share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૩૫

કલ્યાણના જતનનું

સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, “તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ.” ત્યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ! તમે પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ૧૪૭ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ૧૪૭ તો ઘણી છે અને મોટા-મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે?” ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત૧૪૮ છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીએ તેના પ્રાણ જાય; તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય? કે ન થાય?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં.” ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ ચાર વાનાં માંહેલું એક જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય૧૪૯ ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૩૫ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૪૭. શાસ્ત્ર તથા વ્યવહારની.

૧૪૭. શાસ્ત્ર તથા વ્યવહારની.

૧૪૮. ભગવાન અથવા ભક્તના અવગુણથી.

૧૪૯. તે વખતના સમાજમાં શૈવ-વૈષ્ણવ સંઘર્ષ ચાલતો હતો. તેથી શિવજીના ભક્તો વિષ્ણુ સાથે વેરભાવ રાખતા. તેવી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શ્રીજીમહારાજે આ વાક્ય કહ્યું છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase