share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ ૭

દૈવી-આસુરી જીવનાં લક્ષણનું, અન્વય-વ્યતિરેકનું

સંવત ૧૮૮૨ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

અને હરિભક્ત પરસ્પર ભગવદ્‌વાર્તા કરતા હતા. તેમાં એવો પ્રસંગ નીસર્યો જે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે;૭૨ તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચીમનરાવજીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,૩૧ “આસુરી જીવ તો દૈવી ન જ થાય; કેમ જે, એ તો જન્મથી જ આસુરભાવે યુક્ત છે. અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો તો પણ આસુરભાવ તો ટળે નહીં. પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિષે લીન થાય ને વળી પાછો નીકળે.૩૨ એમ અનંત વાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્યારે એનો આસુરભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુરભાવ નાશ પામે નહીં.”

પછી શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે?”૩૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અન્વય-વ્યતિરેકની વાર્તા તો એમ છે જે, ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે, એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે, માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે, ‘રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં!’ ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ૩૪ થઈ જાય છે અને ચોવીસ તત્ત્વને વિષે આવે તો ચોવીસ તત્ત્વ પણ બ્રહ્મરૂપ૩૪ થઈ જાય છે. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ ।’૩૫ ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાનડાં, ફૂલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો; પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહીં અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહીં. તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે; એમ ભગવાનના સ્વરૂપનું અન્વય-વ્યતિરેકપણું છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૭ ॥ ૨૦૭ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૩૧. ટીપણી ૬૯ના આધારે સર્વ જીવો સ્વરૂપતઃ સમાન અને સચ્ચિદાનંદરૂપ છે. પરંતુ આસુરભાવ ધરાવતા આસુરી જીવ બે પ્રકારના છે: એક તો અનેક જન્મથી આસુરી ભાવવાળા હોય અને બીજા આસુરી મનુષ્યોના સંગથી આસુરી વૃત્તિ ધરાવતા હોય છે. તેમાં બીજા છે તે તો ઉત્તમ સત્પુરુષની નિષ્કપટભાવે સેવા કરે તથા ધર્મે સહિત નવ પ્રકારની ભક્તિ કરે તો દૈવી થાય. અને પ્રથમ જે છે તે -

૩૨. ભગવાનની ઇચ્છાથી નીકળીને ભક્તિ કરીને ફરીથી પણ તેમાં લીન થાય.

૩૩. માયા અને માયાના કાર્યમાં.

૩૪. જેમ ભગવાનને અક્ષરધામ અબંધક છે તેમ માયા પણ અબંધક છે એવું તાત્પર્ય અહીં અને આગળ આવતા ‘ચોવીસ તત્ત્વ બ્રહ્મરૂપ થઈ જાય’ ત્યાં, એમ બંને સ્થળે સમજવું.

૩૪. જેમ ભગવાનને અક્ષરધામ અબંધક છે તેમ માયા પણ અબંધક છે એવું તાત્પર્ય અહીં અને આગળ આવતા ‘ચોવીસ તત્ત્વ બ્રહ્મરૂપ થઈ જાય’ ત્યાં, એમ બંને સ્થળે સમજવું.

૩૫. આ શ્લોકનો અર્થ વચનામૃત પં. ૭માં તથા સંદર્ભ ક્રમાંક તેની ટીપણી-૪૯માં છે: [ભાગવત: ૧/૧/૧. અહીં ‘ધામ’ શબ્દ ભગવાનના માહાત્મ્યજ્ઞાનપરક છે. માયાનો અંધકાર ભગવાનના માહાત્મ્યજ્ઞાનથી ટળે છે તેવો ભાવાર્થ શ્રીજીમહારાજ ઉપદેશે છે. ‘ધામ’ શબ્દથી સાધારણપણે અક્ષરધામ લેવાય છે. માયાના અજ્ઞાનને ટાળવાનું સામર્થ્ય તેમાં પણ છે. તેથી ‘ધામ’ શબ્દથી અક્ષરબ્રહ્મ પણ લઈ શકાય.]

૭૨. શ્રીજીમહારાજના મતે અનાદિથી બધા જીવો સ્વરૂપતઃ સચ્ચિદાનંદપણે સમાન હોવાથી કોઈ જીવ અનાદિથી સ્વરૂપતઃ અસુર નથી, પરંતુ કર્મે કરીને તથા સંગે કરીને તે અસુર થાય છે. આસુરી ભાવના પાશ લાગ્યા પછી આસુરી ભાવને પામેલો તે જીવ કર્મે કરીને તથા સંગે કરીને પાછો દૈવી થાય છે. આવા દૈવી અને આસુરી જીવો અનાદિથી ચાલતા આ સંસાર પ્રવાહમાં શુભ-અશુભ કર્મોને લીધે તથા સંગને લીધે દૈવી-આસુરી થયા કરે છે, અને તેના સંબંધે કોઈ સાધારણ જીવ હોય તે પણ દૈવી કે આસુરી થાય છે. આમ, દૈવી-આસુરી થવાનું કારણ તો જે તે ભાવને પમાડનારાં જે તે પ્રકારનાં કર્મો તથા સંગ છે અને તેમાં પણ વિશેષે કરીને તો ભગવાન અને મોટાપુરુષનો રાજીપો અને કુરાજીપો છે. (વચનામૃત વરતાલ ૧૫)

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase