share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૬૪

શરીર-શરીરીનું, સ્વામી-સેવકભાવનું

સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે, એમ શ્રુતિએ કહ્યું છે.૨૪૭ તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે, ને તે આત્મા ને અક્ષરને વિષે કાંઈ હેય ઉપાધિ નથી, અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા થકી પર છે; એવા જે આત્મા ને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે?૨૪૮ અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે, માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે; તેમ પુરુષોત્તમને અને પુરુષોત્તમનાં શરીર જે આત્મા ને અક્ષર તેને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ, તે કહો કેમ વિલક્ષણપણું છે?” પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, આત્મા અને અક્ષર૨૪૯ એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા ને અક્ષર તેને વિષે વ્યાપક છે ને એ બેય તો વ્યાપ્ય છે; અને ભગવાન જે તે સ્વતંત્ર છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે - પરતંત્ર છે; અને ભગવાન જે તે અતિ સમર્થ છે, ને આત્મા ને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દૃષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય ને આત્માને દૃશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય૨૫૦ તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્યરૂપે૨૫૧ કરીને પ્રતિપાદન કર્યા હોય; અને જ્યારે એ દૃષ્ટાના૨૫૨ આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે૨૫૩ કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે. અને વસ્તુતાએ તો રૂપવાન જે દૃશ્ય અને અરૂપ૨૫૪ જે આત્મા એ બેય થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે, અને મૂર્તિમાન થકા પણ દૃષ્ટા ને દૃશ્ય એ બેયના દૃષ્ટા છે. અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્યે સંપન્ન છે, ને પર થકી પર એવું અક્ષર તે થકી પણ પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે, તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને૨૫૫ પામે છે. અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા૨૫૬ તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિષે વર્તે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે તે તો૨૫૭ બ્રહ્મસુષુપ્તિને૨૫૮ વિષે લીન થાય છે, તે પાછો કોઈ દિવસ નીસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી.૨૫૯ અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દૃઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય છે, પણ બીજા થકી તો પમાતી જ નથી; માટે આ વાર્તાને અતિ દૃઢ કરીને રાખજ્યો.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૬૪ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૨૪૭. “યસ્યાત્મા શરીરમ્” (બૃહદારણ્યકોપનિષદ, માધ્યન્દિન પાઠ: ૩/૭/૩૦); “યસ્યાક્ષરં શરીરમ્” (સુબાલોપનિષદ: ૭).

૨૪૮. “શીર્યતે તચ્છરીરમ્” આ પ્રકારની વ્યાખ્યા પ્રમાણે શરીરને પરિણામી અને નાશવંત કહ્યું છે. માટે આત્મા તથા અક્ષરને પરમાત્માનું શરીર કહ્યું છે તે શી રીતે સંભવે? કારણ કે આત્મા અને અક્ષર તો નિર્વિકારી, અપરિણામી અને નિત્ય છે. આવો પ્રશ્નનો આશય છે.

૨૪૯. “શીર્યતે તચ્છરીરમ્” આ પ્રકારનો અર્થ અહીં ‘શરીર’ શબ્દનો કર્યો નથી. દર્શન-શાસ્ત્રોમાં ઘણા શબ્દોના પારિભાષિક અર્થાત્ વિશિષ્ટ અર્થો પણ કરવામાં આવે છે. તે જ રીતે અહીં ઉપનિષદોમાં નોંધાયેલ ‘શરીર’ શબ્દનો પારિભાષિક અર્થ વ્યાપ્યપણું, આધીનપણું તથા અસમર્થપણું કર્યો છે, તે આશયથી જણાવે છે કે -

૨૫૦. પૃથિવ્યાદિક.

૨૫૧. પૃથિવ્યાદિકરૂપે.

૨૫૨. જીવાત્માના.

૨૫૩. કરચરણાદિક-અવયવરહિત જીવાત્માના.

૨૫૪. કરચરણાદિક-અવયવરહિત હોવાથી અરૂપ.

૨૫૫. માયાના ગુણથી પરાભવ ન થવો વગેરે સામર્થ્ય.

૨૫૬. બ્રહ્મમય તનું. “બ્રાહ્મીં સંવિશતે તનુમ્ ।” (મહાભારત, શાંતિપર્વ: ૧૮૯/૧૯) “ગુણાપાયે બ્રહ્મશરીરમેતિ ।” (મહાભારત, શાંતિપર્વ: ૧૯૯/૨૭) બ્રહ્મમય (દિવ્ય) તનુમાં પ્રવેશ કરે છે અર્થાત્ પામે છે, એમ કહ્યું છે.

૨૫૭. દેહને અંતે.

૨૫૮. સુષુપ્તિને તુલ્ય અક્ષરબ્રહ્મતેજમાં.

૨૫૯. તો ભગવાનની સેવાનું સુખ ન પામે તેમાં શું કહેવું?

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase