share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૬૨

સત્ય-શૌચાદિક ગુણ આવ્યાનું

સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, “શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે,

સત્યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગઃ સન્તોષ આર્જવમ્ ।
શમો દમસ્તપઃ સામ્યં તિતિક્ષોપરતિઃ શ્રુતમ્ ॥
જ્ઞાનં વિરક્તિરૈશ્વર્યં શૌર્યં તેજો બલં સ્મૃતિઃ ।
સ્વાતંત્ર્યં કૌશલં કાન્તિર્ધૈર્યં માર્દવમેવ ચ ॥
પ્રાગલ્ભ્યં પ્રશ્રયઃ શીલં સહ ઓજો બલં ભગઃ ।
ગામ્ભીર્યં સ્થૈર્યમાસ્તિક્યં કીર્તિર્માનોઽનહંકૃતિઃ ॥
૨૩૫

“એ જે ઓગણચાળીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ૨૩૬ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય? તો જે, ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે,૩૧૯ અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે, અને એ સર્વને કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે; અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં, તે ગમે તેવાં તરેતરેનાં શાસ્ત્ર૨૩૭ સાંભળે અને ગમે તેવા મતવાદીની૨૩૮ વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે૨૩૯ પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં; એવી જાતનો૨૪૦ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે; તેમ જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”

પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતાં જાય છે તેનું શું કારણ હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ૨૪૧ અને શિંગડીયો વછનાગ૨૪૨ લાવીએ, અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ, અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય; શા માટે જે, ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, તે પોતાની ઇચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, તો પણ તેણે જો પ્રહ્‌લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રકટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં; કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાંખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં, પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, એ જ નિર્માની સાધુનો ધર્મ છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૬૨ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૨૩૫. ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.

૨૩૬. કેવા સંતમાં ભગવાનના ગુણો આવે છે અને કેવી રીતે આવે છે? એ બે પ્રશ્નો છે, તેમાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે.

૨૩૭. કુટિલ યુક્તિજાળથી ગૂંથાયેલાં, માટે મોહ થાય તેવાં અસચ્છાસ્ત્ર.

૨૩૮. શુષ્કવેદાંતી વગેરેની.

૨૩૯. ‘આ પરમેશ્વર કહેવાય છે પણ બીજાથી ભય કેમ પામે છે?’ વગેરે શંકાઓ.

૨૪૦. બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે.

૨૪૧. દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવો છે, તેમના ગુણો તથા દોષો ગીતા (અધ્યાય-૧૬)માં પૃથક્ પૃથક્ કહ્યા છે. તે બંને જીવો ભગવાનના સંબંધને પામીને પણ સ્વાભાવિક પોતાના ગુણો તથા દોષોનો ત્યાગ કરી શકતા નથી. તેમાં દૈવી જીવો ભગવાનના સંબંધથી તેમના સત્યાદિ ગુણોને પામે છે જ અને આસુરી જીવો તો ભગવાનના સંબંધથી તેમના ગુણોને નથી જ પામતા. દૈવી જીવોમાં પણ જો કોઈક કદાચિત્ પ્રમાદથી અથવા જાણી જોઈને ગુણીયલ ગરીબ પ્રકૃતિનાં ભક્તજનનું અપમાન કરે તો તે દૈવી જીવ પણ અસુરની પેઠે ગુણહીન થઈને દોષયુક્ત થાય અને તેનામાં ભગવાનના ગુણો આવે નહિ તે ભાવાર્થ છે, તેને દૃષ્ટાંત કહેવાપૂર્વક વિવેચન કરીને કહે છે.

૨૪૨. અસલ શબ્દ વત્સનાભ - એક જાતનો ઓષધોપયોગી ઝેરી છોડ; તેનો આકાર વાછરડાની નાભી જેવો હોવાથી તેનું નામ ‘વત્સનાભ’ પડ્યું છે. તે દવા માટે વૈદ્યકમાં વપરાય છે.

૩૧૯. ભગવાનને કાળ જેવા ન જાણે: ભગવાનને કાળ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે કાળ નથી એમ માનવું. સમજૂતી: કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ કાળ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે કાળે કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે કાળને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય.

કર્મ જેવા ન જાણે: ભગવાનને કર્મ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે કર્મ નથી એમ માનવું. સમજૂતી: કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ કર્મ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે કર્મે કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે કર્મને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને કર્મ જેવા જાણ્યા કહેવાય.

સ્વભાવ જેવા ન જાણે: ભગવાનને સ્વભાવ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે સ્વભાવ નથી એમ માનવું. સમજૂતી: કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ સ્વભાવ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે સ્વભાવે કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે સ્વભાવને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને સ્વભાવ જેવા જાણ્યા કહેવાય. વળી, ભગવાનને કર્તાહર્તા માને પણ સામાન્ય જીવોના સ્વભાવની જેમ ભગવાનમાં પણ કર્તાપણાનો અહંકાર રહી જાય છે એમ સમજે, પરંતુ કર્તા થકા અકર્તા ન સમજે તો ભગવાનને સ્વભાવ જેવા જાણ્યા કહેવાય.

માયા જેવા ન જાણે: ભગવાનને માયા જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે માયા નથી એમ માનવું. સમજૂતી: અદ્વૈત દર્શનમાં નિર્ગુણ બ્રહ્મ માયાને લીધે જ જીવ-જગતરૂપે ભાસે છે, એટલે કે જગત અને જગતમાં જે કાંઈ ભાસે છે તેના કર્તા નિર્ગુણ બ્રહ્મ નથી પણ માયા છે એમ માનવામાં આવે છે. વળી, સાંખ્ય દર્શનની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં, પણ માયા એટલે કે પ્રકૃતિ છે, એટલે કે જગતમાં જે કાંઈ બને છે તે માયાએ કરીને થાય છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે માયાને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને માયા જેવા જાણ્યા કહેવાય. તદ્ઉપરાંત અન્ય જીવોની જેમ ભગવાનમાં પણ માયિકભાવ દેખે, એટલે કે એમનામાં પણ દેહ અને દેહના ભાવ છે એમ સમજે તો ભગવાનને માયા જેવા જાણ્યા કહેવાય.

પુરુષ જેવા ન જાણે: ભગવાનને પુરુષ જેવા ન જાણવા એટલે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય આદિકના કર્તા ભગવાન છે પણ સ્વતંત્રપણે પુરુષ નથી એમ માનવું. સમજૂતી: સાંખ્ય દર્શનમાં કેટલાકની માન્યતા એવી છે કે જગતની ઉત્પત્તિ આદિકના કર્તા ભગવાન નહીં પણ પ્રકૃતિ અને પુરુષ છે. પ્રકૃતિ જડ હોવાને લીધે પુરુષની સંનિધિથી પ્રકૃતિની સામ્યાવસ્થા તૂટે છે અને જગતની ઉત્પત્તિ શરૂ થાય છે. આમ, જગતની ઉત્પત્તિમાં પુરુષ પણ કારણ બને છે. વસ્તુતઃ જગતના કર્તાહર્તા ભગવાન હોવા છતાં સ્વતંત્રપણે પુરુષને કર્તાહર્તા માને તો તેણે ભગવાનને પુરુષ જેવા જાણ્યા કહેવાય.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase