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૦૫]

 

તા. ૧૪મીએ (૧૪/૩/૧૯૬૩) સવારે વચનામૃત ગ. મ. ૭ ઉપર અદ્‌ભુત વાતો કરી, અતિશય સેવાનો અર્થ સમજાવ્યો: “પોતાથી ન બને તેવું હોય ને કરે, તે અતિશય સેવા. સગાં આવ્યાં હોય ને સંતને સ્ટેશને મૂકવા જવાના હોય તેમાં મૂંઝવણ થાય. રસ્તો ગોતીને સંતને રાજી કરવા તે અતિશય સેવા. હદ વિનાની સેવા કરવી. આકરું પડે, છતાં ન ગણતાં જોડાઈ જાય તે સેવા. ગુણાતીત સંત વિકાર ટાળે. મુક્તાનંદ, બ્રહ્માનંદને ન બતાવ્યા. ગુણાતીત પરોક્ષ થાતા જ નથી. પરોક્ષ કહેવાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૫૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ