share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ ૧૬

મોટા માણસ સાથે બને નહીં

સંવત ૧૮૮૨ના પોષ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદીતકિયા બિછવાવીને વિરાજમાન હતા ને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું જે, “હે મહારાજ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહીં. શા માટે જે, એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો અને ભક્તિનો મદ હોય; માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ-ગરાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે, ગામ-ગરાસ તો સુખને અર્થે ઇચ્છીએ; તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ, તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય?૫૨ અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે?૫૩ અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે; બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન-સ્મરણ કરતાં થકાં જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય-અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૬ ॥ ૨૧૬ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૫૨. મત્સ્યપુરાણ: ૧/૧૨.

૫૩. ભાગવત: ૬/૧૪/૧૧, ૬/૧૬/૧૫.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase