share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય ૪૩

બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું

સંવત ૧૮૮૦ના પોષ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી અયોધ્યાવાસીને ઘેર ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, પ્રશ્ન-ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્યસમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય?૧૧૩ એ પ્રશ્ન છે.” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો હોય.”૧૧૪ ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, “સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને સજાતિ૧૧૫ છે કે વિજાતિ૧૧૬ છે?” પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્માને સજાતિ૧૧૭ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મસ્વરૂપ૧૧૮ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૩ ॥ ૧૭૬ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૧૩. પ્રીતિ એટલે રાગ. તે રજોગુણનું કાર્ય હોવાથી ગુણાતીત ભક્તમાં તે સંભવે નહિ, એમ જાણીને આ સંશય કર્યો છે.

૧૧૪. પણ આ નિર્ગુણ ભક્તની જે પ્રીતિ તે ભગવાનના માહાત્મ્યજ્ઞાનમૂલક છે; માટે નિર્ગુણ છે.

૧૧૫. આત્માની સાથે એકીભૂત; એટલે પૃથક્ નહિ રહેનારી.

૧૧૬. આત્માથી પૃથક્‌પણે રહેનારી.

૧૧૭. નિર્ગુણ ભક્તની પ્રીતિ ભગવાનના મહિમામૂલક છે. જે મહિમા છે તેનો આધાર આત્મા છે, માટે તે પ્રીતિ આત્માની સાથે એકીભૂત છે, પૃથક્ નથી.

૧૧૮. બ્રહ્મરૂપ થયેલ પોતાના આત્માથી અપૃથક્‌સિદ્ધ છે, માટે બ્રહ્મસ્વરૂપ કહી છે. જો કે ‘બ્રહ્મસ્વરૂપ પ્રીતિ’ શબ્દ શ્રીજીમહારાજે પોતાની આગવી શૈલીમાં અહીં નિરૂપ્યો છે. તેમણે જણાવેલ આચાર્યોએ માયાના ગુણો ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી અથવા માયાથી પર થયેલા મુક્તો પણ ભક્તિ કરે છે તેવા આશયના સંદર્ભો પોતાના ગ્રંથોમાં કહ્યા છે, જે આ મુજબ છે:- મધ્વાચાર્ય: ભાગવતતાત્પર્યનિર્ણય: ૨/૧/૭-૯: નિંબાર્કાચાર્ય પરંપરાના આચાર્યશ્રી પુરુષોત્તમાચાર્ય: વેદાન્તરત્નમંજૂષા: ૩, પૃ ૧૫૬; તથા શુકદેવકૃત ભાગવત પરની સિદ્ધાન્તપ્રદીપ ટીકા: ૧૧/૧૮/૪૬, ૧૧/૨૫/૩૫; વલ્લભાચાર્ય, ગીતા, તત્ત્વદીપિકા ટીકા: ૧૮/૫૪.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase