share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૧૭

સત્સંગમાં કુસંગનું, મોળી વાત ન કર્યાનું

સંવત ૧૮૭૬ના માગશર વદિ ૫ પાંચમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા૭૬ વંચાવતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી અને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.

તે સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, “આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી૭૭ તથા કર્મયોગી૭૮ સર્વ સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાનધર્મ૭૯ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પળે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;’ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે.’ એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાળે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત્યરહિત વાત કરશો નહીં, સદા હિંમત્ય સહિત જ વાત કરજ્યો. અને જે એવી હિંમત્યરહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૭ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૭૬. શ્રીમદ્‌‎ભાગવતની.

૭૭. ગૃહસ્થાશ્રમી હોવા છતાં કાયમ બ્રહ્મચર્ય પાળી સત્સંગમાં સેવા આપતા ભક્તો.

૭૮. ગૃહસ્થાશ્રમી સ્ત્રી-પુરુષ ભક્તો.

૭૯. ગૃહસ્થના તથા ત્યાગીના શિક્ષાપત્રી વગેરેમાં કહેલ ભક્તિના પોષક નિયમ-ધર્મો.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase