share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી ૧૨

કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકાનું

સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન-ઉત્તર કરો.” પછી મુનિએ માંહોમાંહી ઘણી વાર સુધી પ્રશ્ન-ઉત્તર કર્યા. તેમાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કારણ શરીર છે એ જીવની માયા છે. તે જ કારણ શરીર તે સ્થૂળ-સૂક્ષ્મરૂપે થાય છે; માટે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ જીવની માયા છે. તેમ જ વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે, તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી. માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદામાં ધારે, તેણે કરીને એ કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોંટી હોય, પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાઝીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય; તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે. અને તે વિના બીજા કોટિ ઉપાય કરે તોય પણ કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જાગ્રત અવસ્થામાં સત્ત્વગુણ વર્તે છે અને સર્વે પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે?” પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ! આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર તો એ છે જે, હૃદયને વિષે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે. તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇન્દ્રિયોનો પ્રેરક છે. તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે, માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દૃઢ થાય છે; કાં જે, ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો-અંતઃકરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દૃઢ થાય છે.” એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે સર્વે મુનિએ કહ્યું જે, “હે મહારાજ! યથાર્થ ઉત્તર કર્યો, એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે, તો તેના સર્વે વિકાર ટળી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં; તેમ ગમે તેવો કામાદિકને વિષે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયનાં સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને તપ્તકૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાંખે તો પણ જેવું આવી ભગવદ્‎‍વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૨ ॥ ૧૦૮ ॥

* * *

This Vachanamrut took place ago.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase