પ્રકાશકીય...

 

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ધરતી પર અવતરીને પોતાનાં દિવ્ય ચરિત્રો, ઐશ્વર્યો અને ઉપદેશો દ્વારા અસંખ્ય મુમુક્ષુઓને મોક્ષના અધિકારી કર્યા છે. તેમાંય તેમનું એક અજોડ વરદાન એટલે અહોરાત્ર સતત વહેતી તેમની ઉપદેશ-ભાગીરથી. પ્રભાત હોય કે મધરાત, મધ્યાહ્ન હોય કે સંધ્યાહ્ન, કથાપ્રસંગ હોય કે ભોજનપ્રસંગ, પ્રવાસ હોય કે નિવાસ, સ્વામિનારાયણ ભગવાને અહોરાત્ર પોતાની જ્ઞાનગંગા વહાવ્યે રાખી છે. સ્થળ, સમય, વ્યક્તિ ગમે તે હોય, પરંતુ શ્રીહરિએ તેને અનુરૂપ એટલો સુંદર બોધ આપ્યો છે કે વેદો અને ઉપનિષદો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની દિવ્ય જ્ઞાન પરંપરાનો અર્ક તેમાં હોય. એટલું જ નહીં, ક્યાંક તો એમની પરાવાણીમાં શાસ્ત્રોના ગહન અર્થોના જે અસાધારણ વ્યવહારુ ઉકેલ જોવા મળે છે તે સાચે જ અજોડ છે. ભગવાન સ્વામિનારાયણની એ દિવ્ય વાણીને કોઈ વિશેષણ દ્વારા વર્ણવી શકાય તેમ નથી. સરળ અને ચિત્રાત્મક શૈલી, દિવ્ય અને અસાધારણ નિરૂપણ સામર્થ્ય, હથેળીમાં મૂકેલા આમળાને દેખી શકાય તેમ જ્ઞાનનો સમ્યક્ સાક્ષાત્કાર, સ્વાનુભવના જોર પર સિદ્ધ કરેલું જ્ઞાન, સકલ શાસ્ત્રો પણ તેનું પ્રમાણ આપતા હોય - એટલી વિગતો એમના ઉપદેશની લાક્ષણિકતા વર્ણવવા પૂરતી નથી. તેના માટે એક જ શબ્દ યથાર્થ છે: ‘દિવ્ય પરાવાણી.’

ભગવાન સ્વામિનારાયણના મહાન પરમહંસ સંતોએ એ વાણીને સંગૃહીત કરીને, દસ્તાવેજી વિગતો સાથે સંપાદિત કરીને વચનામૃત ગ્રંથની અદ્‌ભુત અને અનન્ય ભેટ આપી છે. વચનામૃત ગ્રંથ ઉપરાંત, ભગવાન સ્વામિનારાયણે જીવનભર આપેલા ઉપદેશોનો અદ્‌ભુત સંચય ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ ગ્રંથમાં છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામીએ કરેલી નોંધો પરથી, શિષ્ય આધારાનંદ સ્વામીએ રચેલો આ ગ્રંથ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની જ નહીં, સમગ્ર હિન્દી સાહિત્ય જગતની એક અજોડ ભેટ છે. ઓગણત્રીસ પૂરમાં વહેંચાયેલો લગભગ એંશી હજાર દોહા - ચોપાઈઓમાં રચાયેલો આ ગ્રંથ હિન્દી સાહિત્યનો સૌથી વિશાળ પદ્ય ગ્રંથ છે. તેઓ હિન્દી વ્રજભાષી પ્રદેશના ન હોવા છતાં તેમણે કરેલું આ પ્રદાન એક અનન્ય કૃતિ બની રહ્યું છે.

આ ગ્રંથમાં કવિએ ખૂબ કુશળતાપૂર્વક ભગવાન સ્વામિનારાયણનાં ચરિત્રો ગૂંથ્યાં છે અને પ્રસંગે પ્રસંગે ભગવાન સ્વામિનારાયણનો ઉપદેશ પણ સુંદરતાથી ગૂંથ્યો છે. પરંતુ સાગરસમા એ વિશાળ હિન્દી-વ્રજ ભાષાના ગ્રંથમાંથી મુમુક્ષુઓ કેટલુંક આચમન કરી શકે! પૂર્વે હરિચરિત્રામૃતસાગર ગ્રંથને સંક્ષિપ્ત ગુજરાતી ભાષાંતર રૂપે સ્વામિનારાયણ સાહિત્ય પ્રકાશન મંદિર, ગાંધીનગર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત કરાયો છે. તેના અનુવાદનું સ્તર પણ ખૂબ સ્તુત્ય છે. આમ છતાં, મૂળ પદ્યગ્રંથને વાંચીને તેમાંથી ભગવાન સ્વામિનારાયણના ઉપદેશનું ચયન કરીને તેને સ્વતંત્ર રીતે ગ્રંથરૂપે પ્રકાશિત કરવાની એક આવશ્યકતા હતી. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે મૂળ પદ્ય વાંચીને ભગવાન સ્વામિનારાયણના તમામ ઉપદેશભાગનું પરિશીલન કરીને, હિન્દી-વ્રજ પદ્યમાંથી ગુજરાતી ભાષાંતર કરીને વિષયવાર એક ગ્રંથ રચવાની ખૂબ જહેમત અક્ષરજીવન સ્વામીએ લીધી છે. આ જહેમતભરી સેવા કરવા બદલ અમે તેમના આભારી છીએ.

ભગવાન સ્વામિનારાયણના ૨૨૭મા પ્રાગટ્યોત્સવે તેઓની આ પરાવાણીને પ્રકાશિત કરતાં સ્વામિનારાયણ અક્ષરપીઠ હર્ષ અનુભવે છે.

આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા ઇચ્છતા કે ભગવાનનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા મુમુક્ષુઓ માટે એ ઉપદેશ કેટલો અદ્‌ભુત અને વ્યવહારુ છે તેની પ્રતીતિ આ ગ્રંથ આપે છે. આશા છે કે આ ગ્રંથ સર્વે મુમુક્ષુઓ માટે સાધનાનો એક મહાન રાજમાર્ગ બની રહેશે.

- સ્વામિનારાયણ અક્ષરપીઠ

સ્વામિનારાયણ જયંતી, ચૈત્ર સુદ-૯,

સંવત ૨૦૬૪. સને ૨૦૦૮