share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય ૪૨

સગુણ-નિર્ગુણપણું અક્ષરને વિષે છે, કૂંચીનું૧૫૬

સંવત ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભગવાનના એક એક રોમને વિષે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કેવી રીતે રહ્યાં છે? અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે: એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય.૧૧૧ અને સગુણ-નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઈ જતાં નથી, એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય; પણ અક્ષરની અતિશય મોટ્યપ છે તે આગળ બ્રહ્માંડ અતિશય નાનાં દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય, અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય; તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશય મોટ્યપ છે તેની આગળ અતિ નાનાં દેખાય છે, માટે અણુ સરખાં કહેવાય છે. અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દસે દિશાઓ કલ્પાય છે, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર, હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટિઓ છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્યસંકલ્પ છે. અને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યાં જોઈએ તેવાં તેવાં રૂપને પ્રકાશ કરે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા;૧૧૨ તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે.”૧૬૪

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૨ ॥ ૧૭૫ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૧૧. પુરુષોત્તમનું નિર્ગુણપણું તથા સગુણપણું છે પરંતુ અલૌકિક ઐશ્વર્યરૂપ છે; જેનું નિરૂપણ વચ. કા. ૮માં છે. અહીં પ્રશ્ન પૂછનારના આશય પ્રમાણેનું સગુણ-નિર્ગુણપણું અક્ષરબ્રહ્મનું છે પણ પુરુષોત્તમનું નથી, તેમ તાત્પર્ય સમજવું.

વિશેષ સમજૂતી: પુરુષોત્તમ નારાયણનું નિર્ગુણપણું અને સગુણપણું છે ખરું, પરંતુ તેનું વર્ણન શબ્દ દ્વારા યથાર્થ થઈ શકતું નથી.

પુરુષોત્તમ નારાયણનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ હોવા છતાં શ્રીજીમહારાજ અહીં કહે છે, “પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ના કહેવાય.” શ્રીજીમહારાજના આ વચનને નીચે પ્રમાણે સમજી શકાય.

પુરુષોત્તમ નારાયણનું સગુણસ્વરૂપ અને નિર્ગુણસ્વરૂપ છે જ. શ્રીજીમહારાજે પણ વચનામૃત કારિયાણી ૮માં પુરુષોત્તમ નારાયણના નિર્ગુણસ્વરૂપ અને સગુણસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મના પણ આત્મા હોવાથી તેઓ અન્વયસ્વરૂપે અક્ષરબ્રહ્મના નિર્ગુણ સ્વરૂપમાં પણ વ્યાપીને રહ્યા છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૪) એટલે અક્ષરબ્રહ્મના નિર્ગુણ સ્વરૂપ કરતાં પરબ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે.

વળી, અક્ષરબ્રહ્મના સગુણ સ્વરૂપને અર્થાત્ અક્ષરધામને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા વિરાજમાન રહે છે અને અનંત કોટિ મુક્તને ધારવા સમર્થ છે. (વચનામૃત લોયા ૧૩) એટલે અક્ષરબ્રહ્મના સગુણસ્વરૂપ કરતાં પણ પરબ્રહ્મનું સગુણસ્વરૂપ અત્યંત મોટું છે.

આ રીતે પરબ્રહ્મનું નિર્ગુણપણું અને સગુણપણું છે ખરું, પરંતુ તેનું યથાર્થ નિરૂપણ કરી શકાતું નથી. કારણ કે વર્ણન કરવા માટે જે જે શબ્દોનો પ્રયોગ કરીએ, તે તો અક્ષરબ્રહ્મના સગુણ-નિર્ગુણ સ્વરૂપ સુધી જ પહોંચે છે અને પરબ્રહ્મ તો અપારના અપાર રહે છે.

ગુરુપરંપરાનાં વચનો: યોગીજી મહારાજ આ વિષે સમજાવતાં કહે છે, “પુરુષોત્તમ નારાયણના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું વર્ણન થઈ શકતું નથી, એટલે કહેવાતું નથી. છતાં અક્ષરના સગુણ-નિર્ગુણ સ્વરૂપનું નિરૂપણ કરવાથી પુરુષોત્તમના સ્વરૂપનો મહિમા સમજાય છે. કેમ જે, ‘જ્યારે આવા મોટા અક્ષર, તો તેના પતિ પુરુષોત્તમ તો કેવા હશે?’ આ મુદ્દો છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૫૯]

૧૧૨. ભાગવત: ૧૦/૩૩/૨૦.

૧૫૬. આ વચનામૃતના મથાળામાં ‘કૂંચી’ તે અક્ષરબ્રહ્મ સમજવું, કારણ કે અક્ષરબ્રહ્મ દ્વારા પુરુષોત્તમનો મહિમા ઉઘડે છે, અર્થાત્ સમજાય છે. - અંગ્રેજી વચનામૃતની ટીપણી.

૧૬૪. શ્રીજીમહારાજના આ કથનને ત્રણ રીતે સમજી શકાય:

 ૧. મહારાજ વચનામૃત લોયા ૧૪માં કહે છે કે તેજના સમૂહ (એટલે કે અક્ષરધામ) મધ્યે સિંહાસન છે, અને તેના ઉપર પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે. અહીં અક્ષરધામનું મધ્ય કયું સમજવું? અક્ષરધામ અનંત, અપાર, અપરિમેય છે, તેથી તેનું મધ્ય કળવું અત્યંત કઠિન છે. તેથી જ્યાં વ્યતિરેક સ્વરૂપે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું એમ મહારાજ અહીં કહે છે.

 ૨. પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ થાય છે, ત્યારે તેઓ જ્યાં વિરાજમાન હોય ત્યાં જ અક્ષરધામ છે એમ સમજવું. (વચનામૃત ગઢડા પ્રથમ ૬૩, ગઢડા પ્રથમ ૭૮, લોયા ૧૧)

 ૩. પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થયા પછી તેઓ જે સંત દ્વારા સમ્યક્‌પણે પ્રગટ છે, અર્થાત્ જે સંતમાં આ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, તે સંત અક્ષરધામ અર્થાત્ અક્ષરબ્રહ્મ છે, એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ રહે છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase