share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૧

અખંડ વૃત્તિનું

નિજૈર્વચોઽમૃતૈર્લોકેઽતર્પયદ્યો નિજાશ્રિતાન્ ।
પ્રીતો નઃ સર્વદા સોઽસ્તુ શ્રીહરિર્ધર્મનન્દનઃ ॥

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”

ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”

પછી વળી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ૧૦ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ૧૧ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. કાં જે, અન્ય સ્થળને વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને૧૨ કરીને ટળતાં નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે,

અન્યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે૧૩ વિનશ્યતિ ।
તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ ॥૧૪

“તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧. નોંધ: શ્રીજીમહારાજના સમયના મોટા સાધુઓએ વચનામૃતનાં જે નામ પાડેલાં છે, તે હવે દરેક વચનામૃત ઉપર આપવામાં આવશે.

૨. વાસુદેવનારાયણની સંધ્યા-આરતી પછી.

૩. ભગવાનની પ્રસન્નતાના કારણભૂત સ્વધર્મ, તપ આદિક ઉપાય.

૪. યથાર્થ.

૫. સ્ત્રી, પુત્ર ધનાદિક.

૬. માયાથી દેહાદિકમાં અહંમમતા થાય છે, તેથી સ્ત્રીઆદિક પદાર્થનો સંકલ્પ થાય છે. તે અંતરાયરૂપ થવાથી અખંડ ધ્યાન થતું નથી.

૭. ધર્મ એટલે શ્રીહરિના પિતાશ્રી, તેમનું કુળ એટલે ધર્મકુળ અર્થાત્ શ્રીજીમહારાજ; માટે શ્રીજીમહારાજને આશ્રીત એટલે ધર્મકુળને આશ્રીત. ‘ધર્મકુળ’ શબ્દથી રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજોને કહેવામાં આવે છે, પરંતુ આ વચનામૃત લખાયું ત્યારે અર્થાત્ ૧૮૭૬માં તેઓ આવ્યા જ ન હતા. સંવત ૧૮૭૭માં બંને ભાઈઓ લોયામાં શ્રીજીમહારાજને મળે છે, તેમ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં પૂર: ૨૪, તરંગ: ૩૯-૫૫માં વર્ણન છે. તેથી અહીં ‘ધર્મકુળ એટલે શ્રીજીમહારાજ,’ તેવો અર્થ યોગ્ય છે. વળી, ‘ધર્મકુળને આશ્રીત’ એવો શબ્દ અહીં છે. આશ્રય તો રામપ્રતાપભાઈ તથા ઇચ્છારામભાઈના વંશજો તથા સંતો-હરિભક્તો તમામ સ્વામિનારાયણ ભગવાનનો જ કરે છે. તેથી પણ અહીં ‘ધર્મકુળ’ શબ્દથી શ્રીજીમહારાજ જ અભિપ્રેમ છે.

૮. સાકાર, અક્ષરબ્રહ્મ.

૯. સત્ શબ્દથી કહેલા ભગવાન, સત્પુરુષ, સદ્ધર્મ અને સચ્છાસ્ત્ર - આ ચારનો યથાયોગ્ય સંગ.

૧૦. માહાત્મ્યજ્ઞાનમાં વિરોધી કામ-ક્રોધ-લોભાદિક.

૧૧. આ તો અવિવેકી છે, એકદેશી જ્ઞાનવાળા છે, દીર્ઘદર્શી નથી, વ્યવહારને જાણતા નથી, કેવળ વાર્તા કરવામાં ચતુર છે ઇત્યાદિક.

૧૨. પ્રાયશ્ચિત્ત વગેરે.

૧૩. સાધુરૂપ તીર્થક્ષેત્રે.

૧૪. સ્કંદપુરાણ ૨/૫/૧૭; વરાહપુરાણ ૧૬૩/૪૯, ૧૭૪/૫૩માં પણ થોડા પાઠ-ભેદથી આ શ્લોક છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase