share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૪૫

સાકાર-નિરાકારનું

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૦ દશમીને દિવસ સાંજને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ‘ભગવાનને આકાર નથી,’ અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને૧૯૩ ભણે છે. અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું૧૯૪ પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય-મૂર્તિ છે. અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ૧૯૫ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, ‘તે ભગવાન માયા સામું જોતા હવા,’૧૯૬ અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય? હાથ-પગ પણ હોય; માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ૧૯૭ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે૧૯૮ જે ‘પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે,’ તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે, અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. અને અંતર્યામીપણે કરીને જીવ-ઈશ્વરને વિષે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે તો પણ જીવ-ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગ્યપણે કર્મના ફળને દેવાને વિષે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૫ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૯૩. ‘અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્યચક્ષુઃ સ શૃણોત્યકર્ણઃ’ (શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૧૯); ‘નિષ્કલં નિષ્ક્રિયં શાન્તમ્’ (શ્વેતાશ્વતરોપનિષદ: ૬/૧૯); ‘અચ્છાયમશરીરમલોહિતં...’ (પ્રશ્નોપનિષદ: ૪/૧૦) ઇત્યાદિ.

૧૯૪. ‘ય એષોઽન્તરાદિત્યે હિરણ્મયઃ પુરુષો દૃશ્યતે હિરણ્યશ્મશ્રુર્હિરણ્યકેશ... તસ્ય યથા કપ્યાસં પુંડરીકમેવમક્ષિણી ॥’ (છાન્દોગ્યોપનિષદ: ૧/૬/૬-૭); ‘તસ્ય હૈતસ્ય પુરુષસ્ય રૂપં યથા મહારજનં વાસો’ (બૃહદારણ્યકોપનિષદ: ૨/૩/૬); ‘યદા પશ્યઃ પશ્યતે રુક્મવર્ણં કર્તારમીશમ્’ (મુંડકોપનિષદ: ૩/૧/૩) ઇત્યાદિ શ્રુતિઓથી.

૧૯૫. અહીં પોતાના તેજને પણ બ્રહ્મ કહ્યું છે તે યૌગિક અર્થ સમજવો, પરંતુ અહીં ધામરૂપ અથવા સેવકરૂપ અક્ષરબ્રહ્મને કહેનારો રૂઢ અર્થ નથી.

૧૯૬. “સ ઈક્ષત” (ઐતરેયોપનિષદ: ૧/૩); “તદૈક્ષત” (છાંદોગ્યોપનિષદ: ૬/૨/૩); “સ ઐક્ષત” (બૃહદારણ્યકોપનિષદ: ૧/૨/૫) આ પ્રકારની શ્રુતિઓ પ્રાપ્ત થાય છે.

૧૯૭. જળના આધાર દેવરૂપે.

૧૯૮. “અપાણિપાદો જવનો ગ્રહીતા પશ્યત્યચક્ષુઃ સ શ્રુણોત્યકર્ણઃ । સર્વાત્માનં સર્વગતં વિભુત્વાત્ ॥” (શ્વેતાશ્વતરોપનિષદ: ૩/૧૯,૨૧) વગેરે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase