share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ ૧૦

જીવનું કલ્યાણ થાય, તેનું

સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જીવનું કલ્યાણ કેમ થાય?” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “આ પૃથ્વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ લક્ષણે૪૦ યુક્ત હોય અને જ્યારે સાધુરૂપે પૃથ્વી ઉપર પ્રકટ થાય ત્યારે તો ત્રીસ પ્રકારને લક્ષણે૪૧ યુક્ત હોય. અને જે રાજારૂપે ભગવાન હોય તે તો ચોસઠ પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ૬૯ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુરૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજારૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગરદન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુરૂપે ભગવાન હોય૪૨ તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં અને કાષ્ઠની તથા ચિતરામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં.૪૩ માટે સાધુરૂપ જે ભગવાનની જે મૂર્તિ ને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહીં. અને શ્રીમદ્‌ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેનાં ઓગણચાળીશ લક્ષણ કહ્યાં છે અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય, કપિલ આદિક ભગવાનના અવતાર તેનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ૭૦ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દૃઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૦ ॥ ૨૧૦ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૪૦. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચ. ગ. પ્ર. ૬૨ની ટીપણી-૨૩૫માં નિરૂપ્યાં છે. [ભાગવત: ૧/૧૬/૨૬-૨૮. ૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.]

૪૧. આ તમામ લક્ષણો, તેના અર્થો તથા સંદર્ભ ક્રમાંક વચનામૃત ગ. પ્ર. ૭૭ની ટીપણી-૩૧૨માં નિરૂપ્યાં છે: [૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદૃષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્ । ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદૃશઃ ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્‎‍ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૩).]

૪૨. તેમાં સર્વ યોગકળાઓ હોય તથા ત્યાગ ને અષ્ટાંગયોગ હોય અને રસ તો એક શાંત નામનો જ હોય અને.

૪૩. અને ભગવાનમાં દૃઢ ભક્તિ હોય.

૬૯. નવ રસ: શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્‌ભુત, શાંત.

૭૦. ભગવાનના મળેલા એટલે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ સમજવા. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા પછી એમને સાક્ષાત્ મળેલા સંતો કોઈ નથી માટે મળેલા કાણે સમજવા? તો ભગવાનના મળેલા એટલે ભગવાન જેમાં સમ્યક્‌પણે પ્રગટ રહ્યા હોય તે સંત. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સમજાવે છે કે: “ભગવાનને મળેલા એટલે શું? એકાત્મભાવને પામેલા. બસો વરસ પહેલાંના નંદ સંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય.” [બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૭૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase